News of Wednesday, 27th November 2024
હત્યાની કોશિષના ગુનામાં પીઆઇ સંજય પાદરીયાને શોધવા દરોડાઃ સીસીટીવી ફૂટેજે અનેક સવાલો સર્જ્યા
સરદારધામના ઉપપ્રમુખને પતાવી દેવાના પ્રયાસની ઘટનામાં તપાસનો ધમધમાટ : પાર્ટી પ્લોટ અંદર ચડભડ બાદ જેન્તી સરધારા પીઆઇનો કાઠલો પકડી પાટુ મારતાં દેખાયાઃ પાર્કિંગમાં ફરી બંને વચ્ચે મારામારી થઇઃ પીઆઇ પાસે પિસ્તોલ હતી કે કેમ? તે અંગે પણ પ્રશ્નાર્થ સર્જાયોઃ ડીવાયએસપીએ કહ્યું-બંદોબસ્ત હોય ત્યારે જ સર્વિસ રિવોલ્વર અપાય છેઃ પીઆઇ સીક લીવ પર ઉતર્યા

રાજકોટ તા. ૨૭: શહેરમાં સરદારધામના ઉપપ્રમુખ જયંતિભાઇ કરસનભાઇ સરધારા પર જીવલેણ હુમલાના બનાવમાં જુનાગઢ એસઆરપીના રિજીયન પીઆઇ સંજય પાદરિયા વિરૂધ્ધ તાલુકા પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે રાજકોટ અને જૂનાગઢમાં પીઆઈને શોધવા માટે દરોડા પાડયા હતાં પણ તે મળી આવેલ નથી. બીજી તરફ આ ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે કરી જીણવટભરી તપાસ માટે એફએસએલમાં મોકલ્યા છે. બીજી તરફ સોશિયલ મિડીયા, ચેનલોમાં વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજે અનેક પ્રશ્નાર્થ સર્જ્યા છે. પાર્ટી પ્લોટની અંદર પ્રસંગ ચાલુ હતો ત્યારે બોલાચાલી બાદ જયંતિ સરધારા પીઆઇ પાદરીયાનો કાંઠલો પકડી પાટુ મારતાં દેખાયા છે, બીજી તરફ પાર્કિંગમાં પણ બંને વચ્ચે ઝપાઝપી થઇ રહી હોવાનું ફૂટેજમાં સામે આવ્યું છે. પીઆઇ પાસે હથીયાર (પિસ્તોલ) હતું કે કેમ? તે અંગે પણ સવાલ ખડા થયા છે.
હરિધવા માર્ગ પર શ્રીરામ પાર્કમાં રહેતાં સરદારધામ સોૈરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતીભાઇ સરધારાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તા.૨૫ના રોજ તેના મિત્ર રમેશભાઇના પુત્રના લગ્નમાં હાજરી આપવા મવડી-કણકોટ રોડ પર શ્યામ પાર્ટી પ્લોટમાં ગયા હતા ત્યારે અન્ય મિત્રો સાથે વાતચીત કરતા હતા ત્યારે એક શખ્સ આવેલ અને મને કહ્યું કે, હું સંજયભાઇ પાદરિયા પીઆઇ છું અને જૂનાગઢ એસઆરપી રિજિયનમાં છું અને તું સમાજનો ગદ્દાર છો, આવું કહી મને મારવાની કોશિશ કરવા જતા અન્ય લોકોએ વચ્ચે પડી અને ઝઘડો અટકાવ્યો હતો.
ત્યાર બાદ સંજય પાદરિયાએ કહ્યું કે, હું નરેશભાઇ પટેલની સક્રિય ટીમમાં છું અને તું સરદારધામમાં ઉપપ્રમુખ બનીને ગદ્દારી કરે છે. જેથી હવે તને અહીંથી જીવતો જવા દેવો નથી. બાદ આ સંજય પાદરિયા ત્યાંથી જતા રહ્યો તેમજ જયંતીભાઇ પણ ફંક્શન પૂર્ણ કરી કાર લઇને ઘેર જવા નીકળતા હતા ત્યારે કાર આંતરી પાદરિયાએ કાર બહાર આવવા માટે કહેતા તે બહાર નીકળતા જ સંજયએ તેની પાસે પિસ્તોલ જેવા હથિયાર વડે હુમલો કરી માથામાં માર માર્યો હતો. જયંતિભાઇએ ફરિયાદમાં એમ પણ કહ્યું હતું કે હું સોૈરાષ્ટ્રધામનો ઉપપ્રમુખ બન્યો તે વાત ખોડલધામ ટ્રસ્ટ અને નરેશભાઇ પટેલને પસંદ આવી નહોતી. પીઆઇ પાદરીયાએ તને આજે મારી જ નાખવો છે, તું ગદ્દાર છો કહી પિસ્તોલના કૂંદા મારી ઇજા પહોંચાડી મને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
બીજી તરફ એવી વાત પણ સામે આવી છે કે ડખ્ખાની રાતે પીઆઇ પાદરીયા રજા પર હતાં. તેની પાસે હથીયાર હતું કે કેમ? તેનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ કલમમાં ફેરવિચારણા કરી શકે છે. ડીવાયએસીપી દોશીએ કહ્યું હતું કે બંદોબસ્ત હોય ત્યારે જ અમે હથીયાર-સર્વિસ રિવોલ્વર ઇશ્યુ કરીએ છીએ, હાલ પીઆઇ પદારીયાને હથીયાર અપાયું નહોતું.
સોરઠ ચોકી પોલીસ ટ્રેનિંગ સેન્ટરના ડીવાયએસપી હિમાંશુ દોશીએ જણાવ્યું હતું કે, અધિકારીઓ બંદોબસ્તમાં હોય ત્યારે જ સર્વિસ રિવોલ્વર અપાય છે. જ્યારે સંજય પાદરિયા સોમવારે ઓફિશિયલ રજા પર હતા. આથી તેમને સર્વિસ રિવોલ્વર આપવામાં આવી નથી. બીજી તરફ તપાસનીશ અધિકારી એસીપી બી.જે. ચૌધરીએ કહ્યું હતું કે પીઆઇ સંજય પાદરિયા પાસે હથિયાર હતું કે નહિ તેની માહિતી માગી છે. જેમાં સંજય પાદરિયાને કયારે હથિયાર ઇસ્યૂ કરાયું છે, જો ઇસ્યૂ કરાયેલું હથિયાર જમા કરાવ્યું હોય તો કયારે જમા કરાવ્યું છે? તેનું રજિસ્ટર માગવામાં આવ્યું છે. હાલમાં પાદરિયા સીક લીવ પર ઉતરી ગયા છે. પોલીસે તેને શોધવા રાજકોટ, જુનાગઢમાં દરોડા પાડયા હતાં. પોલીસ સીસીટીવી ફૂટેજના વિસ્તૃત રિપોર્ટની પણ રાહ જોઇ રહી છે.
(5:10 PM IST)










