<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

જયંતિભાઇની ફરિયાદ-હું સરદારધામનો ઉપપ્રમુખ થતાં નરેશ પટેલને પસંદ ન આવતાં પીઆઇએ ‘તું ગદ્દાર છો' કહી મારી હત્‍યાનો પ્રયાસ કર્યો

મવડી કણકોટ રોડ પર શ્‍યામ પાર્ટી પ્‍લોટમાં પાટીદાર અગ્રણી સરદારધામ સોૈરાષ્‍ટ્રના ઉપપ્રમુખ પર જુનાગઢ એસઆરપી રિજીયન પીઆઇ સંજય પાદરીયાએ હુમલો કર્યાની ઘટનામાં તાલુકા પોલીસે હત્‍યાની કોશિષનો ગુનો નોંધ્‍યોઃ ભારે ચકચાર હરિ ધવા રોડ પર શ્રીરામ પાર્કમાં રહેતાં જયંતિભાઇ સરધારા મિત્ર રમેશભાઇ કોરાટના પુત્રના લગ્ન પ્રસંગમાં હતાં અને અગ્રણીઓ સાથે વાતો કરતાં હતાં ત્‍યારે એક વ્‍યક્‍તિએ આવી-હું સંજય પાદરીયા પીઆઇ છું, તું સમાજનો ગદ્દાર છો કહી ઝઘડો કર્યોઃ આગેવાનોએ વચ્‍ચે પડી શાંત પાડયાઃ પછી જયંતિભાઇ પાર્કિંગમાંથી કાર લઇ નીકળ્‍યા ત્‍યારે પીઆઇ પાદરીયાએ ફરીથી આંતરી-હું નરેશભાઇ પટેલની સક્રિય ટીમમાં છું, તું સરદારધામમાં ઉપપ્રમુખ બનીને ગદ્દારી કરે છે, આજે તો જીવતો જવા દેવો નથી કહી માથામાં પિસ્‍તોલ જેવા હથીયારથી ઘા ફટકાર્યાઃ જયંતિભાઇ પડી ગયા પછી માથે આવી ઢીકાપાટુ માર્યાઃ બે અજાણ્‍યા લોકોએ બચાવ્‍યાઃ પીઆઇએ ગાળો દઇ ફરી ધમકી દીધાનો ફરિયાદમાં આરોપઃ લોહીલુહાણ હાલતમાં જાતે જ કાર ચલાવી જયંતિભાઇ સારવાર માટે પહોંચ્‍યા હુમલામાં ઘાયલ જયંતિભાઇ સરધારા, ઘટના સ્‍થળના સીસીટીવી ફૂટેજ અને જેના વિરૂધ્‍ધ ગુનો દાખલ કરાયો છે તે જુનાગઢ એસઆરપી રિજીયન પીઆઇ સંજય પાદરીયાનો ફાઇલ ફોટો જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૬: શહેરનાં પુર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી તેમજ સરદારધામ સોૈરાષ્‍ટ્રના ઉપપ્રમુખ જયંતીભાઈ સરધારા પર રાત્રીના મવડી કણકોટ રોડ પર શ્‍યામ પાર્ટી પ્‍લોટ ખાતે જુનાગઢ એસઆરપીના રિજીયન પીઆઇ સંજય પાદરીયાએ હીચકારો હુમલો કર્યાની ઘટનાના ઘેરા પડઘા પડયા છે. ખોડલધામ અને સરદારધામ વચ્‍ચે ચાલતાં વેરઝેરને કારણે આ ડખ્‍ખો સર્જાયાની વાતો વહેતી થવા વચ્‍ચે હુમલામાં ઘાયલ જયંતિભાઇની ફરિયાદ પરથી તાલુકા પોલીસે  હુમલો કરનારા પીઆઇ વિરૂધ્‍ધ હત્‍યાની કોશિષનો ગુનો દાખલ કરતાં ચકચાર જાગી છે. જયંતિભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે-હું સરદારધામ સોૈરાષ્‍ટ્ર સોમનાથ ટ્રસ્‍ટના ઉપપ્રમુખ તરીકે હું નિમાયો હોઉ અને ખોડલધામ ટ્રસ્‍ટ તથા નરેશભાઇ પટેલને અમો ઉપપ્રમુખ તરીકે હોઇએ તે વાત પસંદ ન આવતી હોઇ તે કારણે પીઆઇએ મને સમાજનો ગદ્દાર કહી મારી નાખવાના ઇરાદે હુમલો કર્યો હતો.

