<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

મોરારીબાપુએ મારૂ સગપણ કરાવ્‍યું : જગદીશ ત્રિવેદી

એ સગપણ એટલે સદ્દભાવના સાથેનું સગપણ : એ દિવસથી સદ્દભાવના સાથે મે નવા જીવનની શરૂઆત કરી

રાજકોટ : છેલ્લાં થોડાં દિવસોથી રાજકોટ ખરેખર રામકોટ એટલે રામરાજય બની રામનાં રંગે રંગાઈ ગયું છે. પૂજય મોરારીબાપુની વૈશ્વિક વ્‍યાસપીઠ બાર વરસનાં લાંબા અંતરાલ પછી નવ દિવસ માટે રાજકોટનાં આંગણે આવી છે. માનસ સદ્દભાવના રામકથાનું આયોજન થતા બહોળી સંખ્‍યામાં લોકો રાજકોટના આંગણે રામરસનું પાન કરી રહ્યા છે.

તા.૧૨/૧૦/૨૦૧૭ ના રોજ મેં મારી જીંદગીના પચાસ વરસ પુરા કરી વનપ્રવેશ કર્યો તે દિવસે મારૂ સગપણ હતું. મોરારીબાપુ જૂનાગઢની કથા પુરી કરી મારતી મોટરે મારા સગપણમાં સુરેન્‍દ્રનગર આવ્‍યા હતા. તે દિવસે આપણી માતળભાષાનાં તમામ કલાકારો, લેખકો, કવિઓ પણ સુરેન્‍દ્રનગર આવ્‍યા હતા. તે દિવસે મોરારીબાપુએ સદભાવના સાથે મારું સગપણ કરાવ્‍યુ હતું. મોરારીબાપુએ મારા જેવા લાખો લોકોનું સદભાવના સાથે સગપણ બાંધી આપ્‍યું છે.

તે દિવસથી સદભાવના સાથે નવું જીવન જીવવાની મેં શરુઆત કરી હતી. છેલ્લાં આઠ વરસમાં હવે સદભાવના સાથે રહેવામાં મને એટલી બધી મઝા આવે છે કે હવે સદભાવના વગર એક દિવસ પણ ચાલતું નથી. મારી વહાલી સદભાવના થોડીવાર માટે પણ મને છોડીને જતી રહે તો મને અઘામું લાગે છે.

આ સદભાવના એક એવી સુંદરી છે જે નિત્‍યયૌવના છે. એ કયારેય ઘરડી થતી નથી. સદભાવનાના વાળ ધોળા થતાં નથી, ચહેરા ઉપર કરચલી પડતી નથી, એને કોઈ બિમારી નડતી નથી, એ કયારેય મરતી પણ નથી. આ આજકાલની સુંદરી નથી. જે રીતે હનુમાનજી સતયુગથી લઈને કળયુગ સુધી એમ ચારે યુગમાં હાજરાહજૂર છે, એમ આ સદભાવના પણ ચારે યુગમાં વિદ્યમાન છે. એ સતયુગમાં પણ હતી અને કળયુગમાં પણ છે. ફરક માત્ર એટલો જ છે કે સતયુગમાં એ વારંવાર જોવા મળતી અને સૌની અંદર હતી, જ્‍યારે કળયુગમાં એ બહું ઓછી બહાર નીકળે છે અને બહું ઓછા લોકોમાં જોવા મળે છે.

