<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

શહેરીજનો માટે સારા સમાચારઃ આગામી મહાપાલિકાનું ચુંટણી વર્ષઃ વર્તમાન ટર્મમાં કરબોજ નહીં ઝીંકાય

કાર્પેટ એરિયા બેઇઝ મિલકત વેરા આકારણીની પધ્‍ધતિ જંત્રી આધારિત છતાં જંત્રી મુજબ વેરા વધારો તુરંત લાગુ નહીં કરાય

રાજકોટ,તા.૨૩: રાજ્‍યમાં જંત્રી વધવાની સાથે મિલ્‍કતવેરા દર વધશે તેવી ભીતિ સર્જાય છે પરંતુ જંત્રી દર વધે તો પણ રાજકોટમાં હાલના તબક્કે મિલ્‍કતવેરો વધારવાની કોઇ જ વિચારણા નહીં હોવાનું જાણવા મળે છે, ખાસ કરીને આગામી વર્ષ ચુંટણી વર્ષ હોય મિલ્‍કતવેરો વધવાની શકયતા તદ્દન નહિવત છે.

હાલ નવી જંત્રી લાગુ કરવા તૈયારીઓ ચાલી રહી છે અને તેના સૂચિત દરો જાહેર કરાયા છે જે વર્તમાન દર કરતા બમણાંથી લઇને ચારથી પાંચ ગણા વધુ છે. જો કે હજુ આ તો સૂચિત દરો છે,વાંધા સુચનોની એક મહિના પૂર્ણ થયા બાદ ફાઇનલ દરો સામે આવશે. રાજકોટ શહેરમાં મહાપાલિકા દ્વારા એપ્રિલ-૨૦૧૮થી કાર્પેટ એરિયા બેઇઝ મિલ્‍કતવેરા આકારણીની પધ્‍ધતિ લાગુ કરાઇ છે જેથી જંત્રી દર વધારાની સીધી અસર મિલકત વેરા દર ઉપર આવે અને મિલ્‍કતવેરો પણ વધે. પરંતુ જંત્રી દર વધે તો પણ હાલના તબક્કે રાજકોટમાં મિલકત વેરા દર વધારવા માટે રાજકોટ મહાપાલિકાની કોઇ જ વિચારણા નહીં હોવાનું ટેક્‍સ બ્રાન્‍ચના સુત્રોમાંથી જાણવા મળે છે.

મ્‍યુનિ.ટેક્‍સ બ્રાન્‍ચના સ્‍ટાફમાં અનેક જગ્‍યા ખાલી હોય નવી જંત્રી લાગુ થયા બાદ મિલકતોની નવેસરથી આકારણીની કામગીરી એક પડકાર બની રહે તેવી સ્‍થિતિ છે. ટેક્‍સ બ્રાન્‍ચમાં હાલ અધિકારી પછી સીધા જુનિયર ક્‍લાર્ક આવે છે, વચ્‍ચેની કેડરની તમામ જગ્‍યા ખાલી છે, તેમાં પણ અમુક ક્‍લાર્કને વોર્ડ ઓફિસર તરીકે પ્રમોશન અપાતા ક્‍લાર્કની જગ્‍યાઓ પણ ખાલી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં હાલ બાકીદારોની મિલકત જપ્તિ, સિલિંગ અને હરાજી કરવા સહિતની શિક્ષાત્‍મક કાર્યવાહી ચાલું જ છે પરંતુ સેન્‍ટ્રલ ઝોનથી લઇને વેસ્‍ટ ઝોન અને ઇસ્‍ટ ઝોન તેમજ તમામ સિવિક સેન્‍ટર્સમાં પણ ટેબલ વર્ક અને ફિલ્‍ડ વર્ક કરે તેવા સ્‍ટાફની ઘટ હોય કામગીરી કર્યા બાદ તેની વિગતોની પણ જાહેર જનતા સુધી પહોંચે તે રીતે સત્તાવાર જાહેરાત કરી શકાતી નથી. ટેક્‍સ બ્રાન્‍ચમાં સ્‍ટાફ ઘટ વચ્‍ચે અધિકારીઓને ટેક્‍સ બ્રાન્‍ચ ઉપરાંત અન્‍ય બ્રાન્‍ચનો કાર્યભાર પણ સોંપવામાં આવ્‍યો હોય યોગ્‍ય રીતે કામગીરી થઇ શકતી નથી.

(3:39 PM IST)