 જો કે બીજી તરફ માથાકુટ વખતે પીઆઇ પાસે હથીયાર નહિ હોવાનું અને તે રજા પર હોવાના અને સોશિયલ મિડીયા, ન્‍યુઝ ચેનલોમાં સમાચારો વહેતા થયા છે. હું નરેશ પટેલની સક્રિય ટીમમાં છું, તું સરદારધામનો ઉપપ્રમુખ બનીને ગદ્દારી કરે છે...તેમ કહી પીઆઇએ હુમલો કરી દીધાનો આરોપ ફરિયાદમાં મુકાયો છે.  ઘટનાની જાણવા મળેલી વિગતો અનુસાર કોઠારીયા રોડ હરિધવા માર્ગ પર શ્રીરામ પાર્કઅ૧ નવનીત હોલ સામે રહેતાં પાટીદાર આગેવાન અને સરદારધામ સોૈરાષ્‍ટ્ર ઝોનના ઉપપ્રમુખ જયંતિભાઇ કરસનભાઇ સરધારા (ઉ.વ.૫૮) પર રાતે મવડી કણકોટ રોડ પરના પાર્ટી પ્‍લોટ પાસે જુનાગઢ એસઆરપી રિજીયન પીઆઇ સંજય પાદરીયાએ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હોવાની ઘટના બનતાં અને  જયંતિભાઇને લોહીલુહાણ હાલતમાં ગિરીરાજ હોસ્‍પિટલમાં ખસેડાતાં આગેવાનો, કાર્યકરો, પરિવારજનો અને જયંતિભાઇના મિત્રો મોટી સંખ્‍યામાં હોસ્‍પિટલ ખાતે ઉમટી પડયા હતાં.

જયંતિભાઇએ લોહીલુહાણ હાલતમાં જણાવ્‍યું હતું કે મને પીઆઇ પાદરીયાએ  મને ખુણામાંલઇ જઇને કીધુ કે તું સમાજનો ગદ્દાર છો, સરદારધામના ઉપપ્રમુખનો તે શું કામ ચાર્જ લીધો? અમારે ખોડલધામ અને સરદારધામને વેરઝેર છે, નરેશ પટેલની સામે થઇશ તો તને જાનથી મારી નાખીશ તેમ કહેતાં મેં કીધુ કે ભાઇ હું તો થયો છું, મેં કોઇ પાપ નથી કર્યુ કે ખરાબ કામ નથી કર્યુ. પછી તેણે મને બહાર નીકળ જોઇ લઉ છું તેમ કહેતાં હું ગાડી લઇને નીકળતાં તે આડો ઉભા રહી ગયેલ, હુ બહાર નીકળતાં  સીધા જ તેણે માથામાં હથીયાર મારતાં હું પડી ગયો હતો. માથે તાંકીને ઉભેલ અને મારી નાખીશ તો આટલી વાર લાગશે તેમ કહી હવે જો સરદારધામના કામમાં ગ્‍યો છો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી દીધી હતી, હું ફરીથી ઉભો થતાં મારો કાંઠલો પકડયો હતો. હું દોડીને ગાડીમાં બેસી જતાં ફરીથી તેણે કાંઠલો ખેચી બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો. પણ હું ગાડી લઇ સડસડાટ નીકળી ગયેલ ત્‍યારે પણ તે હથીયાર લઇ પાછળ દોડેલ.

ઉપરોક્‍ત નિવેદન હોસ્‍પિટલમાં જયંતિભાઇને ખસેડાયા ત્‍યારે તેણે આપ્‍યું હતું જે રાતે સોશિયલ મિડીયામાં વાયરલ થયું હતું.

આ ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસની ટીમ, એલીસીબી, ડીસીબી, ઉચ્‍ચ અધિકારીઓ પણ ઘટના સ્‍થળે અને હોસ્‍પિટલે દોડી ગયા હતાં. તાલુકા પોલીસે આ બનાવમાં હુમલામાં ઘાયલ જયંતિભાઇ સરધારાની ફરિયાદ પરથી જુનાગઢ એસઆરપી રિજીયન પીઆઇ સંજય પાદરીયા વિરૂધ્‍ધ બીએનએસની કલમ ૧૦૯ (૧), ૧૧૫ (૨), ૧૧૮ (૧), ૩૫૨, ૩૫૧ (૩), જીપીએક્‍ટ ૧૩૫ મુજબ પિસ્‍તોલ જેવા હથીયારથી માથાના ભાગે ઘા ફટકારી મારી નાખવાની ધમકી આપ્‍યાનો ગુનો નોંધી તપાસ યથાવત રાખી છે.

