News of Thursday, 28th November 2024
મંડળી, ગોલ્ડ સ્કીમ, ફાયનાન્સમાં રોકાણના નામે પિતા-પુત્રો સહિત ૪ જણાની ૧૨ રોકાણકારો સાથે ૩ કરોડની છેતરપીંડી
રાજકોટમાં વધુ એક કોૈભાંડઃ વર્ષ ૨૦૧૨થી ૨૦૧૭ દરમિયાન અલગ અલગ ઓફિસો ખોલી કાવત્રુ ઘડી રોકાણકારોને લલચાવી રોકડી કરી પછી ઓફિસો બંધ કરી દીધી હતીઃ ફોન ઉપાડવાનું પણ બંધ થઇ ગયું હતું: છેક હવે ગુનો દાખલ થતાં યુનિવર્સિટી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ : કુવાડવા રોડ વૃંદાવન સોસાયટીના ગુણવંતભાઇ લુણાગરીયાના ૩૨ લાખ ૯૯ હજાર અને બીજા ૧૧ લોકોના ૨ કરોડ ૯૦ લાખ ચાંઉ થઇ ગયાઃ પોલીસે પ્રવિણ મગદાણી, તેના પુત્રો દર્શિત, ભાવીન અને રાકેશ કાંતિલાલ વાયા સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી

રાજકોટ તા. ૨૮: શહેરમાં મંડળી ખોલી રોકાણકારોને ડેઇલી બચત સહિત અલગ અલગ સ્કીમોમાં રોકાણ પર મોટા વળતરની લાલચ આપી લાખો કરોડોની ઠગાઇના બનાવો અગાઉ પણ બની ચુક્યા છે. વધુ એક આવી ફરિયાદ થઇ છે. જેમાં એડવોકેટ તથા તેના બે પુત્રો સહિત ચાર જણાએ શ્રીલક્ષ્મીનયના મંડળી, રામા જ્વેલર્સ, આશુતોષ ફાયનાન્સ નામે અલગ અલગ સ્કીમો ચાલુ કરી રાજકોટના ૧૨ રોકાણકારોને રોકાણ પર મોટા વળતરની લાલચ આપી કોઇપણ પ્રકારનું વળતર ન ચુકવી ઓફિસો બંધ કરી દઇ તેમજ ફોન ઉપાડવાનું પણ બંધ કરી દઇ રૂા. ૨ કરોડ ૯૦ લાખ ૩૯ હજારની ઠગાઇ કરતાં યુનિવર્સિટી પોલીસે ચારેય વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વર્ષ ૨૦૧૨થી ૨૦૧૭ સુધીમાં આચરાયેલા આ કોૈભાંડમાં છેક હવે ગુનો દાખલ થયો છે. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે કુવાડાવ રોડ વૃંદાવન સોસાયટી શેરી નં. ૩માં રહેતાં અને કોમ્પ્યુટર જોબ વર્ક કરતાં ગુણવંતભાઇ મોહનભાઇ લુણાગરીયા (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી મોદી સ્કૂલ સામે અમી પાર્ક એ-૫, લક્ષ્મીનયના ખાતે રહેતાં પ્રવિણ મગનલાલ મગદાણી, દર્શિત પ્રવિણભાઇ મગદાણી, ભાવીન પ્રવિણભાઇ મગદાણી અને રાકેશ કાંતિલાલ વાયા તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ગુજરાત પ્રોટેક્ શન ઓફ ઇન્સ્ટ્રેટ ઓફ ડીપોઝીટ એક્ટની કલમ ૩ મુજબ શ્રી લક્ષ્મીનયના ક્રેડીટ કો ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીમાં રોકાણ કરાવી સારા રિટર્નની લાચલ આપી નાણા ન ચુકવી ખોટા વાયદા, બહાના કરી ફરિયાદી ગુણવંતભાઇના રૂા. ૩૨,૯૯,૦૦૦ તથા બીજા રોકાણકારોના ૨,૫૭,૪૦૦૦૦ મળી કુલ રૂા. ૨ કરોડ ૯૦ લાખ ૩૯ હજાર કાવત્રુ ઘડી ઠગાઇ કરી ઓળવી જવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગુણવંતભાઇ લુણાગરીયાએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને રાજકોટ કોર્પોરેશનમાં નોકરી કરુ છું. વર્ષ ૨૦૧૨માં હું અમિત જેસડીયા કે જે કોમ્પ્યુટર જોબ વર્ક કરતાં હોઇ તેની ઓલ્ફિસે બેસવા જતો હતો ત્યાં એડવોકેટ પ્રવિણભાઇ મગનલાલ મદલાણી કોમ્પ્યુટરને લગતા કામ માટે આવતા હતાં. આથી મારો પરિચય પ્રવિણ મદલાણી સાથે થયો હતો. તે વખતે તેણે કહેલું કે હું શ્રીલક્ષ્મીનયના કો. ઓપરેટિવ ક્રેડીટ સોસીાયટી લી. નામની મંડળી ચલાવુ છું, જેમાં તમે ડેઇલી બચત કરો તો સારુ રોકાણ થશે અને વળતર પણ મળશે. વળી તમારે જોઇએ ત્યારે લોન પણ મળી જશે. આ પછી હું રૈયા રોડ સોજીત્રાનગર રોડ પર ન્યુ એરા સ્કૂલ પાસે આવેલી શ્રી લક્ષ્મીનયના મંડળીની ઓફિસે ગયો હતો. ત્યાં મને આ મંડળીના ચેરમેન-ડિરેક્ટર પ્રવિણભાઇ મગદાણી તથા ભાવીન મગદાણીએ મંડળીની તમામ સ્કીમો વિશે સમજ આપી હતી. આ પછી મેં બચત ખાતુ ખોલાવ્યું હતું અને રોજના રૂા. ૫૦૦ની બચની શરૂઆત કરી હતી. એ રીતે મેં કુલ ૯૯ હજારનું રોકાણ કર્યુ હતું. ત્યારબાદ ચેરમેન પ્રવિણભાઇ મગદાણીના પુત્ર ભાવીનભાઇ મગદાણીએ રામા જ્વેલર્સ નામે ગોલ્ડની સ્કીમ ચાલુ કરી હતી. જેમાં રામા જ્વેલર્સ (સિલ્વર સ્ટોન જેમ્સ એન્ડ જ્વેલર્સ પ્રા. લિ.)ના ડિરેકટર ભાવીન મગદાણી અને દર્શિત મગદાણી તથા રાકેશ કાંતિલાલ વાયા હતાં.
