News of Thursday, 28th November 2024
રાજકોટમાં શિક્ષકા સાથે જેઠનું વારંવાર દૂષ્કર્મઃ કોઇને કહીશ તો ક્યાંયના રહેવા નહિ દઉ એવી ધમકી દીધી
પરણીને આવ્યાના થોડા જ દિવસ બાદ જેઠે સ્પર્શ કરી બળજબરીનો પ્રયાસ કર્યોઃ સાસુને વાત કરતાં કહ્યું-તારો જ વાંક છે! દિકરાના જન્મ પછી ઘર બદલી પતિ સાથે બીજે રહેવા જતાં ત્યાં જઇને જેઠે વારંવાર દેહ પીંખ્યોઃ શહેર મુક્યું તો બીજા શહેરમાં પણ જેઠ પહોંચી ગયોઃ છેલ્લે દિવાળી કરવા તેણી રાજકોટ આવી ત્યારે ફરી જેઠે બળજબરીનો પ્રયાસ કરતાં હિમ્મત કરી પોલીસ બોલાવી અને પતિને જાણ કરીઃ તાલુકા પોલીસે ગુનો દાખલ કર્યો પતિ ખાસ કામધંધો કરતો ન હોઇ અને બાળક નાનુ હોઇ જેઠની ધમકીથી ગભરાઇને પરિણીતા મુંગે મોઢે સહન કરતી હતીઃ અનેક વખત વિરોધ છતાં જેઠ સમજતો નહોતો!

રાજકોટ તા. ૨૮: શહેરમાં દૂષ્કર્મની વધુ એક ઘટના પોલીસ દફતરે નોંધાઇ છે. જેમાં એક શિક્ષીકા પરણીને સાસરે આવ્યાના થોડા જ દિવસ બાદ તેના જેઠે રસોડામાં જઇ છાતી પર સ્પર્શ કરી બળજબરીની કોશિષ કરતાં તેણી ગભરાઇ ગઇ હતી. સાસુને વાત કરતાં તેણે તારો જ વાંક છે તેમ કહી દીધા બાદ જેઠે અવાર-નવાર અડપલા કરી તેમજ તેણીએ પુત્રને જન્મ આપ્યો પછી પણ ખરાબ નજર કરતાં પોતે પતિ-બાળક સાથે બીજે રહેવા જતાં ત્યાં પણ જેઠે આવી વારંવાર બળજબરી કરી લેતાં કંટાળીને તેણીએ શહેર છોડી દેતાં જેઠે ત્યાં જઇને પણ ચેનચાળા કરતાં અને છેલ્લે તાજેતરમાં તેણી દિવાળી વેકેશન કરવા ફરી રાજકોટ આવી ત્યારે પણ જેઠે બળજબરીનો પ્રયાસ કરતાં તેણીએ હિમ્મત કરી પોલીસને જાણ કરી અને પતિને પણ વિગતો જણાવતાં તાલુકા પોલીસે દૂષ્કર્મ, ધમકીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં તાલુકા પોલીસે ભોગ બનેલી ૩૫ વર્ષની શિક્ષીકાની ફરિયાદ પરથી તેના જ જેઠ વિરૂધ્ધ દૂષ્કર્મનો ગુનો દાખલ કર્યો છે. ફરિયાદીએ જણાવ્યું છે કે મારા લગ્ન જ્ઞાતિના રિવાજ મુજબ થયા છે. જે તે વખતે અમે બીજા રાજ્યમાં રહેતાં હતાં. લગ્ન પછી હું રાજકોટ પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણી અને બાળકો સાથે સંયુક્ત કુટુંબમાં રહુ છું. મારા લનના થોડા દિવસો પછી મારા ઘરે કોઇ હાજર નહોતુ ત્યારે મારા જેઠે રસોડામાં આવી મારી છાતી પર સ્પર્શ કરી બળજબરી કરવાની કોશિષ કરતાં મેં મારા સાસુને આ વાત કરી હતી. પરંતુ સાસઅુ કહેલુ કે તમારો જ વાંક છે. આમ કહેતાં મારા નવા નવા લગ્ન થયા હોઇ હું ડરી ગઇ હતી. જેથી મેં મારા પતિને વાત કરી નહોતી. વળી મારા પતિની ખરાબ આદતોને કારણે પણ મારા સાસરિયા મને અવાર-નવાર બોલ્યા રાખતા હતાં.
