News of Wednesday, 27th November 2024
નાના ભાઇ સાથે પંખો બંધ કરવા માટે ચડભડ થતાં ૧૩ વર્ષની શ્રુતિએ ઝેરી દવા પી જીવ દીધો
જસદણના નાની લાખાવડનો બનાવઃ બાળકીનું રાજકોટ ખાનગી હોસ્પિટલમાં મૃત્યુઃ પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૨૭: તેર વર્ષની બાળાને નાના ભાઇ સાથે પંખો બંધ કરવા બાબતે ચડભડ થતાં માઠુ લાગી જતાં ઝેરી દવા પી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. જસદણના નાની લાખાવડ ગામે આ બનાવ બન્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ નાની લાખાવડમાં રહેતાં હરેશભાઇ રોજાસરાની દિકરી શ્રુતિ (ઉ.વ.૧૩) ગત ૨૪મીએ ઘરે ઝેરી દવા પી જતાં જસદણ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. સારુ થતાં રજા અપાયા બાદ ફરી તબિયત બગડતાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ રાતે દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ મારફત જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી. બી. ઠાકોર અને કિરીટભાઇ રામાવતે પ્રાથમિક કાગળો કરી જસદણ પોલીસને જાણ કરી હતી.
આપઘાત કરનાર શ્રુતિ એક ભાઇથી મોટી હતી. તેના પિતા છુટક મજૂરી કરે છે. નાના ભાઇ સાથે શ્રુતિને પંખો બંધ કરવા મામલે ચડભડ થતાં તેણીને માઠુ લાગી જવાથી દવા પી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. જસદણ પોલીસ વધુ તપાસ કરશે.
(11:39 AM IST)










