<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

ટીવી શો, વેબ શો, સલમાન ખાનની ફિલ્‍મમાં કામ આપવાના નામે પંચનાથપ્‍લોટના શિક્ષીકા સાથે ૮ લાખની છેતરપીંડી

‘ટીવી સિરીયલમાં કામ કરવાની તક, રસ ધરાવનારાએ ચોૈધરી હાઇસ્‍કૂલ પાસે નોવા હોટેલમાં રૂબરૂ આવવું'...જાહેરાત વાંચીને ગયેલા શિક્ષીકા ફસાયા ૩૭ વર્ષિય શિક્ષીકાનું મુંબઇની સોનમ ઉર્ફ શગુફતાબાનુ અને માહી ઉર્ફે શાહીન અલીએ ઓડિશન લીધુ અને કહ્યું તમારુ કામ સારુ છેઃ બીજી વખત ફરી હોટેલમાં બોલાવી ત્‍યારે આ બંને સાથે અરમાન અશરફઅલી પણ હતોઃ નવી વેબ સિરીઝમાં કામ અપાવશે, કલર્સના ભુષણસર સાથે વાત કરાવશે તેમ કહી વધુ નાણા પડાવ્‍યાઃ ભુષણ નામના શખ્‍સે તમારુ સિલેકશન થઇ ગયુ છે ‘કયામત સે કયામત તક' શોમાં તમને કામ મળશે કહી અલગ અલગ કારણો આપી નાણા પડાવ્‍યાઃ એ-ડિવીઝન પોલીસે દાખલ કરી ફરિયાદ મુંબઇની ઠગ ટોળકીને શોધવા તપાસનો ધમધમાટ એક ગઠીયાએ તો કલર્સ ચેનલના અધિકારીના નામે પણ વાત કરીઃ શિક્ષીકાને વિશ્વાસ બેસે એ માટે એક વખત મુંબઇ બોલાવી ‘કેમ્‍પસ કી દુનિયા' નામના શોમાં શિક્ષીકાના રોલનું થોડુ ઘણુ શુટીંગ પણ કર્યુ! છેલ્લે બધાના ફોન બંધ થઇ ગયા!

