તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
ખાનગી કંપનીમાં ફીકસ ડીપોઝીટની રકમ પાકતી મુદતમાંપરત ન આપી માતા-પુત્રી સાથે રૂા. પ.ર૦ લાખની ઠગાઇ
સંતોષ પાર્કમાં રહેતા આર.એમ.સી.ના સ્પોર્ટસ સંકુલના સીનીયર કલાર્ક રાખીબેન શાહની એ-ડીવીઝન પોલીસે કંપનીના ડિરેકટરો સામે ફરિયાદ દાખલ કરી યુનિવર્સિટી પોલીસને તપાસ સોંપાઇ

રાજકોટ તા. ર૩: દોઢસો ફૂટ રીંગ સ્ટર્લીંગ હોસ્પિટલની પાછળ સંતોષ પાર્કમાં રહેતા આર.એમ.સી. કચેરી સ્પોર્ટસ સંકુલના મહિલા સિનિયર કલાર્ક અને તેની માતાએ એક ખાનગી કંપનીમાં ફીકસ ડીપોઝીટમાં મુકેલી રકમ પાકતી મુદતમાં પરત ન આપી રૂા. પ.ર૦ લાખની છેતરપીંડી કરી હોવાની કંપનીના ડીરેકટરો વિરૂધ્ધ ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ સંતોષ પાર્ક શેરી નં. ૧ બ્લોક નં. ર૪માં રહેતા રાખીબેન દિનેશભાઇ શાહ (ઉ.વ.૪ર) એ એ-ડીવીઝન પોલીસ મથકમાં યુનીક સાયમ મલ્ટીસ્ટેટ મલ્ટી પર્પસ કો. ઓપરેટીવ સોસાયટી લીમીટેડ યુનીક મર્કન્ટાઇલ ઇન્ડીયા પ્રા.લી.ના જવાબદાર ડીરેકટરો સામે ફરિયાદ નોંધાવી છે. રાખીબેને ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે આર.એમ.સી. કચેરી સ્પોર્ટસ સંકુલમાં સીનીયર કલાર્ક તરીકે નોકરી કરે છે. સાતેક વર્ષ પહેલા પોતાને ફીકસ ડીપોઝીટ કરાવવી હોઇ, જેથી પોતે પોતાના બહેનને વાત કરેલ કે કોઇ કંપની સારૂં વ્યાજ આપતી હોઇ તો મારે ફીકસ ડીપોઝીટ કરાવવી છે' તેમ વાત કરતા તેણે તેના રેફરન્સથી ધનસુખભાઇ જેઠાભાઇ લોલવાણી (રહે. ઇન્દીરા સોસાયટી શેરી નં. ૩/એ નવાગામ ઘેડ જામનગર) તથા રાજેશભાઇ ચૌહાણ (રહે. જામનગર નાગનાથ ગેઇટ પાસે) બંને ર૦૧૭માં આવ્યા હતા અને પોતાને કહેલ કે એક યુનીક સ્વયમ મલ્ટીસ્ટેટ મલ્ટી પર્પસ કો-ઓપરેટીવ સોસાયટી લીમીટેડ (યુનીક મર્કેન્ટાઇલ ઇન્ડીયા પ્રા. લીમીટેડ) નામની કંપની છે. અને જે. આર. બી.આઇ. દ્વારા રજીસ્ટર થયેલ છે. તેમાં બંને એજન્ટ હોઇ, અને તેની કંપની ફીકસ ડીપોઝીટનું સારૂં વ્યાજ આપે છે. તો તમે તમારી કંપનીમાં તમારા પૈસા ડીપોઝીટ કરો તેમ કહ્યું હતું. અને અલગ-અલગ ડીપોઝીટ પ્લાન તથા ડીપોઝીટ કરેલ પ્લાન ચાર વર્ષ બાદ સરેન્ડર કરી શકાય તેમ પોતાને વાત કરી હતી. અને પોતાને આ કંપનીમાં પોતાના તથા માતા રેખાબેન શાહનું આધારકાર્ડ તથા પાનકાર્ડની નકલો આપી હતી. અને પોતાના અને માતાના નામે સાડા છ વર્ષે ડીપોઝીટ ડબલ થશે તે પ્લાનમાં તા. ર૮/ર/ર૦૧૭ના રોજ રૂા. ૧ લાખનું રોકાણ કર્યું હતું. અને આ પોલીસી ર૦ર૩માં પાકતી મુદત પુર્ણ થઇ છે. બાદ તા. ૪-૯-ર૦૧૭ના રોજ પોતાના નામે દશ વર્ષે ત્રણ ગણા થશે તેમાં અલગ-અલગ પોલીસી મળી કુલ રૂા. ૧પ૦૦૦ નું રોકાણ કર્યું હતું. જે પોલીસીની તા. પ-૯-ર૦ર૭ના રોજ માતાના નામે દશ વર્ષે ત્રણ ગણા થશે તેમ અલગ-અલગ પોલીસી મળી રૂા. ૧,૭પ,૦૦૦નું રોકાણ કર્યું હતું. આ પોલીસી તા. પ-૧૦-ર૦ર૭ના રોજ મુદત પુર્ણ થતી હોઇ જે પોલીસી પોતે ર૦રરમાં સરેન્ડર કરાવી હતી. બાદ પોતે અલગ-અલગ મુદત મુજબ પૈસાનું રોકાણ કર્યું હતું. બાદ આ પોલીસીની મુદત તા. ૩૦-૬-ર૦ર૪ના રોજ મુદત પૂર્ણ થઇ હોઇ આ કંપનીમાં પોતાની અને માતાના નામની તમામ પોલીસી મળી કુલ રૂા. પ,ર૦,૦૦૦નું રોકાણ કર્યું હતું. આ પોલીસીઓ સરેન્ડર કરેલ તેમજ પાકતી મુદતની પોલીસીની ડીપોઝીટની રકમ મેળવવા માટે પોતે કંપનીની રાજકોટમાં પ્રમુખ સ્વામી આર્કેટ બી-વીંગમાં આવેલી ઓફીસે ગયા હતા ત્યાં તપાસ કરતા કંપનીના કર્મચારીઓએ કહેલ કે ‘અમારી કંપની હાલ ખોટમાં ચાલે છે અને હાલ અમે તમારા ડીપોઝીટના રૂપિયા આપી શકશું નહીં અને તમારા રૂપિયા અમદાવાદ ખાતે અમારી કંપનીની મેઇન ઓફીસ ખાતેથી તમારા ખાતામાં જમા થશે' તેમ જણાવ્યું હતું. અને પોતાના એકાઉન્ટમાં ડીપોઝીટના રૂપિયા જમા થયા ન હોઇ જેથી પોતે અમદાવાદ આશ્રમ રોડ પર ઇન્કમટેકસ ચાર રસ્તા પાસે આવેલી કંપનીની યુનીક હાઉસ ઓફીસે એક વર્ષ પહેલા ગયા હતા ત્યાં બે-ત્રણ મહિનામાં તમારા ખાતામાં રૂપિયા જમા થઇ જશે તેમ જણાવ્યું હતું. પરંતુ હજુ સુધી પોતાના અને માતાના રૂપિયા પરત ન આપતા પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાનું જાણવા મળતા પોતે ફરિયાદ નોંધાવતા એ-ડીવીઝન પોલીસે રાખીબેનની ફરિયાદ દાખલ કરી જેની તપાસ યુનિવર્સિટી પોલીસને સોંપવામાં આવી છે.
(3:40 PM IST)










