News of Wednesday, 27th November 2024
રાજકોટના ખીજડીયામાં પ્રૌઢે બીડી પેટાવતા આગ ભભૂકી :સોફો સળગી ઉઠતાં જીવતા ભડથું થઇ ગયા
પ્રોઢની બીડી પીવાની લતે જીવ લીધો:બીડી પેટાવીને પી રહ્યા હતા: ચાલુ લાઈટર પોતાની બાજુમાં મૂકી દીધુ જેના કારણે લાઈટરની જાળથી સોફો ભડભડ સળગવા લાગ્યો

રાજકોટ જિલ્લાના ખીજડીયા ગામમાં આગનો વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જેમાં પ્રોઢની બીડી પીવાની લતે જ તેમનો જીવ લીધો છે. હકીકતમાં પ્રૌઢે બીડી પેટાવીને પી રહ્યા હતા. જ્યારે લાઈટર ચાલુ રહી જતાં તેના કારણે આગ લાગી હતી. જેમાં પ્રૌઢ જે સોફા પર બેસા હતા, તેના પર જ તેઓ ભડથું થઈ ગયા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ખીજડીયા ગામમાં રહેતા માનસિક બીમાર રમેશભાઈ સોલંકી (50) હાલ નિવૃત જીવન ગુજારતા હતા. ગઈકાલે બપોરના 12 વાગ્યા અરસામાં ખીજડીયા ગામમાં આવેલા તેમના ઘરની પાછળ નકામા પડી રહેલા તૂટેલા સોફા પર બેસીને રમેશભાઈએ બીડી પેટાવી હતી. જો કે બીડી પેટાવીને પોતે કસ ખેંચી રહ્યા હતા, જ્યારે ચાલુ લાઈટર પોતાની બાજુમાં મૂકી દીધુ હતુ. જેના કારણે લાઈટરની જાળથી સોફો ભડભડ સળગવા લાગ્યો હતો. જેથી પ્રૌઢને ભાગવાનો સમય જ ના મળ્યો અને તેઓ પણ ગંભીર રીતે દાઝી ગયા હતા.
આ બનાવની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક તેઓને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ રમેશભાઈને મૃત જાહેર કર્યા હતા. સિવિલ ચોકીના સ્ટાફે જાણ કરતાં કુવાડવા પોલીસે પરિવારજનોના નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક પ્રૌઢ પાંચ ભાઈ અને બે બહેનમાં સૌથી નાના હતા. જ્યારે તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી હતા, જેમણે પિતાની છત્રછાયા ગુમાવી હતી. હાલ તો આ ઘટનાના પગલે પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
(10:28 PM IST)










