<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

૪થી વધુ ઇ-મેમો નહિ ભરનારાઓને નોટીસ મળ્‍યા બાદ ૧૦ દિવસમાં થશે લાયસન્‍સ સસ્‍પેન્‍ડ

નોટીસ ફટકારવાનું શરૂઃ બે વર્ષમાં ૬૦૯ વાહનચાલકોએ ઇ-મેમો ભર્યા નથી: ટ્રાફિક પોલીસ, ટ્રાફિક કોર્ટ, આરટીઓ દ્વારા કાર્યવાહી

રાજકોટ તા. ૨૩: શહેરમાં ટ્રાફિક નિયમ ભંગ કરનાર વાહનચાલકોને ઈ-ચલણ મારફત દંડ ફટકારવામાં આવે છે. પણ અનેક વાહનચાલકો આવા મેમો ભરતા નથી અથવા અવગણે છે. છેલ્લા બે વર્ષમાં ૬૦૯ જેટલા વાહનચાલકોને ૪થી વધુ ઈ-ચલણ ફટકારવામાં આવ્‍યા તેમાંથી એકપણ ચલણ એમણે નહીં ભરતા હવે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત તેના ડ્રાઇવીંગ લાયસન્‍સ સસ્‍પેન્‍ડ થઇ જશે.

આ ૬૦૯ વાહનચાલકો પૈકી ૨૨ને આરટીઓએ લાયસન્‍સ સસ્‍પેન્‍ડ કરવા માટેની નોટિસ પણ ફટકારી છે અને ૧૦ દિવસમાં આરટીઓમાં હાજર થવા જણાવાયું છે. રાજકોટમાં છેલ્લા ૩ વર્ષમાં ડ્રીંક એન્‍ડ ડ્રાઈવ, અકસ્‍માત સર્જનાર સહિતના ગુના સબબ કુલ ૨૪૫ વાહન ચાલકોના લાયસન્‍સ સસ્‍પેન્‍ડ કરાયા છે. શહેરમાં વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩ના ઈ-ચલણ પૈકી એનસી કેસ પોલીસ દ્વારા ટ્રાફિક કોર્ટમાં દાખલ કરવામાં આવ્‍યા હતા અને કોર્ટ દ્વારા વાહન ડિટેન અને લાયસન્‍સ સસ્‍પેન્‍ડ કરવાની કાર્યવાહી કરવા જણાવ્‍યું હતું. જેથી વાહનના માલિક અથવા તો અન્‍ય વ્‍યક્‍તિ- ડ્રાઈવર દ્વારા બેજવાબદાર બની વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ બદલ ૪ કે તેથી વધારે ઈ-ચલણ અપાયા હોય તેવા વાહનમાલિકોના લાયસન્‍સ સસ્‍પેન્‍ડ કરવાની કાર્યવાહી આરટીઓ દ્વારા કરવામાં આવી રહી છે. સાથે ટ્રાફિક પોલીસ અને ટ્રાકિફ કોર્ટ પણ આ કામગીરીમાં સામેલ છે.

જેમાં કુલ ૬૦૯ વાહનોની વિગતવાળું લિસ્‍ટ આરટીઓને મળ્‍યું છે જેમાંથી ૨૨ને લાયસન્‍સ સસ્‍પેન્‍ડ માટેની નોટિસ ફટકારીને ૧૦ દિવસમાં રૂબરૂ હાજર રહેવા જણાવાયું છે અને દિન-૧૦માં હાજર નહીં રહેનારનું લાયસન્‍સ એક તરફી નિર્ણય લઇ સસ્‍પેન્‍ડ કરી દેવામાં આવશે. હાલ ૨૨ વાહનમાલિકોએ કુલ ૧૬૦ ઈ-ચલણ ન ભરતા કાર્યવાહી કરાઈ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી, રોંગ સાઈડ વાહન હંકારવું, પૂરપાટ ઝડપે અથવા ભયજનક ડ્રાઈવિંગના કિસ્‍સામાં ૯૦ દિવસ અથવા ૧૮૦ દિવસ માટે ડ્રાઈવિંગ લાયસન્‍સ સસ્‍પેન્‍ડ કરવામાં આવે છે. તો હિટ એન્‍ડ રનના કેસમાં ૧૮૦ દિવસ માટે ડ્રાઈવિંગ લાયસન્‍સ સસ્‍પેન્‍ડ કરવામાં આવે છે.

લાયસન્‍સ સસ્‍પેન્‍ડ બાદ અપીલ કરવી હોય તો પોલીસ કમિશનરને અપીલ કરી શકે છે. તેમજ લાયસન્‍સ સસ્‍પેન્‍ડ કર્યા પછી પણ ચાલક વાહન ચલાવે અને ઝડપાય તો તેની સામે દંડની જોગવાઈ છે અથવા તો આ વ્‍યક્‍તિ જે વાહન ચલાવે તે વાહનને ડિટેન પણ કરવામાં આવે છે. આમાં બે હજાર જેવો દંડ થઇ શકે છે. પહેલીવાર ત્રણ મહિના માટે લાયસન્‍સ સસ્‍પેન્‍ડ થાય છે, આમ છતાં વાહનચાલક નિયમભંગ કરે કે અકસ્‍માત કરે તો છ મહિના માટે તેનું લાયસન્‍સ સસ્‍પેન્‍ડ થઇ જાય છે.

(3:16 PM IST)