News of Tuesday, 26th November 2024
રેલ કર્મચારીઓના પ્રશ્નો સંદર્ભે મજદૂર સંઘ દ્વારા રેલ મંત્રીને આવેદન સુપ્રત

રાજકોટ, તા.૨૬: પશ્ચિમ રેલ્વે કર્મચારી પરિસંઘ (BMS)ના ઝોનલ સેક્રેટરી કિરણભાઇ ઓઝા, રાજકોટની યાદીમાં જણાવેલ છે કે રેલ્વેમાં સુપ્રિમ કોર્ટના ચૂકાદા મુજબ કાર્યરત બધા યુનિયનની ચૂંટણી દર પાંચ વર્ષે કરવા આદેશ હોવાથી રેલ્વે વ્યવસ્થાપને રેલ્વેના તમામ ઝોન પર આગામી ૪-૫-૬ ડીસેમ્બર, ૨૦૨૪ના રોજ બેલેટ પેપરથી ચૂંટણી કરવાની હોવાથી રેલ્વે કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરવા BMS/BRMS નું એક પ્રતિનિધિમંડળ, BMS ના ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઇઝિંગ બી.સુરેન્દ્રનની આગેવાનીમાં, રેલ્વે મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવજી સાથે ભારતીય રેલ્વે કર્મચારીઓની ફરિયાદો સબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મુલાકાત કરી હતી.
પ્રતિનિધિ મંડળે રેલ્વે ટ્રેકમેન, એન્જિનિયરો, ચીફ લોકો ઇન્સ્પેકટર, રનિંગ સ્ટાફ, મહિલાઓ, SC/ST અને OBC કર્મચારીઓને લગતા મુદ્દાઓ ઉઠાવ્યા અને મંત્રીને માંગણીઓનું ચાર્ટર સુપ્રત કર્યું હતું.
ટ્રેક મેઇન્ટેનર્શનાં જોખમ અને હાડમારી ભથ્થાની સુધારણા કરવા, LDCE બધા માટે ખોલવું, તમામ ટ્રેડ મેઇન્ટેનર્શ માટે વહેલામાં વહેલી તકે ‘રક્ષક' સાધનો પૂરા પાડવાં, નાઇટ ડયુટી પેટ્રોલિંગ સિંગલને બદલે ડબલ કરવામાં આવે, SSE ને ગ્રુપ Bની સ્થિતિ, વિવિધ શ્રેણીઓમાં સ્થિરતા દૂર કરવી અને પે લેવલ ૭ સુધીનું સ્તર આપવું, RAC ૧૯૮૦ ના સૂત્ર મુજબ કિલોમીટરના ભથ્થાના દરોમાં સુધારો કરવો, કાર્યસ્થળ પર મહિલા કર્મચારીઓને પાયાની સુવિધાઓ પૂરી પાડવી વગેરે મુદ્દો રજૂઆત કરાઇ હતી.
મંગેશ દેશપાંડે, સેક્રેટરી જનરલ BRMS, સંજીવ સિંહા, ડેપ્યુટી સેક્રેટરી જનરલ BRMS, અને કાલી કુમાર, CWC સભ્ય BRMS પ્રતિનિધિમંડળમાં ઉપસ્થિત રહ્યા હતાં.
મંત્રીશ્રી આ મુદ્દાઓની વિગતવાર ચર્ચા કરી, હકારાત્મક પ્રતિભાવ આપ્યો અને આ માંગણીઓના નિરાકરણ માટે વહેલી તકે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
(2:58 PM IST)










