હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટમાં વધુ એક હત્યા: ૧૪મીએ હુમલામાં ઘાયલ થયેલા રેશ્માબેને દમ તોડતા બનાવ ખૂનમાં પરિણમ્યો
કુવાડવા રોડ ડી માર્ટ પાછળ એંસી ફુટ રોડ પરની શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં રેશ્માબેન બેલીમ પર પૂર્વ જેઠના પુત્ર અને જમાઈએ છરીના ઘા ઝીંક્યા હતાં: આજે મોત થતા પરિવારમાં માતમ

રાજકોટ: શહેરમાં હતી અને વધુ એક ઘટના નોંધાય છે ગત 14 મે કુવાડવા રોડ પર ડી માર્ટ પાછળ એંસી ફુટ રોડ શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં પતિથી છુટુ થયા પછી ત્રણ સંતાન સાથે રહેતી મુસ્લિમ મહિલાને રાતે સાડા બારેક વાગ્યે રામનાથપરામાં રહેતાં તેના પુર્વ કુટુંબી જેઠના છોકરા અને જમાઇએ ફોન કરી દરવાજો ખોલાવડાવી છરીના ઘા પેટ-છાતી-હાથમાં ઝીંકી દઇ હત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ હતી. હુમલામાં ઘાયલ મહિલા ગંભીર હાલતમાં સારવાર હેઠળ હતી તેનું આજે મોત થતાં બનાવ હત્યામાં પલટયો છે.
પતિ સાથે તલ્લાક થયા પછી કુટુંબી જેઠ સાથે નિકાહની વાત ચાલતી હોઇ પણ જેઠ આ મહિલાના આગલા સંતાનોને સ્વીકારવા તૈયાર ન હોઇ તેથી તેણે નિકાહની ના પાડી દીધી હતી. આ કારણે પુર્વ કુટુંબી જેઠ સાથે ડખ્ખો ચાલતો હતો. દરમિયાન જેઠના દિકરા, જમાઇએ ઓચીંતા આવી હીચકારો હુમલો કર્યો હતો.જે જીવલેણ નીવડ્યો હતો. આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે હુમલામાં ઘવાયલા રેશ્માબેન યુનુસભાઇ બેલીમ (ઉ.વ.૩૫)ના રિક્ષાચાલક ભાણેજ ૮૦ ફુટ રોડ શહીદ ઉધમસિંહ ટાઉનશીપ બ્લોક નં. એફ-૬૦૩માં રહેતાં શોયેબ બોદુભાઇ સોલંકી (ઉ.વ.૩૧)ની ફરિયાદ પરથી રામનાથપરામાં રહેતાં મહેબુબભાઇના દિકરા ટીપુ તથા મહેબુબભાઇના જમાઇ સાહીલ અને એક અજાણ્યા વિરૂધ્ધ બીએનએસની કલમ ૫૪, ૧૦૯, ૧૩૫ મુજબ હત્યાની કોશિષનો ગુનો દાખલ કરાયો હતો જેમાં હત્યાની કલમનો ઉમેરો કરાયો છે.
શોયેબ સોલંકીએ જણાવ્યું હતું કે હું પરિવાર સાથે રહી રિક્ષા હંકારી ગુજરાન ચલાવુ છું. મારા માતા અને પિતા મારી સાથે જ રહે છે. હું શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં એફ-૬૦૩માં રહુ છું અને મારા ઉપરના માળે મારા કુટુંબી માસી રેશ્માબેન યુનુસભાઇ બેલીમ (ઉ.વ.૩૫) પોતાની બે દિકરીઓ તમન્ના (ઉ.વ.૧૬), જીયા (ઉ.વ.૧૨) અને ૮ વર્ષના દિકરા સાથે રહેતા હતાં. તેમજ તેણી નવાગામમાં આવેલી યુનિક ફોમ નામની ગાદલા બનાવવાની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરી ગુજરાન ચલાવતા હતાં. તેણે આગળ જણાવ્યું હતું કે મારા માસી રેશ્માબેનના લગ્ન ૨૦૦૫માં થયા હતાં, પણ દોઢેક વર્ષ બાદ પતિ આરીફભાઇ સમા સાથે છુટુ થઇ ગયું હતું. હાલમાં તેમના પતિ આરીફભાઇ રામનાથપરામાં અલગ રહે છે. અગાઉ મારા માસી રેશ્માબેન રામનાથપરામાં પતિ સાથે હુશેની ચોક અલકાબા મસ્જીદ સામે રહેતાં હતાં. તે વખતે કૌટુંબીક જેઠ મહેબુબભાઇ સમા તેમના પડોશમાં જ રહેતાં હતાં. મારા માસીને તેના પતિ સાથે છુટુ થયું પછી કુટુંબી જેઠ મહેબુબને તેણી સાથે નીકાહ કરવા હતાં. પરંતુ મહેબુબભાઇ મારા માસીના સંતાનોને સ્વીકારવા તૈયાર ન હોઇ જેથી માસીએ નિકાહની ના કહી દેતાં તેના અને મહેબુબભાઇ વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતાં. આ કારણે મારા માસીએ તેની સાથે નિકાહ નહી કરવાનો નિર્ણય કરી લીધો હતો.
