News of Wednesday, 27th November 2024
વિરાણી હાઇસ્કૂલ જમીન કેસમાં વધુ એક મુદત પડી હવે ૩૦ નવેમ્બરે સુનાવણીઃ ૪ દસ્તાવેજો-બે સનદ મંગાઇ
બંને કેસ એકમેકને સાંકળતા હોય-૩૦મીની સુનાવણી બાદ નિર્ણય લેવાશેઃ ડો. ચાંદની પરમાર પ્રાંત અધિકારીનો નિર્દેશઃ પરષોત્તમભાઇ વાળો કેસ પતી ગયો છેઃ સરકાર પક્ષના કેસમાં ૩૦મીએ સુનાવણી

રાજકોટ તા. ર૭: વિરાણી હાઇસ્કૂલ જમીનના પ્રકરણમાં પ્રાંત અધિકારી સમક્ષ શરતભંગનો કેસ ચાલી રહ્યો છે. તેમાં ગઇકાલે બન્ને પક્ષના વકીલો દ્વારા સાંજે પ-૩૦ સુધી દલીલો કરાઇ હતી અને ત્યારબાદ પ્રાંત અધિકારી ચાંદની પરમાર દ્વારા ૩૦ નવેમ્બરની નવી મુદત પાડી ત્યાં સુધીમાં ટ્રસ્ટીઓને ચાર દસ્તાવેજો અને બે સનદ રજૂ કરવા તાકીદ કરાઇ છે.
વર્ષ ર૦૧૯માં શામજી વેલજી વિરાણી ટ્રસ્ટ દ્વારા પ૦૦૦ ચો.મી. જમીન વેચવા માટે ચેરિટી કમિશનર કચેરીની મંજૂરી માગી હતી. પરંતુ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી પુરૂષોતમ પીપળિયા અને અન્યોએ તેનો વિરોધ કરી આ અંગે કલેકટરને ફરિયાદ કરતા આખો કેસ હાઇકોર્ટમાં ગયો હતો. જેમાં હાઇકોર્ટે ફેર સુનાવણી કરી યોગ્ય નિર્ણય કરવા ફરમાન કર્યું હતું. હાઇકોર્ટના હુકમ મુજબ અગાઉના પ્રાંત અધિકારીએ બન્ને પક્ષોને સાંભળ્યા હતા. પરંતુ તેઓ નિર્ણય લ્યે તે પુર્વે તેમની બદલી થઇ જતા નવા પ્રાંત અધિકારી ચાંદની પરમાર દ્વારા બન્ને પક્ષોને સાંભળવામાં આવ્યા હતા અને આ કેસમાં વધુ એક મુદત પડી છે. પ્રાંત અધિકારી ચાંદની પરમારે ટ્રસ્ટીઓને ચાર દસ્તાવેજી આધારો અને બે સનદ ૧/૧૯પ૧ અને ૧/૧૯પ૬ રજુ કરવા તાકીદ કરી છે.
દરમિયાન પ્રાંત અધિકારી ડો. ચાંદની પરમારે ‘‘અકિલા''ને જણાવેલ કે પરષોતમભાઇ પીપળીયા વાળો કેસ પૂર્ણ થયો છે, સરકાર તરફથી દાખલ થયેલ કેસમાં સુનાવણીમાં મુદત પડી છે, જેનું નેકસ્ટ હિયરીંગ ૩૦મીએ બપોરે થશે, ત્યારબાદ બંને કેસ એકમેકને સાંકળતા હોય નિર્ણય લેવાશે.
(2:52 PM IST)










