<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

યુનિ. રોડ ઉપર આવેલ પટેલ વિહાર રેસ્‍ટોરન્‍ટના સંચાલકના પતિને ચેક રિર્ટનના કેસમાં સજા

સાડા પાંચ લાખ ઉછીના લઇને ચેક આપેલ : એક વર્ષ અને ૩ માસની સજા

રાજકોટ તા. ૨૬ : અત્રે પટેલ વિહાર રેસ્‍ટોરન્‍ટ એન્‍ડ પરોઠા હાઉસના માલીકના પતિનો ચેક રિર્ટન કેસમાં આરોપીને એક વર્ષ અને ૩ માસની સજા રાજકોટની કોર્ટે ફટકારી હતી.

આ બનાવની ટુંકમાં વિગત એવી છે કે, રાજકોટ શહેરમાં યુનિ. રોડ ઉપર આવેલ પટેલ વિહાર રેસ્‍ટોરન્‍ટ  એન્‍ડ પરોઠા હાઉસના પ્રોપરાઈટરના પતિ સમિત હસમુખ પાંચાણીએ મિત્રતાના દાવે તથા સબંધના નાતે હાથ ઉછીની રકમ રૂા.૫,૫૦,૦૦૦ લીધેલ હતી ત્‍યારબાદ રકમ પરત કરવાના સમયે આરોપી દ્વારા ફરીયાદી ઉષાબેન દવેને ચેક આપવામાં આવેલ અને જે ચેક રીર્ટન થતા ફરીયાદી દ્વારા ઘી નેગોશીયેબલ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટની કલમ - ૧૩૮ હેઠળ નોટીસ મોકલવામાં આવેલ જે નોટીસ આરોપીને બજી જતા તેમ છતાં હાથ ઉછીના નાણા પરત ચુકવેલ નહિ જેથી ફરીયાદી દ્રારા પટેલ વિહાર રેસ્‍ટોરન્‍ટ એન્‍ડ પરોઠા હાઉસના પ્રોપરાઈટરના પતિ વિરૂધ્‍ધ રાજકોટની નામદાસ અદાલતમાં ફરીયાદ કરવામાં આવી હતી.

આ કેસ ચાલવા ઉપર આવતા ચેક તથા રીર્ટન મેમો તથા મેનડેટરી નોટીસ તથા ફરીયાદ મુજબની હકિકતો કોર્ટ સમક્ષ રજુ કરી આરોપીએ ફરીયાદીનું કાયદેસરનું લેણુ ચુકવવા આપેલ ચેક મુજબ ની જવાબદારી આરોપીની હોવા છતા આરોપીએ રકમ પરત ચુકવેલ ન હોય તેવી હકિકતો ધ્‍યાને લઈ તથા ફરીયાદીના વકીલ મોહિત ઠાકરની દલીલ તથા ૨જુ રાખેલ સર્વોચ્‍ચ અદાલતમાં જજમેન્‍ટ વિગેરે ધ્‍યાને લઈ કોર્ટએ આરોપી સમિત હસમુખ પાંચાણીને એક વર્ષ અને ત્રણ માસની સજા ફટકારી હતી.

આ કામમાં ફરીયાદી વતી રાજકોટના ધારાશાstri મોહિત વીરેન્‍દ્રભાઈ ઠાકર તથા કશ્‍યપ વીરેન્‍દ્રભાઈ ઠાકર તથા જુનીયર આસીસ્‍ટન્‍ટ તરીકે પાર્શ્વ પરેશભાઈ ઠાકર રોકાયેલ હતા.

(4:42 PM IST)