News of Tuesday, 26th November 2024
વિરાણી હાઇસ્કુલની જમીન અંગે સીટી પ્રાંત-૧ સમક્ષ સુનાવણી શરૂ : ધારદાર દલીલો : મુદ્દત પડશે કે ચૂકાદો આવશે ?!
વિરાણી હાઇસ્કુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા કાયદે આઝમ પરસોતમભાઇ અને તેમના વકીલો પણ હાજર

રાજકોટ તા. ૨૬ : શહેરની વિરાણી હાઈસ્કૂલની જમીનના શરત ભંગના મામલે આજે બપોરના ૧ વાગ્યાથી સીટી પ્રાંત-૧ અધિકારી ચાંદની પરમાર દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૫૧માં જિલ્લા કલેકટર દ્વારા રાજકોટના રેવન્યુ સર્વે નં.૪૨૭ની ૪૯૭૨૦ ચો.વાર જમીન વિરાણી હાઈસ્કૂલને ફાળવી હતી. જેમાં શરત મૂકવામાં આવી હતી કે આ જમીનનો કોઈપણ ભાગ ભાડે આપી શકાશે નહીં, વહેંચી શકાશે નહીં કે કોઈ નફો કરી શકાશે નહીં. આ ઉપરાંત અદલા-બદલાના દસ્તાવેજ કે અદલા બદલામાં વેચાણ કે બીજી રીતે આપી શકાય નહીં તેવા પ્રકારની મર્યાદા સાથે આ જમીન દુર્લભજી શામજી વિરાણીને ખેતી સિવાયના કામ માટે આપી હતી.
આ દરમિયાન કોર્પોરેશન દ્વારા ટાગોર રોડ પહોળો કરવા માટે શામજી વિરાણી હાઈસ્કૂલના મેદાનની કપાત થતી જમીન સામે ટ્રસ્ટ દ્વારા રોકડ વળતરની માંગણી થઈ હતી. તે દરમિયાન કુલ કપાત જમીન ૭૪૩ ચો.વારમાંથી સરકારી ૧૧૧.૧૯ ચો.વાર. જગ્યા અને ખાનગી ૬૩૨.૬૬ ચો.વાર જગ્યા થતી હતી.બાકીની જમીન સીટી સર્વેના કોઈપણ જાતના હુકમ વગર ફેરફાર કરી નાખવામાં આવ્યો હતો. તેની નોંધ નં.૫૯૯૦ તા.૯-૪-૧૪ના રોજ રિવ્યુ લઈ રદ કરવા અને મૂળ રેકોર્ડ કાર્ડ ૨૬૫૦ ચાલુ રાખવા માટે સીટી સર્વે દ્વારા ૨૦૨૦માં દરખાસ્ત કરી હતી.
વર્ષ ૨૦૧૯માં શામજી વેલજી વિરાણી ટ્રસ્ટ દ્વારા ૫૦૦૦ ચો.મી. જગ્યા વેચાણ કરવા ચેરીટી કમિશનરમાં મંજુરી માંગી હતી. પરંતુ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને કાયદે આઝમ પરસોતમભાઇ પીપળીયા અને અન્યોએ તેનો વિરોધ કરી આ અંગે કલેકટરને ફરીયાદ કરતા આખો કેસ હાઈકોર્ટમાં ગયો હતો.જેમાં હાઈકોર્ટે ફેર સુનાવણી કરી યોગ્ય નિર્ણય લેવા ફરમાન કર્યુ હતું. આ દરમિયાન કલેકટર તંત્ર દ્વારા એવું જણાવેલ કે કલેકટરની લેખિત પરવાનગી મેળવ્યા વગર આ જમીન વિરાણી હાઈસ્કૂલના ઉપયોગ સિવાય બીજા કામ માટે ઉપયોગ કરવા મનાઈ ફરમાવવામાં આવે છે. આ હુકમ સામે નારાજ થયેલા ટ્રસ્ટીઓએ હાઈકોર્ટમાં દલીલ કરતા હાઈકોર્ટે ટ્રસ્ટીઓને આ પ્રકરણમાં ફેર સાંભળવા માટે હુકમ કર્યો હતો. જેમાં પ્રાંત-૧ અધિકારી ચાંદની પરમાર દ્વારા બપોરે ૧ વાગ્યાથી સુનાવણી શરૂ કરાઇ છે. અત્યારે જોવાનું રહ્યું છે કે આ પ્રકરણમાં વધુ એક મુદત પડશે કે પછી આવતીકાલે કોઈ નિર્ણય આવશે તેમના પર સૌની નજર છે. સુનાવણી સંદર્ભે સરકારના વકિલ, શ્રી પરસોતમભાઇ પીપળીયા અને તેમના વકિલો તથા વિરાણી હાઇસ્કૂલ ટ્રસ્ટીઓના વકિલો દલીલો કરી રહ્યા છે, આ લખાય છે ત્યારે બપોરે ૨ વાગ્યે સુનાવણી ચાલુ છે.
(2:45 PM IST)










