News of Wednesday, 27th November 2024
નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૩માં શરૂ કરેલા ચિંતન શિબિરના વિશિષ્ટ પ્રયોગ થકી વિકાસની પરંપરાને ભુપેન્દ્રભાઈ પટેલ આગળ વધારી રહ્યા છેઃ રાજુભાઈ ધ્રુવ
ચિંતન શિબિરમાં સૂચવાયેલ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના ઉપયોગ વહીવટી પ્રક્રિયા સરળ બનાવી સરકારી યોજનાઓનો લાભ લોકો ને સરળતાથી મળશેઃ તિર્થધામમાં શિબિરથી યાત્રાધામ-દરિયાઈ- પ્રવાસન વિકાસને બળ અને વેગ મળશે

રાજકોટ તા. ર૭: ભગવાન સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં ૧૧ મી ચિંતન શિબિર યોજીને રાજ્યના વિચક્ષણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભાજપ સરકાર પ્રજાલક્ષી અને પારદર્શક શાસન કરી રહી છે તેવો અહેસાસ પ્રજાને કરાવ્યો છે તેમ જણાવતા ભાજપના સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રવકતા રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે, આ ચિંતન શિબિરથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ એક પ્રજા વત્સલ શાસક છે અને તેમને સૌરાષ્ટ્ર માટે વિશેષ લાગણી છે , અનન્ય પ્રેમ છે તેની વધુ એક વાર સૌરાષ્ટ્ર ની પ્રજાને પ્રતીતિ થઇ છે. ૨૦૦૩ થી યોજાતી ચિંતન શિબિર સૌરાષ્ટ્રમાં યોજવાનો આગ્રહ મુખ્યમંત્રીશ્રીએ રાખ્યો તે બદલ શ્રી ધ્રુવે તેમનો આભાર માની અભિનંદન આપ્યા છે.ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધીમાં કુલ મળી ને ૧૧ વાર ચિંતન શિબિર યોજવા માં આવી છે જેમાં સૌરાષ્ટ્ર ને મહત્વ આપી સોમનાથ યાત્રાધામ ખાતે આ અતિ મહત્વ ની મનન ચિંતન બેઠક યોજવા નું શ્રેય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને જાય છે. તેમ યાદીમાં જણાવાયું છે.
ગુજરાતના તમામ મુખ્ય અધિકારીઓ તેમજ પોલીસતંત્ર ના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં સરકારના તમામ મંત્રીઓની ઉપસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તમામ ને રાજ્યના છેવાડા ના લોકોને પણ સરકારની યોજના નો લાભ મળી રહે તે માટેનું સુચારુ આયોજનમાં સહભાગી થવા પર ભાર મૂકયો હતો.
રાજ્ય સરકારના તમામ મંત્રીઓ અને ટોચ ના અધિકારીઓ માટે સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં ત્રણ દિવસની જે ચિંતન શિબિર માં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રજાલક્ષી શાસનના સરળીકરણ અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. એટલું જ નહી કોઈ પણ અરજદાર સરકારી કચેરીના પગથીયા ચડે ત્યારે તેને પણ સરકારના પારદર્શી વહીવટનો અનુભવ થવો જોઈએ તેવો અનુરોધ પણ કર્યો હતો.ગુજરાતના તમામ મુખ્ય અધિકારીઓ તેમજ પોલીસતંત્ર ના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં સરકારના તમામ મંત્રીઓની ઉપસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તમામ ને રાજ્યના છેવાડા ના લોકોને પણ સરકારની યોજના નો લાભ મળી રહે તે માટેનું સુચારુ આયોજનમાં સહભાગી થવા પર ભાર મૂક્યો હતો.
રાજુભાઈ ધ્રુવે વધુમાં કહ્યું છે કે,વર્તમાન ભાજપ સરકાર વિકાસનાં મંત્રને વરેલી છે અને આ ચિંતન શિબિરમાં ગુજરાતના સર્વાંગી વિકાસ માટે વધુ સારા પગલાં લઈ શકાય તે માટે મંથન કરવામાં આવ્યું હતું. રાજ્ય અને કેન્દ્ર સરકારની જનહિતકારી યોજનાઓનો લાભ ૧૦૦ ટકા લાભાર્થી સુધી પહોંચાડવા પોઝીટીવ એપ્રોચથી સાથે મળીને આગળ વધવા અને જરૂરતમંદ પ્રત્યેક લાભાર્થીને આવરી લેવા સંદર્ભે પણ આ શિબિરમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગુજરાતમાં તે સમયના મુખ્યમંત્રી અને વર્તમાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સૌ પ્રથમ વખત ચિંતન શિબિર ૨૦૦૩થી શરુ કરી હતી અને તેના પરિણામો પણ પ્રાપ્ત થયેલા નજરે પડે છે. આ ચિંતન શિબિરમાં થતા વિવિધ મુદ્દા ઉપરના મંથનથી વહીવટી સુધારા આવ્યા છે અને તેનો સીધો લાભ ગુજરાતની પ્રજાને મળ્યો છે.
આ પ્રકારના વહીવટી સુધારાને પગલે પગલે ગુજરાત દેશનું મોડેલ સ્ટેટ તથા ગ્રોથ એન્જિન બન્યું છે. એટલું જ નહીં અન્ય રાજ્યો પણ ગુજરાતના મોડલને ધ્યાનમાં રાખીને વહીવટી સુધારા કરે છે તેમ જણાવતા રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે, ગુજરાતમાં વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને ખાસ કરીને સામૂહિક ચિંતન- મંથનથી જે ચર્ચા-વિમર્શ થાય તેના પરિણામે વિકાસને નવી દિશા મળે છે.
તેમણે અંતમાં કહ્યું હતું કે, સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ ઉપર યોજાયેલી સરકારની આ ચિંતન શિબિરથી વિકાસની વણથંભી યાત્રાનો વધુ વિસ્તાર થશે તેવો વિશ્વાસ છે.રાજ્યના વહીવટીતંત્ર માં ચાવીરૂપ અને મહત્વની ભૂમિકા ભજવતા ટોચ અને સમગ્ર વહીવટી તંત્ર ના મુખ્ય અધિકારીઓ સમગ્ર રાજ્ય ની સુખાકારી માટે મનોમંથન અને વિચાર વિમર્શ કરે તે ખૂબ મોટી અને પ્રસંશા ને પાત્ર વાત છે. સરકાર અને સમગ્ર તંત્ર લોકાભિમુખ અને પ્રજાકલ્યાણકારી બને અને છેવાડાના સામાન્ય માનવી ને ગુજરાત ના તમામ નાગરિકો ને લાગુ પડતી સરકારી કચેરીઓ વિભાગો માં સરળતા થી સુગમતા સકારાત્મક વલણ થી આવકાર આપી કામ કરી આપવા માં આવે તે રીતે ઉપયોગી થાય અને વિકાસ ના ફળો છેવાડે ના માનવી સુધી આસાની થી પહોંચે અને રાજ્ય નો સર્વાંગી વિકાસ થાય તે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો આ ચિંતન શિબિર નો મુખ્ય હેતુ છે તે સૌરાષ્ટ્ર માં યોજવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો આભાર રાજુભાઇ ધ્રુવે માન્યો હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(1:38 PM IST)










