<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

નઝમાબેન ફકીર ઓરડીમાંથી બેભાન મળ્‍યા બાદ મોતઃ પતિ-સાસુ અને નણંદે મારકુટ કર્યાનો આક્ષેપ

છ વર્ષની દિકરીએ કહ્યું-મારા મમ્‍મીને બધાએ મારકુટ કરી હતીઃ ગોંડલની ઘટનાઃ રાજકોટ રહેતી દિકરીને જાણ થતાં સારવાર માટે લઇ આવી પણ દમ તોડી દીધોઃ ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ થશે

રાજકોટ તા. ૨૩: ગોંડલમાં પટેલ વાડી નજીક ભરવાડની ઓરડીમાં ભાડેથી પતિ, સાસરિયા સાથે રહેતી નઝમાબેન સલીમભાઇ ફકીર (ઉ.વ.૪૫) તેની ઓરડીમાંથી બેભાન મળતાં ગઇકાલે તેણીને રાજકોટ પોપટપરામાં રહેતી દિકરી યાસ્‍મીન શાહરૂખભાઇએ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડી હતી. અહિ તેણીને કમળાની બિમારી હોવાનું જણાતાં તેની સારવાર શરૂ થઇ હતી. વળી શરીર પર અલગ અલગ જગ્‍યાએ માર જેવા નિશાનો હોઇ તબિબે પૃછા કરતાં તેણીને મારકુટ થયાનું જણાવાતાં રીટ્રોગેટ એમએલસી કેસ જાહેર કરાયો હતો. સારવાર દરમિયાન મહિલાએ આજે બપોરે દમ તોડી દેતાં ગોંડલ પોલીસને જાણ કરાઇ હતી.

નઝમાબેનના દિકરી યાસ્‍મીનબેન કે જે રાજકોટ રહે છે તેણીએ કહ્યું હતું કે ગઇકાલે મને ગોંડલથી મારા માતાના પડોશીનો ફોન આવ્‍યો હતો કે તમારી માતા ઓરડીમાં ચારેક દિવસથી બેભાન જેવી હાલતમાં છે અને તેની છ વર્ષની દિકરી પણ રડે છે. આથી હું ગોંડલ ગઇ હતી. ત્‍યાં જતાં મારી માતા બેભાન મળતાં તેણીને સારવાર માટે રાજકોટ લઇ આવી હતી અને દાખલ કરી હતી.

આજે સવારે મને છ વર્ષની નાની બહેને કહેલુ કે માતાને મારા પપ્‍પા, દાદી અને ફઇએ માર માર્યો છે. આ પછી બપોરે મારા માતાનું મૃત્‍યુ થતાં અમે ડોક્‍ટરને જાણ કરતાં અને મારકુટ થયાનું પણ કહેતાં ડોક્‍ટરે પોલીસને જાણ કરી હતી. નઝમાબેનના સલીમ હારૂનભાઇ સાથે આ ત્રીજા લગ્ન હતાં. જ્‍યારે સલિમનું આ બીજુ ઘર હતું. નઝમાબેનને આગલા ઘરના પાંચ અને સલિમ થકી એક દિકરી મળી છ સંતાન છે. મોતનું કારણ જાણવા પોલીસ ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવી બાદમાં આગળ કાર્યવાહી કરશે. હોસ્‍પિટલ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂએ ગોંડલ પોલીસને જાણ કરી હતી.

(3:15 PM IST)