લગ્નના પાંચ મહિના બાદ હું પ્રેગનન્ટ થઇ હતી અને એ પછી મેં પુત્રને જન્મ આપ્યો હતો. અમે સંયુક્ત કુટુંબમાં રહેતાં હોઇ દિકરાના જન્મ બાદ પણ મારા જેઠ મારી સામે ખરાબ નજરથી જોતા હતાં. હું કંઇ કામ કરતી હોઉ ત્યારે મારી પાસે આવી અડપલા કરી લેતાં હતાં. દિકરો નવ મહિનાનો થતાં અમે અલગ રહેવા જતાં રહ્યા હતાં. આ મકાન મારા જેઠાણીના નામનું હોઇ હું અને મારા પતિ ત્યાં રહેતાં હતાં. અહિ પણ જેઠ કોઇને કોઇ બહાને આવતાં હતાં. હું એકલી હોઉ ત્યારે બળજબરી કરી શરીર સંબંધ બાંધી લેતા હતાં. તેમજ આની જાણ જો તું કોઇને કરીશ તો તમને ત્રણેયને ક્યાંયના રહેવા નહિ દઉ એવી ધમકી આપતાં હતાં.
મારા પતિ ખાસ કામધંધો કરતા ન હોઇ અને દિકરો પણ નાનો હોઇ અમને કોઇ નુકસાન ન પહોંચાડે તેમ વિચારી હું જેઠની તમામ માંગણીઓ મુંગા મોઢે સહન કરતી હતી. મારા પતિ અને બાળક ઘરે ન હોય ત્યારે જેઠ આવી જતાં અને બળજબરીથી શરીર સંબંધ બાંધી લેતાં હતાં. આ બધુ મારાથી સહન થતું ન હોઇ મેં અનેકવાર વિરોધ કર્યો હતો. આમ છતાં જેઠ કંઇ માનતા નહોતાં. આ કારણે કંટાળીને આજથી ચારેક વર્ષ પહેલા અમે પતિ-પત્નિ બાળકને લઇ બીજા શહેરમાં રહેવા જતાં રહ્યા હતાં. ત્યાં પણ મારા જેઠ કોઇને કોઇ બહાને આવી જતાં હતાં અને મારી સાથે અડપલા કરતા હતાં. જો કે અહિ ક્યારેય શરીર સંબંધ બાંધ્યો નહોતો. એ પછી હાલમાં જ હું દિવાળી કરવા રાજકોટ આવી ત્યારે પણ મારા જેઠે મારી છેડતી કરી હતી. જેથી મેં હિમ્મત કરી વિરોધ કર્યો હતો અને ૧૦૦ નંબરમાં ફોન કરી પોલીસ બોલાવી હતી. એ પછી જેઠે અમે પૈસાની ખોટી માંગણી કરીએ છીએ તેમ કહી ઝઘડો કર્યો હતો. પછી મેં હિમ્મત કરી પતિને બધી સાચી વાત કરી હતી. હવે ફરિયાદ નોંધાવાવનું નક્કી કરી મારા જેઠ વિરૂધ્ધ ફરિયાદ કરી છે. તેમ વધુમાં મહિલાએ જણાવતાં તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં પીએસઆઇ કે. એચ. કારેણાએ ગુનો નોંધી આરોપીની ધરપકડની તજવીજ હાથ ધરી છે.
(12:06 PM IST)










