હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટની બે દીકરીઓએ કર્યું માતાનું સપનું સાકાર: એવરેસ્ટ બેઝ કેમ્પ સર કર્યું: આવતા વર્ષે એવરેસ્ટ શિખર સર કરવાની ઈચ્છા વ્યક્ત કરી
13 વર્ષની કેરેન અને 16 વર્ષની જિયાએ તેમની માતા સાથે એવરેસ્ટ બેઝ કેમ્પ સુધીની મુશ્કેલ યાત્રા પૂરી કરી

રાજકોટ: દીકરી એટલે વ્હાલનો દરિયો આ કહેવત રાજકોટની બે દીકરીઓએ ફરી એકવાર સાચી સાબિત કરી છે. રાજકોટની કેરેન ખખ્ખર અને જિયાના ખખ્ખરે તેમના માતા કેરોલ ખખ્ખરના યુવાનીના સપનાને વાસ્તવિકતામાં ફેરવ્યું છે. બંને જણાએ તાજેતરમાં એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી પહોંચી તેમની તાકાત બતાવી મહિલાઓ માટે હિંમતનું દૃષ્ટાંત બન્યાં છે. ભવિષ્યમાં તેઓ હિમાલય સર કરવા માંગે છે.
સેન્ટ પોલ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કેરોલ ખખ્ખર તેમની બંને પુત્રીઓ કેરેન અને જિયાના સાથે તાજેતરમાં એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચ્યા છે. આ સાહસિક કાર્ય દ્વારા તેઓ મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે.
કેરોલે જણાવ્યું હતું કે, કોલેજના દિવસોમાં તેમને એવરેસ્ટ સર કરવાનું સપનું હતું, પરંતુ લગ્ન બાદ પારિવારિક જવાબદારીઓને કારણે આ સપનું અધૂરું રહ્યું હતું. તેઓ વારંવાર પોતાની દીકરીઓ સાથે આ સપના વિશે વાત કરતા, જેના કારણે બંને દીકરીઓએ માતાના સપનાને સાકાર કરવાનો નિર્ણય કર્યો હતો.
13 વર્ષની કેરેન અને 16 વર્ષની જિયાએ તેમની માતા સાથે એવરેસ્ટ બેઝ કેમ્પ સુધીની મુશ્કેલ યાત્રા પૂરી કરી છે. કેરોલે 2600 મીટર સુધી અને તેમની પુત્રીઓએ 5030 મીટરની ઊંચાઈ સુધી ટ્રેકિંગ કર્યું હતું. આ સફળતાથી પ્રેરાઈને તેઓ આવતા વર્ષે એવરેસ્ટ શિખર સર કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
જિયાના પ્રીમિયર સ્કૂલમાં અભ્યાસની સાથે બાળકોને ફ્રેન્ચ ભાષા અને પેઇન્ટિંગ શીખવે છે, જ્યારે આઠમા ધોરણમાં અભ્યાસ કરતી કેરેનને ડ્રોઇંગ, સાયકલિંગ અને રાઇફલ શૂટિંગનો વિશેષ શોખ છે. આ માતા-પુત્રીની ત્રિપુટીએ સાબિત કર્યું છે કે દીકરીઓ માતાના સપનાને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.










