News of Tuesday, 26th November 2024
મુંજકાના જમીન મકાનના ધંધાર્થી જીતેશ મકવાણાની કારને કાલાવડ રોડ પર આંતરી હુમલોઃ ધોકાથી તોડફોડ
પાંચ વર્ષ પહેલા મુંજકાના જયદેવ જાદવની હોટલ ભાડેથી રાખી હતીઃ બાદમાં તેણે તું હોટલનું ધ્યાન નથી રાખતો કહેતાં જીતેશે હોટલ બંધ કરી દીધી હતીઃ ભાડાના રૂપિયાની લેતીદેતી મામલે ચાલતી ચડભડને કારણે ડખ્ખોઃ જયદેવ જાદવ અને ભત્રીજા નવઘણે નંબર વગરની કારથી એમજી હોસ્ટેલ પાસે જીતેશની ફોર્ચ્યુનર આંતરી ધોકાવાળી કરીઃ તાલુકા પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૬: મુંજકા ચોકડીએ રહેતાં જમીન મકાનના ધંધાથીએ અગાઉ મુંજકાના જ એક શખ્સની હોટલ ભાડેથી રાખી હોઇ બાદમાં બંધ કરી દીધો હોઇ ભાડાના રૂપિયાની લેતીદેતી મામલે હોટલ માલિક સાથે ચડભડ થતાં હોટલ માલિક અને તેના ભત્રીજાએ કાલાવડ રોડ પર એમજી. હોસ્ટેલ પાસે જમીન મકાનના ધંધાર્થીની ફોર્ચ્યુનર કારને આંતરી તેને મારકુટ કરી કારમાં પણ ધોકા ફટકારી તોડફોડ કરી ધમકી આપતાં ફરિયાદ થઇ છે.
આ બનાવમાં તાલુકા પોલીસે મુંજકા ચોકડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આવાસ યોજના ક્વાર્ટર સી-૧૦૪માં રહેતાં અને જમીન મકાન લે-વેંચનો ધંધો કરતાં જીતેશભાઇ નાગદાનભાઇ મકવાણા (ઉ.વ.૪૧)ની ફરિયાદ પરથી મુંજકાના જયદેવ દેવરાજભાઇ જાદવ અને નવઘણ વજાભાઇ જાદવ વિરૂધધ ગુનો નોંધ્યો છે
જીતેશભાઇ મકવાણાએ જણાવ્યું છે કે પાંચેક વર્ષ પહેલા મેં જયદેવ જાદવ કે જેની હોટલ મુંજકા ચોકડીએ છે તે દર મહિને ૪૦ હજારના ભાડેથી રાખી હતી. જેમાં હું ખાણીપીણી અને ચાનો વેપાર કરતો હતો. ગત ૧૩/૯ના રોજ જયદેવે મને કહેલુ કે તમે માલ વ્યવસ્થિત રાખતા નથી, હોટલનું સરખુ ધ્યાન રાખતા નથી જેથી કાલથી તમે હોટલે આવતા નહિ. આ પછી મેં હોટલનો ધંધો બંધ કરી દીધો હતો. એકાદ મહિના પછી જયદેવે બાકી રહેલા ભાડાના પૈસા માટે મને ફોન કરતાં હું અને જયદેવ હિસાબ કરવા માટે મુંજકા ચોકડીએ તેની હોટલે ભેગા થયા હતાં. ત્યારે જયદેવે કહેલુ કે તમારી પાસેથી મારે ભાડાના કુલ રૂા. ૧,૨૦,૦૦૦ લેવાના થાય છે. જેથી મેં કહેલુ કે મારે તમને માત્ર ૮૦ હજાર જ દેવાના છે, પણ હાલ મારી પાસે રોકડા નથી, હું પછી આપીશ. તેમ કહી નીકળી ગયો હતો.
તેના બે ત્રણ દિવસ પછી જયદેવે ફરીથી મને ફોન કરી કહેલુ કે મારે પૈસાની તાત્કાલીક જરૂર છે. આથી મેં તેને ૪૦ હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધા હતાં. એ પછી સગવડ થતાં ૨૦ હજાર પણ આપી દીધા હતાં. ત્યારબાદ હું હોટેલ ખાતે મારા સીસીટીવી કેમેરા અને મોટા ફ્રીઝ હતાં તે લેવા જતાં મેં જયદેવને ફોન કરતાં તેણે જેમફાવે તેમ કહી ગાળો દેતાં મેં ગાળો દેવાની ના પાડતાં તેણે મને તું કેમ મારી સામે બોલે છે? હું તારા ટાંટીયા ભાંગી નાંખીશ તને જીવતો નહિ રહેવા દઉ તેમ કહી ધમકી આપી હતી. એ પછી સોમવારે બપોરે હું મારી કાર જીજે૦૩એફડી-૬૧૦૦ લઇને મારા ઘરેથી જાગનાથ પ્લોટ જવા નીકળતાં જયદેવનો ભત્રીજો શ્યામ કાનાભાઇ જાદવ બાઇક લઇને મારી પાછળ પાછળ આવતો હતો.
જેથી મને શંકા જતાં હું પ્રેમ મંદિરવાળા રોડ પરથી એજી ચોક તરફ કાલાવડ રોડ પર થઇ નીકળી ગયો હતો. ત્યાં એમજી હોસ્ટેલ નજીક પહોંચતા નંબર વગરની એક કીયા કાર મારી ગાડીની સામે અચાનક આવી ગઇ હતી અને મારી ગાડી ઉભી રખાવી હતી. કીયા કારમાંથી બે માણસો ધોકા લઇને ઉતર્યા હતાં જેમાં એક જયદેવ જાદવ અને બીજો તેનો ભત્રીજો નવઘણ જાદવ હતો. આ બંનેએ આવી મારી કારના ડ્રાઇવર સાઇડના કાચમાં ધોકો મારી તોડી નાખ્યા હતાં. એ પછી મને નીચે ઉતારી ધોકાથી કારના અન્ય કાચ પણ ફોડી નાખ્યા હતાં. મને પણ બંનેએ ધોકાથી માર માર્યો હતો. જેથી મને પગ, હાથમાં મુંઢ ઇજાઓ થઇ હતી. આ બંનેએ મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઝપાઝપનીમાં મારી સોનાની લક્કી ક્યાંક પડી ગઇ હતી.
એ પછી હું ત્યાંથી નીકળી ગયો હતો અને ગોવર્ધન ચોકમાં મારા મિત્રની ઓફિસે ગયો હતો. મિત્ર મનિષભાઇ મને સારવાર માટે લઇ ગયા હતાં. સારવાર લઇ હું ફરિયાદ કરવા પહોંચ્યો હતો. મેં જયદેવની હોટલ ભાડેથી રાખી હોઇ તેના ભાડાના પૈસા મામલે ચાલતી માથાકુટને કારણે મારી ફોર્ચ્યુનર કાર આંતરી તોડફોડ કરી ૩૦ હજારનું નુકસાન કર્યુ હતું અને મને માર મારી ધમકી આપી હતી. પીઆઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં હેડકોન્સ. બી. જે. ખેરએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(2:41 PM IST)










