News of Tuesday, 26th November 2024
મનપામાં જન્મ - મરણના દાખલા માટે ધરમના ધક્કા : લોકો હેરાન - પરેશાન ઇ-ઓળખ પોર્ટલ બંધ થતા રાજકોટ સહિત રાજ્યમાં જન્મ-મરણના દાખલાની કામગીરી બંધ
દિવાળી બાદ કામની ગતિ ધીમી : આજે સંપૂર્ણ કામ બંધ : સીટી સિવિક સેન્ટરમાં લાગી કતાર

રાજકોટ તા. ૨૬ : મેકઈન ઈન્ડિયા અંતર્ગત સરકાર દ્વારા સરકારી વિભાગની તમામ કામગીરી ઓનલાઈન કરવામાં આવી રહી છે. પરંતુ સોફટવેરમા ખામીઓ રહી જવાથી અથવા અન્ય કારણોસર અનેક વિભાગોની રોજની કાર્યવાહીમાં વિક્ષેપ આવી રહ્યા છે. અવાર નવાર સર્વર ડાઉન થવા તેમજ એરર આવવા સહિતની ઘટનાઓ હવે રોજીંદી બની ગઈ હોય તેમ આધારકાર્ડ બાદ હવે મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં જન્મના નવા દાખલાની કામગીરી સર્વર ડાઉન હોવાના કારણે ઠપ થઈ જતાં કચેરી ખાતે અરજદારોની લાઈનો લાગી હતી. અને ભારે રોષ જોવા મળ્યો હતો.
મનપાના સેન્ટ્રલઝોન કચેરી ખાતે આવેલ જન્મ-મરણ વિભાગ કેન્દ્ર ખાતે આજે સવારથી અરજદારોની લાઈનો લાગતા તપાસ કરતા માલુમ પડેલ કે, સર્વર ડાઉન હોવાથી જન્મના નવા દાખલા કાઢવાની કામગીરી ઠપ થઈ ગઈ છે અને આ પ્રકારના ધાંધિયાછેલ્લા ૧૫ દિવસથી ચાલુ છે. જન્મના દાખલામાં અલગ અલગ પ્રકારના ફેરફારો કરવા માટે સોફટવેર કામ કરી રહ્યું છે. જ્યારે હોસ્પિટલો માંથી નવા જન્મેલા બાળકની એન્ટ્રી થયાની વિગતો કોમ્પ્યુટરમાં અપલોડ કરતા જ એરર બતાવે છે. જેના લીધે છેલ્લા ઘણા સમયથી જન્મના નવા દાખલા નિકળી શકયા નથી. હોસ્પિટલો દ્વારા મોકલવામાં આવેલ એન્ટ્રી સરકારના જન્મ મરણ વિભાગના સોફટવેરમાં અપલોડ ન થઈ હોય કે ગમે તે કારણોસર છેલ્લા ઘણા સમયથી ધાંધિયા કરતા કોમ્પ્યુટરો આજે સવારથી ઠપ થઈ ગયા હતાં.
મનપાના જન્મ-મરણ વિભાગમાં સર્વર ડાઉન હોવાના કારણે તેમજ સોફટવેરમાં ધાંધિયા સર્જાતા નવા દાખલા કાઢવાની કામગીરી ઠપ થઈ ગઈ હતી. આજ રીતે મહાનગરપાલિકાના વેસ્ટ અને ઈસ્ટ ઝોન જન્મ-મરણ વિભાગમાં પણ પરિસ્થિતિ જોવા મળી હતી.
મનપાની ત્રણેય ઝોનલ કચેરી ખાતે આવેલ જન્મ-મરણ વિભાગની કામગીરી ઠપ થઈ ગઈ હતી. સોફટવેરમાં સર્જાયેલ ખામીના કારણે સર્વર ડાઉન થવાની ઘટનાના પગલે રોજીંદી કામગીરી દરમિયાન નવા નિકળતા જન્મના દાખલાની કાર્યવાહી બંધ કરવાની અધિકારીઓને ફરજ પડી હતી. આ મુદ્દે જન્મ-મરણ વિભાગના સુત્રોએ જણાવ્યું કે, દરેક મહાનગરપાલિકા અને નગરપાલિકાના જન્મ-મરણ વિભાગના અધિકારીઓનું એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. કોઈ જાતની સૂચના આપવાની હોય અથવા ગાંધીનગરથી કોઈ આદેશ કરવાનો હોય તેમજ મુશ્કેલી અને ફરિયાદોના નિવારણ માટે તથા જન્મ-મરણ વિભાગની કામગીરી સરળતાથી સંકલન દ્વારા થઈ શકે તેવા હેતુથી આ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જેમાં આજે સર્વર ડાઉનની ઘટના બાદ મેસેજ મુકવામાં આવેલ કે, સોફટવેરમાં ખામી હોય સર્વર ડાઉન થઈ ગયું છે અને કોમ્પ્યુટરમાં એરર બતાવી છે ત્યારે ઉપરથી જવાબ મળેલ કે, અમારે તો ઓકે છે તમારામાં વાંધો છે આવો જવાબ આપતા મનપાના અધિકારીઓ લાચાર સ્થિતિમાં મુકાઈ ગયા છે અને આ મુદ્દે તપાસ કરતા માલુમ પડેલ કે, અમદાવાદ, નવસારી, ગીર સોમનાથ, રાજકોટ સહિતની પાલિકાઓમાં આ પ્રકારની સમસ્યા ઉભી થઈ છે. આ મુદ્દે ઉપર સુધી રજૂઆત કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળેલ છે.
(4:12 PM IST)