રાજકોટ તા. ૨૮: ટીવી સિરીયલ, વેબ સિરીઝ અને ફિલ્‍મોમાં કામ કરવા ઇચ્‍છુકો સાથે ઘણીવાર મસમોટી ઠગાઇ થઇ જતી હોય છે. આવો જ એક બનાવ રાજકોટ શહેરમાં બન્‍યો છે. ખાનગી શાળામાં શિક્ષીકા તરીકે નોકરી કરતાં મહિલાએ વ્‍હોટ્‍સએપમાં આવેલી જાહેર ખબર વાંચી મુંબઇની બે યુવતિનો ચોૈધરી હાઇસ્‍કૂલ પાસેની નોવા હોટેલમાં સંપર્ક કરતાં બંનેએ ઓડિશન લઇ તમારુ કામ સારુ છુ, નવી ટીવી સિરીયલ માટે તમારો સંપર્ક કરશું તેમ કહી બાદમાં ફોર્મ ભરવાના નામે રકમ મેળવી લઇ બીજી વખત રાજેશ્રી સિનેમા સામેની હોટેલમાં મળવા બોલાવી ત્‍યારે પણ કામ અપાવવાના બહાને આ બંને યુવતિ અને સાથેના શખ્‍સે  ટીવી શો તેમજ નવી વેબ સિરીઝમાં કામ અપાવવાના બહાને રૂપિયા મેળવી શિક્ષીકાને વિશ્વાસ બેસે એ માટે મુંબઇ બોલાવી ‘કેમ્‍પસ કી દુનિયા' નામના શોમાં શિક્ષીકાનો રોલ મળ્‍યો છે કહી થોડુ શુટીંગ કરાવી બાદમાં કલર્સ ચેનલના અધિકારીના નામે  એક શખ્‍સે વાત કરી તમારુ નવી સિરીયલમાં સિલેક્‍શન થયું છે કહી ઓનલાઇન રકમ મંગાવી બાદમાં ફોટોશુટ, પોસ્‍ટર લગાવી ફેમસ થવા માટેનો ખર્ચ, સલમાન ખાનની ફિલ્‍મ, આલ્‍બમ સોંગમાં કામના નામે મળી કુલ ૮ લાખ પડાવી લઇ છેલ્લે બધાએ ફોન બંધ કરી દીધા હતાં.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે પંચનાથ પ્‍લોટ શેરી નં. ૧૫/૧૬ના ખુણે રાજલક્ષ્મી એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં. ૨૦૧ બીજા માળે રહેતાં અને સ્‍કૂલમાં શિક્ષીકા તરીકે નોકરી કરતાં ૩૭ વર્ષિય ફરિયાદ પરથી મુંબઇની માહી ઉર્ફ શાહીન અફસર અલી, સોનમ ઉર્ફ શગુફતાબાનુ અફસર અલી, અરમાન અફસર અલી અને ભુષણ વિરૂધ્‍ધ ટીવી સિરીયલમાં કામ અપાવવાની લાલચ દઇ રૂા. ૮ લાખ પડાવી લઇ ઠગાઇ કર્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શિક્ષીકાએ જણાવ્‍યું છે કે હું સાસુ સસરા સાથે રહુ છું, મારા પતિનું વર્ષ ૨૦૧૯માં અવસાન થયું છે. હું ચારેક વર્ષથી શિક્ષીકા તરીકે નોકરી કરુ છું અને ડાન્‍સ કોરીયોગ્રાફર પણ છું, હું અલગ અલગ પ્રોગ્રામમાં ડાન્‍સ પણ કરુ છું. વર્ષ ૨૦૨૨માં મારા મોબાઇલમાં વ્‍હોટ્‍સએપ ગ્રુપ એક ન્‍યુઝ પેપરની જાહેરખબર આવી હતી. જેમાં ટીવી સિરીયલમાં કામ કરવા માટે અમારે સારા કલાકારોની જરૂર છે, રસ ધરાવનારા હોય તેણે ચોૈધરી હાઇસ્‍કૂલ પાસે નોવા હોટેલ ખાતે રૂબરૂ હાજર રહેવુ એવુ લખાણ હોઇ હું તથા હિતેષભાઇ પંડયા બંને જુન-૨૦૨૨માં નોવા હોટેલ ખાતે ગયા હતાં. જ્‍યાં સોનમ ઉર્ફ શગુફતાબાનુ અને માહી ઉર્ફ શાહીન (રહે. મુંબઇ)એ અમારુ ઓડીશન લીધુ હતું. એ પછી બંને મહિલાએ મારી પાસે એક ફોર્મ ભરાવી રૂા. ૨૦ હજાર માંગતા મેં તેને રોકડા આપી દીધા હતાં. જેની કોઇપણ જાતની પહોંચ મને આપી નહોતી. ત્‍યારે બંનેએ કહેલુ કે-તમારુ કામ સારુ છે, અમે ફરી થોડા દિવસમાં રાજકોટ આવી તમારો સંપર્ક કરીશું.

આ પછી સોનમ અફસર અલી અને તેની સાથેની માહી અફસર અલી ફરી રાજકોટ આવ્‍યા હતાં અને મને ફોન કરી તમે યુરોપીયન હોટેલ ખાતે રાજેશ્રી સિનેમા પાસે આવો. આથી હું ત્‍યાં જતાં સોનમ ઉર્ફ શગુફતાબાનુ તથા માહી ઉર્ફ શાહીન હાજર હતી. બંનેએ કહેલુ કે અમે અહિ શુટીંગ માટે આવ્‍યા છીએ, અહિ મુંબઇનો અરમાન અશરફ અલી પણ હોઇ તેની સાથે પણ અમારી મુલાકાત થઇ હતી. તેણે પણ કહેલુ કે અહિ શુટીંગ માટે  આવ્‍યા છીએ અને ટીવી સિરીયલમાં નવુ કામ આપવાનું છે, અમે નવો પ્રોજેક્‍ટ ચાલુ કરીએ છીએ જેમાં તમને પણ કામ અપાવશું. તેમ અરમાને કહ્યું હતું.

