તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Wednesday, 27th November 2024
યુરીનલોમાં પ થી ૧૦ રૂા.પડાવી ઉઘાડી લૂંટ !!
‘યુરીનલ ફ્રી સેવાના' બોર્ડ ઉખાડીને ફેંકી દેવાયા!! એસ.ટી.મુસાફર હિતરક્ષક સમિતિનો આક્રોશ

રાજકોટ તા.ર૭: રાજકોટ એસ.ટી.બસ પોર્ટ ઢેબર રોડ ખાતે ગુજરાત એસ.ટી.મુસાફર હિતરક્ષક સમિતિના સભ્યો દ્વાર સાઇટ વિઝીટ કરતા એસ.ટી.બસ પોર્ટના બંને યુરીનલમાં ઉઘાડી લૂંટ ચાલી રહી હોવાનું જણાયું હતું. ખાસ કરીને મહીલા યુરીનલોમાં રૂ.પ થી રૂ.૧૦ પડાવવામાં આવે છે. કાયદેસર બાથરૂમ જવા માટે નિઃશુલ્ક સેવા છે. તેમ છતાં રૂપિયા પાંચ થી દસ લેવામાં આવી રહયાંનું સ્પષ્ટ થયું હતું. સ્ટેન્ડ ઇન્ચાર્જનું મૌખીક ધ્યાન દોરી ગુજરાત રાજય વાહન વ્યવહાર નિગમ મુસાફરોએ નોંધવાની ફરિયાદ પોથી(પરિશિષ્ટ-અ) મુજબ લેખીત ફરીયાદ કરવામાં આવેલ.
યુરીનલ ફ્રી સેવા છે એ પ્રકારના બોર્ડ હોવા ફરજીયાત છે. પરંતુ તે પ્રકારના બોર્ડ ઉખાડીને ફેકી દેવાયાનું ગુજરાત એસ.ટી.મુસાફર હિતરક્ષક સમિતિના ધ્યાને આવ્યું હતું. સ્ટેન્ડ ઇન્ચાર્જ અને એસ.ટી.ના ટ્રાફીક કંટ્રોલરોની હાજરીમાં ભ્રષ્ટાચાર ચાલી રહોયો છે. રૂા.૧૦,૦૦૦ નો દંડ ફટકારતા ગુનો કરવાની છૂટ મળતી નથી. રોજ ૧૦,૦૦૦નો દંડ કરવો અને તેમ છતાં વારંવાર ગુનો કરે તો આકરા પગલા ભરી દાખલા રૂપ સજા કરવા સમિતીએ માંગણી ઉઠાવી છે.
સમગ્ર રાજયમાં આ પ્રકારની લૂંટ ચલાવવામાં આવી રહી છે. જે પગલે સીસી ફુટેજ મેળવી દોષીતો સામે કાર્યવાહી થવી જોઇએ. સમગ્ર ગુજરાતમાં વિજીલન્સ દ્વારા ખાનગી રાહે ડ્રાઇવ ગોઠવી આ પ્રકારે મુસાફરોને લૂંટનારા સામે પોલીસ કેસ કરી જવાબદાર અધિકારી અને કોન્ટ્રાકટર સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઇએ તેમ ગુજરાત એસ.ટી.મુસાફર હિતરક્ષક સમિતી, ગજેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઇ આસવાણી, એડવોકેટ ઇન્દુભા રાઓલ, મેઘજીભાઇ રાઠોડ,(સ્ટેન્ડીંગ કમિટીના પૂર્વ ચેરમેન રાજકોટ મહાનગરપાલીકા), પટેલ નાગજીભાઇ વિરાણી, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, પ્રફુલાબેન ચૌહાણ, એસ.પી.રાજાણી, દિપકભાઇ રાણપરાની સંયુકત યાદીમાં જણાવેલ છે.
(4:03 PM IST)