જે રીતે કયારેક કોઈ નવોઢાના બદનસીબે એની સૌતન પણ અસ્‍તિત્‍વમાં હોય છે એ રીતે સદભાવનાની પણ એક સૌતન છે. સુહાગન અને સૌતનને કયારેય મનમેળ ન હોય એ સ્‍વભાવિક છે. પુરુષ એ બન્નેસ્ત્રીને સાથે રાખી શકતો નથી. પુરુષ જ્‍યારે સુહાગન પાસે હોય છે ત્‍યારે સૌતન ઘણી દૂર હોય છે અને સૌતન સાથે હોય છે ત્‍યારે સુહાગન ખૂબ છેટી હોય છે. કારણ એક મ્‍યાનમાં બે તલવાર અસંભવ છે. વિશ્વસુંદરી , નિત્‍યયૌવના, સર્વકાલિન અને ત્રિભુવનમોહીની સદભાવનાને પણ દુર્ભાગ્‍યવશ એક સૌતન છે અને એ સૌતનનું નામ સ્‍વાર્થવળતિ છે. જયાં સ્‍વાર્થવળત્તિ છે ત્‍યાં સદભાવના નથી અને જ્‍યાં સદભાવના છે, ત્‍યાં સ્‍વાર્થવળતિ નથી. કોઈપણ પુરુષ આ બેમાંથી એકસ્ત્રી સાથે જ રહી શકે છે.

સદભાવના યુગોથી છે અને દુનિયાના કરોડો પુરુષોને સદભાવના સાથે પ્રેમ છે. સૌથી મોટું સુખદ આヘર્ય તો એ છે કે સદભાવના નારી જાતિ છે,સ્ત્રી લિંગ છે પણ એ બહેનો સાથે પણ એટલાં જ પ્રેમથી જોડાય છે અને કીન્નરો સાથે પણ એટલાં જ સ્‍નેહથી જોડાય છે. કારણ કે સદભાવનાને માણસનાં આત્‍મા સાથે સંબંધ છે એને શરીર સાથે કાંઈ લેવાદેવા નથી.

સદભાવનાના તમામ લક્ષણો શરીર જેવા નથી પરંતુ આત્‍મા જેવા છે એટલે એનો સંબંધ પણ આત્‍મા સાથે જ રહ્યો છે. આ આખી ચર્ચાનાં અંતે એવા નિષ્‍કર્ષ ઉપર આવ્‍યો છું કે સદભાવના જ આત્‍મા છે. ર્ંસમાજનો સાચો આત્‍મા જ સદભાવર્નાં છે.

જો સદભાવના નહી રહે તો પછી સમાજ અચેતન થઈ જશે, સમાજનું વજન વધવા લાગશે અને ધીમે ધીમે ગંધાવા લાગશે અને સડવા લાગશે. હવે સવાલ એ છે કે સદભાવના મરે ખરી ? તો એનો જવાબ એ છે કે સદભાવના તો અમર છે એટલે વિશ્વમાંથી સદભાવના કયારેય જવાની નથી પણ વ્‍યક્‍તિગત રીતે કોઈ માણસ સાથે સગપણ કરે પણ ખરી અને જો ન ફાવે તો એ માણસને છોડીને જતી પણ રહે એવું બની શકે છે. તો પછી માણસમાં રહેલી સદભાવના એને તલ્લાક આપે નહીં એ માટે શું કરવું ? એનો ઉપાય એક જ છે અને એ સત્‍સંગ છે. માણસ એટલે કે કોઈપણ જીવ જ્‍યાં સુધી સત્‍સંગનું ટોનિક લેતો રહેશે ત્‍યાં સુધી સદભાવના સાથે એનો સંબંધ ટકી રહેશે.

મોરારીબાપુની વૈશ્વિક રામપીઠ જેના ચાર પાયા સત્‍ય, પ્રેમ, કરુણા અને ભરોસો છે. આ ચારપાઈ નહીં પણ રામપાઈ છે. આ રામપાઈ ભલે બાર વરસે પણ રાજકોટની મહેમાન થતી રહે અને એના વડે રાજકોટ, રાજકોટ મટીને રામકોટ બને અને લોકો સત્‍સંગના ટોનિક વડે સદભાવના સાથેના પોતાના સંબંધો તોહસભર અને ચિરંજીવ બનાવી રાખે એજ પ્રભુપ્રાર્થના!

- જગદીશ ત્રિવેદી

(4:57 PM IST)