આ પછી સોનમ અને માહીએ વેબ સિરીઝના પ્રોજેક્‍ટ માટે મારી પાસે બીજા ૧૮ હજાર માંગતા મેં બંનેને આ રકમ પણ રોકડેથી આપી હતી. ત્‍યારબાદ મને સોનમ અને માહીએ મુંબઇ શુટીંગ માટે બોલાવી હતી. જયાં ‘કેમ્‍પસ કી દુનિયા' નામની વેબસિરીઝનું વજેશ્વરી મુકામે શુટીંગ કર્યુ હતું. જેમાં મેં મારા શિક્ષક તરીકેના અડધા રોલનું શુટીંગ કર્યુ હતું. એ પછી અરમાને મને કહેલુ કે કલર્સ ચેનલમાં ભુષણસર છે તેની સાથે હું તમારો સંપર્ક કરાવી આપીશ. તમને ટીવી સિરીયલ ‘કયામત સે કયામત તક' નામની સિરીયલ અપાવીશ તેવી વાત કરી હતી. ત્‍યારબાદ હું ઘરે આવી ગઇ હતી. તેના બે દિવસ પછી મને એક ફોન આવ્‍યો હતો. જેમાં સામે છેડેથી ફોન કરનારે હું ભુષણસર બોલુ છું, મને અશરફ અલીએ તમારા નંબર આપ્‍યા છે, અમે કલર્સ ચેનલમાં નવી સિરીયલ બનાવી રહ્યા છીએ તેમાં તમારું સિલેક્‍શન થયું છે. તમને તેમાં કામ અપાવીશું, જેના માટે તમારે ૭૦ હજાર રૂપિયા ભરવા પડશે. જેથી મેં હા પાડતાં ભુષણસરે મને પ્રેમ તાવડેના એકાઉન્‍ટ નંબર આપતાં મેં તેમાં રૂા. ૭૦ હજાર ટ્રાન્‍સફર કર્યા હતાં.

એ પછી ભુષણસર અને અરમાને મને કહેલુ કે ૭૦ હજારમાં કામ નહિ થાય, હજુ બીજા ૫૦ હજાર ભરવા પડશે. મેં આ રકમ ભરવાની પણ હા પાડી હતી અને પ્રેમ તાવડેને ગૂગલ પેથી રકમ મોકલી હતી. એ પછી ફરીથી ૩૦ હજાર મોકલવાનું કહેતાં મેં ફરી પ્રેમને ૩૦ હજાર મોકલેલા. એ પછી ફરી અરમાને ફોન કરી ફોટોશુટ માટે ૫૦ હજાર માંગતા મેં આ રકમ ભરવાની ના પાડતાં તેણે કેહલું કે તમારા પોસ્‍ટર લાગશે, તમે ફેમસ થઇ જશો. આવી લાલચ આપતાં મેં હા પાડી ફરીથી પ્રેમ તાવડેને રૂા. ૫૦ હજાર મોકલી દીધા હતાં.

ત્‍યારપછી માહી અને સોનમે મને બીજી એક વેબ સિરીઝ તેમજ ફોટો શુટ અને આલ્‍બમ સોંગ તથા સલમાન ખાનની ફિલ્‍મમાં મને રોલ અપાવશે તેવી લાલચ આપી મારી પાસેથી રૂપિયા માંગતા મેં તેને રૂા. ૫,૬૨,૦૦૦ આપી દીધા હતાં. આ રકમ પણ તેને ગૂગલ પેથી આપી હતી. પરંતુ એક વર્ષ થઇ જવા છતાં માહી, સોનમ, અરમાન કે ભુષણે મને ટીવી સિરીયલમાં કામ માટે ન બોલાવતાં અને હું ફોન કરુ તો અવાર-વનાર શુટીંગની તારીખ આવશે એટલે તમને બોલાવી લઇશું તેવો જવાબ આપી દેતાં હતાં. હવે જુન-૨૦૨૪થી આ બધાના ફોન બંધ થઇ ગયા છે. જેથી મારી સાથે ઠગાઇ થયાની મને ખબર પડી હતી. ટીવી સિરીયલ, વેબ સિરીઝ, સલમાન ખાનની ફિલ્‍મ, આલ્‍બમમાં કામ અપાવવાની લાલચ દઇ આ ચારેયએ મારી પાસેથી કુલ ૮ લાખ પડાવી લીધા હોઇ અંતે મેં પોલીસને જાણ કરી હતી.

એ-ડિવીઝન પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં પીએસઆઇ એમ. ડી. ડાંગીએ ગુનો દાખલ કરી આરોપીઓને દબોચી લેવા તજવીજ હાથ ધરી છે.

(3:14 PM IST)