જેથી મહેબુબભાઇ મારા માસીને અવાર-નવાર ખાર રાખી ધમકીઓ દઇ નિકાહ કરવા દબાણ કરતાં હતાં. સોયેબે વધુમાં જણાવ્યું હતું કે હુમલો થયો એ દિવસથી વિસેક દિવસ પહેલા મારા માસી રામનાથપરાના ઘરે ગયા ત્યારે પણ તેના જેઠ સાથે મોટો ઝઘડો થયો હતો. તે વાત મારા માસીએ મને કરી હતી. દરમિયાન બુધવારે ૧૪મીએ રાતે સાડા બારેક વાગ્યે હું ઘરે હતો અને સુવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે મારા ઘરની લોબીમાં બૂમાબૂમ થતી હોઇ હું બહાર જોવા જતાં ટોળુ ભેગુ થયેલુ હતું. મારા માસીના ઘરની બહાર આ લોકો ઉભા હતાં. હું ત્યાં જતાં મારા માસી લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાયેલા પડયા હતાં. આજુબાજુમાં લોહીના ખાબોચીયા ભરાઇ ગયા હતાં. માસી કણસતાં હતાં અને કંઇક કહેવાનો પ્રયાસ કરતાં હતાં. મેં શું બનાવ બન્યો છે? તેમ પુછતાં તેણે કહેલુ કે-મહેબૂબનો દિકરો ટીપુ અને તેનો જમાઇ સોહીલ અને અજાણ્યો હતાં...એટલુ તે બોલ્યા હતાં.
તેની વિડીયોગ્રાફી પણ મેં કરી હતી. કોઇએ ૧૦૮ને જાણ કરી હોઇ ગાડી આવી જતાં અમે માસીને સિવિલ હોસ્પિટલે ખસેડયા હતાં.
૧૦૮માં પણ મેં મારા માસીને ફરીથી પુછતાં તેણે કહેલું કે અજાણ્યા શખ્સે મને પકડી રાખી હતી અને મહેબુબના દિકરા ટીપુ તથા જમાઇ સોહીલે છરીના ઘા પેટ, છાતીના ભાગે માર્યા હતાં. આ બંનેને મારા માસી સાથે શું દુશ્મનાવટ છે તેની મને ખબર નથી.
માસીને તેના કુટુંબી જેઠ મહેબુબ સાથે માથાકુટ હતી તે ખબર છે. ડોક્ટરે તપાસ કરતાં મારા માસીને કોઇ ધારદાર હથીયારથી ડાબા હાથની કોણી નીચે એક ઘા, પેટના ભાગે બે ઘા અને છાતીના ભાગે એક ઘા મારી દેવાયાનું જણાયું હતુ. તેમની હાલત નાજુક છે. પીઆઇ એસ. એસ. રાણે, રાઇટર હીરાભાઇ રબારીએ હત્યાની કોશિષનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી..સોયેબે વધુમાં જણાવ્યું હતું કે રાતે માસી રેશ્માબેનનો ઘરનો દરવાજો બંધ હતો. હુમલાખોરે ત્યાં પહોંચી ફોન કરી દરવાજો ખોલાવ્યો હતો અને ઓચીંતો જ હુમલો કરી દીધો હતો. હત્યાના બનાવથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટનામાં બી ડિવિઝન પોલીસે ચાર આરોપીઓને પકડી લીધા હતા એક આરોપી હજુ ફરાર છે.