જયંતિભાઇ સરધારાએ એફઆઇઆરમાં જણાવેલી વિગતો આ મુજબ છે. તેમણે કહ્યું હતું કે-હું વેપાર કરુ છું અને પરિવાર સાથે રહુ છું, સાથે સાથે હું સરદારધામ સોૈરાષ્‍ટ્ર ઝોનનો ઉપપ્રમુખ તરીકે સમાજનો અગ્રણી છું. સોમવારે ૨૫મીએ સાંજે સાડા પાંચેક વાગ્‍યે હું મારી કાર જીજે૦૩એમબી-૮૧૧૮ લઇને મારા મિત્ર રમેશભાઇ ગીરધરભાઇ કોરાટના પુત્રના લગ્નમાં શ્‍યામ પાર્ટી પ્‍લોટ મવડી કણકોટ રોડ પર છે ત્‍યાં ગયો હતો. રાતે સાડા આઠેક વાગ્‍યે હું ફંકશનમાં હતો ત્‍યારે અગ્રણી મિત્રો સાથે વાતચીત કરી રહ્યો હતો.

આ વખતે એક વ્‍યક્‍તિ મારી પાસે આવેલ અને કહેલુ કે-હું સંજયભાઇ પાદરીયા પીઆઇ છું અને જુનાગઢ એસઆરપી રિજીયનમાં છું, તું સમાજનો ગદ્દાર છો...આવુ કહી મને મારવાની કોશિષ કરતાં અન્‍ય અગ્રણીઓ વચ્‍ચે પડેલા અને ઝઘડો બોલાચાલી અટકાવ્‍યા હતાં. ત્‍યારે આ સંજય પાદરીયાએ કહેલુ કે-હું નરેશભાઇ પટલની સક્રિય ટીમમાં છું, તું સરદારધામમાં ઉપપ્રમુખ બનીને ગદ્દારી કરે છે, હવે તને અહિથી જીવતો જવા દેવો નથી. આ પછી સંજય પાદરીયા જતા રહેલ અને હું મારુ ફંકશન પુરૂ કરી પાર્કિંગમાંથી મારી કાર લઇને નીકળ્‍યો ત્‍યાં રસ્‍તામાં ગાડી આડે સંજય પાદરીયા આવી ગયેલ અને ગાડી ઉભી રખાવી હતી.

હું બહાર આવતાં જ  સંજય પાદરીયાએ પોતાની પાસે રહેલા પિસ્‍તોલ જેવા હથીયારથી મને સીધો માથાના ભાગે ઘા મારી દીધો હતો. જેથી હું નીચે પડી ગયો હતો. એ પછી સંજય મારી ઉપર આવી જઇ ઢીકાપાટુ મારવા માંડયો હતો અને ગાળો દઇ આજે તો પતાવી જ દેવો છે તેમ કહી માર મારતાં દેકારો થતાં બે અજાણ્‍યા લોકો આવી જતાં મને છોડાવ્‍યો હતો. મને માથામાં ઇજા થઇ હોઇ લોહીલુહાણ થઇ ગયો હતોઉ એ પછી ત્‍યાંથી નીકળી જઇ મારી જાતે જ ગિરીરાજ હોસ્‍પિટલે પહોંચ્‍યો હતો. હુ઼ હાલ ભાનમાં છું અને સારવાર હેઠળ છું.

સરદારધામ સોૈરાષ્‍ટ્ર સોમનાથ ટ્રસ્‍ટના ઉપપ્રમુખ તરીકે હું નિમાયો હોઉ અને ખોડલધામ ટ્રસ્‍ટ તથા નરેશભાઇ પટેલને અમો ઉપપ્રમુખ તરીકે હોઇએ તે વાત પસંદ ન આવતી હોઇ તેમજ અમો સમાજના ગદ્દાર છીએ તેમ કહી સંજય પાદરીયા જે પીઆઇ છે તેણે પિસ્‍તોલ જેવા હથીયારથી માથામાં ઘા ફટકારી ઇજા કરી ઢીકાપાટુ મારી ગાળો દઇ જાનથી મારી નાખવાનની ધમકી આપી મને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તેમ વધુમાં જયંતિભાઇ સરધારાએ જણાવતાં એસીપી બી. જે. ચોૈધરી, પીઆઇ ડી. એમ. હરીપરા અને ટીમે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

બીજી તરફ આ ઘટનામાં પીઆઇ ચાલીને જતાં હોય અને બાદમાં કાર આવતી હોઇ તેમાંથી જયંતિભાઇ સરધારા  ઉતર્યા બાદ મારામારી થતી હોવાના સીસીટીવી ફૂટેજના દ્રશ્‍યો વહેતા થયા છે, પીઆઇ હાલ રજા પર હોવાની વાતો પણ ન્‍યુઝ ચેનલોમાં પ્રસારીત થઇ હતી. આ ઘટનામાં પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.

(2:44 PM IST)