<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

તા.૧ ડીસેમ્‍બરથી ભાજપના વોર્ડ-તાલુકા અને ૧૬ મીથી શહેર-જિલ્લા પ્રમુખોની ચૂંટણી

રવિવારથી સંગઠન સંરચનાનો નિર્ણાયક તબક્કોઃ પ્રમુખપદ માટે ઉમેદવારી પત્ર ભરવાનું રહેશે ઓછામાં ઓછા બે વખત સક્રીય સભ્‍ય રહયા હોય તેને જ સ્‍થાનિક એકમમાં પ્રમુખ બનાવાશેઃ કોંગ્રેસમાંથી થોડા સમય પહેલા આવેલાને પ્રમુખપદની તક નહિ

રાજકોટ, તા., ર૮: ગુજરાતમાં ભાજપ દ્વારા સંગઠન પર્વ ચાલી રહયું છે. સંગઠન સંરચના માટે પધ્‍ધતીમાં આ વખતે ધરખમ ફેરફારો કરવામાં આવ્‍યા છે. શહેરી વિસ્‍તારમાં વોર્ડ અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં તાલુકા પ્રમુખ બનવા માટે ૪૦ વર્ષની મહતમ વય મર્યાદા રહેશે. ૬૦ વર્ષથી ઉપરનાને શહેર જીલ્લા પ્રમુખ બનાવાશે નહિ. તા.૧ થી ૧પ ડિસેમ્‍બર સુધી વોર્ડ-તાલુકા પ્રમુખોની ચુંટણી પ્રક્રિયા (પસંદગી) થશે. તા.૧૬ થી ૩૧ ડિસેમ્‍બર સુધીમાં મહાનગરો અને ગ્રામ્‍ય જિલ્લા પ્રમુખોની ચુંટણી થશે. નવા પ્રદેશ પ્રમુખની ચુંટણી જાન્‍યુઆરી પ્રારંભે થાય તેવી શકયતા છે. ચુંટણી પ્રક્રિયા અંગે ગઇકાલે પ્રદેશમાં માર્ગદર્શક બેઠક મળી હતી.

વોર્ડ અને તાલુકા પ્રમુખ બનવા માટે ઉમેદવારી પત્ર ભરવાની પધ્‍ધતી પ્રથમ વખત અમલમાં મુકવામાં આવી છે. પ્રમુખ બનવા ઇચ્‍છનારે ૪૦ વર્ષની અંદરની ઉંમર હોવાના બે આધાર સાથે પાર્ટીનું નિયત ફોર્મ ભરવાનું રહેશે. ચુંટણી અધિકારી તે ફોર્મ મળ્‍યાની રસીદ ઉમેદવારને આપશે. ફોર્મ ચકાસણી પછી પેનલ બનાવી પ્રદેશમાં રજુ થશે. પ્રદેશ જેની પસંદગી કરે તેને વોર્ડ કે તાલુકા પ્રમુખ બનવાનો મોકો મળશે. સમગ્ર પ્રક્રિયા તા.૧ થી ૧પ ડીસેમ્‍બર વચ્‍ચે થશે. ઓછામાં ઓછા બે વખત સક્રીય સભ્‍ય રહયા હોય તેને જ મહાનગરના વોર્ડ કે ગ્રામીણ ક્ષેત્રના તાલુકામાં પ્રમુખ બનવાની તક મળશે. છેલ્લા પાંચેક વર્ષમાં કોંગ્રેસ કે અન્‍ય પક્ષમાંથી ભાજપમાં આવેલાને આ માપદંડ મુજબ પ્રમુખ બનવાની તક નથી તેવું અર્થઘટન કરવામાં આવી રહયું છે. જો કે પાર્ટી જરૂરીયાત મુજબ માપદંડમાં ફેરફાર કરી શકે છે.

શહેર-જીલ્લા પ્રમુખોની ચુંટણી ૧૬ થી ૩૧ ડીસેમ્‍બર વચ્‍ચે યોજવાનું જાહેર થયું છે. તેના પ્રમુખ બનવા માટે ૬૦ વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે. તેની ચુંટણીની પધ્‍ધતી અંગે જાહેરાત થઇ નથી. આ રીતે ડીસેમ્‍બર પ્રારંભથી જાન્‍યુઆરી મધ્‍ય સુધીનો સમય રાજયમાં ભાજપ સંગઠન માટે પરિવર્તનનો સમય બની રહેશે.

(12:31 PM IST)