News of Wednesday, 27th November 2024
સ્કૂલમાં ઢળી પડતાં શિક્ષક કમલેશભાઇ જોષીનું મોતઃ હાર્ટએટેકથી કુલ ત્રણના શ્વાસ થંભ્યા
ગોંડલ રોડ પટેલ કન્યા કેળવણી સ્કૂલમાં રિશેષ પુરો થતાં ઉભા થવા જતાં શિક્ષક ઢળી પડયાઃ હોસ્પિટલમાં દમ તોડયોઃ રણછોડનગરના કર્મકાંડી બ્રાહ્મણ મહેશભાઇ વ્યાસ અને નુરાનીપરાના નોકરીયાત મહમદભાઇ સીડા ઘરે ઢળી પડયા બાદ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ

રાજકોટ તા. ૨૭: હૃદય થંભી જવાથી મૃત્યુની ઘટનાઓ સતત યથાવત રહી છે. વધુ ત્રણ લોકોના હાર્ટએટેકથી મૃત્યુ થતાં પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઇ છે. જેમાં એક શિક્ષકનું શાળાના સ્ટાફ રૂમમાં ઢળી પડતાં અને એક કર્મકાંડી બ્રાહ્મણ પ્રોૈઢનું ઘરે તથા એક નોકરીયાત પ્રોૈઢનું પણ ઘરે ઢળી પડયા બાદ બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયુ હતું. ત્રણેય બનાવમાં હૃદય ધબકારા ચુકી જતાં મૃત્યુ થયા હતાં.
જાણવા મળ્યા મુજબ નાના મવા ભીમનગર પાસે લાલા લજપતરાય આવાસ ટાઉનશીપમાં રહેતાં કમલેશભાઇ નરેશભાઇ જોષી (ઉ.વ.૪૦) ગોંડલ રોડ પર પટેલ કન્યા કેળવણી મંડળ સંચાલીત શાળામાં શિક્ષક તરીકે નોકરી પર હતાં ત્યારે રિશેષ પડતાં સ્ટાફ રૂમમાં બેઠા હતાં. રિશેષ પુરી થતાં તેઓ ઉભા થવા જતાં એકાએક ઢળી પડયા હતાં. બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ નિષ્પ્રાણ જાહેર કરાતાં કલ્પાંત સર્જાયો હતો. તેઓ આ શાળામાં ૨૦૧૧થી શિક્ષક તરીકે નોકરી કરતાં હતાં. બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર છે.
બીજા બનાવમાં રણછોડનગર-૧૮ પટેલવાડી પાછળ સુમતિ એપાર્ટમેન્ટમાં રહેતાં મહેશભાઇ રતિલાલ વ્યાસ (ઉ.વ.૫૬) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયુ હતું. તેઓ બે બહેન અને બે ભાઇમાં નાના હતાં. સંતાનમાં તરણ પુત્ર છે તેઓ બ્રહ્મ કર્મકાંડ કરી ગુજરાન ચલાવતાં હતાં. બનાવથી પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
ત્રીજા બનાવમાં કોઠારીયા સોલવન્ટ નુરાનીપરામાં રહેતાં મહમદભાઇ સલીમભાઇ સીડા (ઉ.વ.૪૬) સાંજે ઘરે બેભાન થઇ પડી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. તેઓ એક બહેન અને ત્રણ ભાઇમાં બીજા હતાં. સંતાનમાં બે પુત્ર છે. પોતે ભુણાવા પાસે ફેક્ટરીમાં નોકરી કરતાં હતાં.
આ ત્રણેય બનાવમાં હાર્ટએટેક મૃત્યુનું કારણ બન્યાનું બહાર આવ્યું હતું. હોસ્પિટલ પોલીસ ચોકીના રામશીભાઇ વરૂ, જયેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઇ હુદડ, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણાએ જરૂરી કાર્યવાહી કરી જે તે પોલીસ સ્ટેશનને જાણ કરતાં આકસ્મિક મૃત્યુની નોંધ કરી કાર્યવાહી કરાઇ હતી.
(11:03 AM IST)










