News of Wednesday, 27th November 2024
દર્દીને દાખલ ન કરી બેદર્દી દાખવનારા સિવિલ હોસ્પિટલના ડો. પાર્થ ચુડાસમાને છ માસ માટે સસ્પેન્ડ કરાતાં ચકચાર
ગોંડલના વાસાવડના યુવાનને દાખલ ન કરતાં પાર્કિંગમાં રાત વિતાવી હતી અને પછી મોત થયું હતું તબિબી અધિક્ષક ડો. મોનાલી માકડીયા, સહાયક તબિબી અધિક્ષક ડો. હેતલ કયાડાને કમિટીએ રિપોર્ટ આપ્યા બાદ ડીન દ્વારા લેવાયા આકરા પગલાઃ દર્દીઓને તગેડી મુકનારાઓ માટે ચેતવા જેવી કાર્યવાહી

રાજકોટ તા. ૨૭: શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલ અવાર નવાર કોઇને કોઇ કારણોસર ચર્ચાના ચકડોળે ચડે છે અને અનેક વખત દર્દીઓ સાથેની તબિબો સહિતના સ્ટાફની બેદર્દી સામે આવતી રહે છે. દરમિયાન ગોંડલના વાસાવડના યુવકને સારવાર માટે દાખલ ન કરી તગેડી મુકતા યુવકે ર્પાકિંગમાં રાત વિતાવી હતી અને સવારે સારવારના અભાવે મોત નીપજ્યું હતું. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતાં તાકીદે તપાસ કમિટીની નિમણુંક કરવામાં આવી હતી. તપાસ કમિટીએ પુરાવા સાથેનો રિપોર્ટ તબીબી અધિક્ષક અને મેડિકલ કોલેજના ડીનને સોંપતા બનાવને ગંભીર ગણી ફર્સ્ટ યરના રેસિડેન્ટ ડોક્ટર પાર્થ ચુડાસમાને છ મહિના સુધી સસ્પેન્ડ કરવાનો ઓર્ડર થતાં હોસ્પિટલ વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
આ અંગેની વિગત એવી છે કે તા.૧૮-૧૦-૨૪ના રોજ ગોંડલના વાસાવડ ગામે રહેતા સતીષ બાબુભાઇ (ઉ.વ.૩૧)નામના યુવકને નશાની ટેવ હોવાથી તબિયત લથડતા તેનો મિત્ર રાત્રીના સમયે ૧૦૮ દ્વારા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે લાવ્યો હતો. અહિ યુવકને ઇમરજન્સી વિભાગમાં ફરજ પરના તબીબે જોઈ તપાસી વધુ સારવાર માટે દાખલ કરવાની જરૂર લાગતા વોર્ડ નં-૧૦માં લઈ જવા માટે કહેતાં મિત્ર તેને વોર્ડ નં-૧૦માં લઇ ગયેલ અને દાખલ કરવાનો કેસ આપ્યો હતો. પરંતુ ફરજ પરના ડો. પાર્થ ચુડાસમાએ તેને દાખલ ન કરી બહાર મોકલી દેતાં દર્દીને રાતભર તેના મિત્રએ પાર્કિંગમાં જ રાખી મુકેલ.
એ પછી દર્દી સતીષને મિત્રએ જગાડતા જાગતો ન હોવાથી તેને હાજર સિકયોરિટીને જાણ કરતા સિકયોરિટી અને હેલ્પ ડેસ્કનો સ્ટાફ તાકીદે ત્યાં પહોંચી સ્ટ્રેચર મારફતે ઈમરજન્સી વિભાગમાં લાવતા ફરજ પરના મેડિકલ ઓફિસરે ઈસીજી કાઢી યુવકને મળત જાહેર કર્યો હતો. મેડિકલ ઓફિસરે સાથે રહેલા મિત્રને પૂછયું હતું કે, રાત્રે તમને દાખલ થવા મોકલ્યા હતા તો ર્પાકિંગમાં કેવી રીતે પહોંચ્યા? જેના જવાબમાં ઉપર વોર્ડમાં ગયા ત્યાં ડોકટરે નીચે જતું રહેવાનું કહી દેતા અમે નીચે આવી ગયા હતા. આથી મેડિકલ ઓફિસર કાળઝાળ થઇ વોર્ડ નં-૧૦ના રેસિડેન્ટ ડોક્ટરને બોલાવી તમે કેમ પેશન્ટને દાખલ કરતા નથી આ ડીસી થયું છે કહેતા જ રેસિડેન્ટ ડો.પાર્થ ચુડાસમા ફફડી ગયેલ અને તાકીદે પોતે કેસબારીએ જઈ દાખલ ફાઈલ કઢાવી મેડિકલ હિસ્ટ્રી ઉભી કરી મળત યુવકને આઇસીયુમાં વેન્ટિલેટર ઉપર રાખી સાથે રહેલા મિત્રને કહ્યું હતું કે દર્દી સિરિયસ છે સગાને બોલાવી લેજો. આ પછી દર્દીનો ભાઇ હોસ્પિટલે પહોંચે પહેલા જ ડો.પાર્થ ચુડાસમાએ મળત દર્દીને ફરી મળત જાહેર કર્યું હતું.
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયા, એડી.સુપ્રિન્ટેન્ડન્ટ ડો. હેતલ કયાડાએ તપાસ કમિટી દ્વારા અપાયેલો રિપોર્ટ ચકાસી ડીનને મોકલતાં મેડિકલ કોલેજ કાઉન્સિલની બેઠકમાં ડિસ્પિલીન એક્શન હેઠળ ડો. પાર્થ ચુડાસમા સામે આકરા પગલા લઇ તેને છ મહિના માટે સસ્પેન્ડ કરી દીધાનું જાણવા મળે છે.
(3:11 PM IST)










