News of Tuesday, 26th November 2024
બહેનને લેણી રકમ પેટે ભાઇએ આપેલ ચેક પરત ફરતા ભાઇને એક વર્ષની સજા ફરમાવાઇ

રાજકોટ, તા.૨૬: મદદ કરવાના હેતુથી બહેને આપેલ રકમ પરત કરવા આપેલ ચેક રીટર્ન થતાં ભાઈને એક(૧) વર્ષની સજા અને વળતર ચુકવવા હુકમ રાજકોટની કોર્ટે કરેલા છે.
આ કેસની હકીકત એવી છે કે, રાજકોટનાં રહેવાસી નીતિનભાઈ મુલજીભાઈ કોરીયા ૨૦૧૪ થી સોનીકામ સાથે સંકળાયેલ હોય અને તેમને ધંધામાં ખોટ આવતા તેઓ વ્યાજનાં ચકકરમાં આવી ગયા હોય, રાજકોટમાં રહેતાં તેમના સગા બહેન જમનાબેન શાંતિલાલ ઘેડીયાએ ભાઈ-બહેનના સંબંધના દાવે ૨૦૧૫ની સાલમાં રૂા.૨,૦૦,૦૦૦/- આરટીજીએસથી નિતિનભાઈનાં એકાઉન્ટમાં ટ્રાન્સર કરેલ, અને ૨૮ ગ્રામ સોનાની પિન તેમજ સોનાનું બિસ્કીટ તા.૦૧/૦૬/૧૫ નાં રોજ આપેલ અને ૨૦૧૪ થી ૨૦૧૭ સુધીમાં કુલ રૂા.૧૨,૦૦,૦૦૦/- તેમના ભાઈ નિતીનભાઈને કટકે કટકે આપેલ હતા. જે રકમની પરત ચુકવણી પેટે નિતીનભાઈએ કુલ-૨ (બે) ચેકો આપેલ હતા.
જે મુજબ તા.૧૬/૦૭/૨૦૧૯ નાં રોજનો કોટક મહિન્દ્રા બેંકનો રૂા.૧,૨૫,૦૦૦/ નો ચેક આપેલ અને જે ચેક રજુ કર્યેથી ચેક મુજબની રકમ મળી જશે તેવું વચન, વિશ્વાસ આપેલ, તે ચેક જમનાબેનએ તેમના બેંક ખાતામાં વસુલ થવા રજુ કરતાં સદર ચેક ‘નોન સી.ટી.એસ.' ના કારણથી પરત ફરેલ, જેથી તેઓએ તેમના વકીલ ગિરીરાજસિંહ સી. જાડેજા મારફત કાયદાની જોગવાઈ મુજબ નોટીસ મોકલેલ, જે નોટીસ મળી જવા છતાં નિતીનભાઈએ રકમ નહિં ચુકવતા, તા.૦૫/૦૯/૧૯ ના રોજ નિતીનભાઈ વિરૂધ્ધ વટાવખત અધિનિયમ હેઠળ રાજકોટની નેગોશીએબલ કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલ કરવામાં આવેલ અને ફરીયાદનું સોગંદનામું અને રજુ રાખેલ કોર્ટે ફરીયાદ રજીસ્ટરે લીધેલ આરોપી કોર્ટમાં હાજર થતાં આરોપીએ ગુન્હો કબુલ ન રાખતા કેસ આગળ ચલાવવામાં આવેલ.
કોર્ટે ફરીયાદી તરફથી રજુ થયેલ દસ્તાવેજો, ફરીયાદીએ રજુ રાખેલ જુબાની તેમજ ફરીયાદીનાં વકીલશ્રીએ રજુ રાખેલ દલીલ વિગેરે ધ્યાને લઈ ફરીયાદીનાં કાયદેસરનાં લેણા પેટે જ આરોપીએ ચેક આપેલ હોવાનું માની અને ફરીયાદીને તેની કાયદેસરની લેણી રકમ ચુકવવામાં આરોપી નિષ્ફળ ગયેલ હોવાનું માની ફરીયાદીએ રજુ રાખેલ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓનું આરોપી કોઈપણ રીતે ખંડન કરી શકેલ ન હોય, ફરીયાદીએ પોતાનો કેસ આરોપી વિરૂધ્ધ નિઃશંકપણે પુરવાર કરેલ હોવાનું માની નામદાર અદાલતે આરોપી નિતીનભાઈ કોરિયાને દોષિત ઠેરવી એક (૧) વર્ષની સજા કરવાનો હુકમ કરેલ અને કેસ ચાલતા દરમ્યાન રૂા.૧૦,૦૦૦/- આરોપીએ ફરીયાદીને ચુકવેલ હોય જેથી રૂા.૧,૧૫,૦૦૦/- વળતર તરીકે ચુકવવાનો હુકમ કરેલ તેમજ જો રકમ ન ચુકવે તો વધુ ૬ (છ) માસની સજાનો હુકમ કરેલ છે.
આ કેસમાં રાજકોટનાં ધારાશાષાી ગિરિરાજસિંહ સી. જાડેજા, મહિરાજસિંહ સી. જાડેજા, મુકેશભાઈ પંડયા, નરેન્દ્રસિંહ એમ. જાડેજા અને અજય એન. ચાંપાનેરી રોકાયેલા હતા.
ફરીયાદીના એડવોકેટ
ગીરીરાજસિંહ જાડેજા
ફરીયાદીના એડવોકેટ
અજય એન.ચાંપાનેરી
(2:42 PM IST)