જેમાં સ્કીમ પ્રમાણે સોનુ ખરીદવાનું હતું, ડ્રો ક્રમ નંબર લાગે એટલા હપ્તા ભરવાના અને ૪૦ મહિના બાદ ડબલ સોનુ મળશે તેવી સ્કીમ હતી. જેમાં મેં ૨ ગ્રામ સોનુ ૨૪ કેરેટનું લઇ બચત ચાલુ કરી હતી. પરંતુ હપ્તા ભરવા છતાં રોકાણકારોને કોઇપણ પ્રકારનું સોનુ પાછુ મળ્યુ નહોતું. એ પછી મંડળીની ઓફિસ બદલાવી શિવાલીક-૮, ઓફિસ નં. ૨૦૮, ચંદનપાર્ક મેઇન રોડ ગોપાલ ચોક રૈયા રોડ ખાતે ચાલુ કરી હતી. અમે દૈનિક બચત યોજનામાં તા. ૧/૧૦/૧૬થી ખાતુ ખોલાવ્યું હતું. જેની બૂક મને પ્રવિણભાઇએ આપી હતી. એ પછી તેણે કહેલુ કે મારા દિકરા દર્શિત મગદાણીએ આશુતોષ ફાયનાન્સ નામે પેઢી સાધુવાસવાણી રોડ પર નક્ષત્ર-૮માં ચાલુ કરી છે, તેમાં પૈસાનું રોકાણ કરો તો એક વર્ષ પછી વ્યાજ સાથે મુળ રકમ પાછી મળશે. જેથી મેં આ પેઢીમાં પ્રવિણભાઇના કહેવાથી રૂા. ૩૨ લાખનું રોકાણ કર્યુ હતું. તે રોકાણ કર્યાની પહોંચ-રસીદ માંગતા પ્રવિણભાઇએ કહેલુ કે ફાયનાન્સની રસીદ ૧૦-૧૫ દિવસમાં આવશે, જો કે હજુ સુધી રસીદ આપી નથી.
ભોગ બનનારે આગળ જણાવ્યું છે કે ૨૦૧૭માં શ્રી લક્ષ્મીનયના કો.ઓપ. ક્રેડીટ સોસાયટી લી.ની ઓફિસ તથા આશુતોષ ફાયનાનસ અને રામા જ્વેલર્સની ઓફિસ ખાતે તપાસ કરતાં આ ત્રણેય ઓફિસો બંધ હતી. પછી જાણવા મળેલુ કે પ્રવિણભાઇ તથા ભાવીન, દર્શિત અને રાકેશ ચારેય લોકો ઓફિસો બંધ કરી ક્યાંક જતા રહ્યા છે. ત્યારપછી વધુ તપાસ કરતાં ખબર પડી હતી કે શ્રી લક્ષ્મીનયના મંડળી, આશુતોષ ફાયનાન્સ અને રામા જ્વેલર્સમાં બીજા ૧૧ લોકોએ પણ રોકાણ કર્યુ હતું.
જેમાં મારા પોતાના ૩૨,૯૯,૦૦૦ તથા અન્ય રોકાણકારોમાં (૧) દિનેશભાઇ ભાવના લોખીલે આશુતોષમાં રૂા. ૧૦ લાખ, (૨) સ્વાતિબેન દિનેશભાઇ લોખીલે રૂા. ૪ લાખ (૩), મિતુલભાઇ ધીરજલાલ સામાણીએ રૂા. ૧૨ લાખ, (૪) ધિરજલાલ મોહનભાઇ સામાણીએ રૂા. ૨૩ લાખ, (૫) સંજયભાઇ દેવરાજભાઇ શીશાંગીયાએ રૂા. ૪ લાખ, (૬) પ્રતિકભાઇ સુરેશભાઇ રાંકજાએ શ્રી લક્ષ્મીનયના મંડળીમાં રૂા. ૩ લાખ (૭) સુરેશભાઇ રામજીભાઇ રાંકજાએ આશુતોષમાં રૂા. ૫૨ લાખ (૮) સીમાબેન અલ્કેશભાઇ મહેતા શ્રી લક્ષ્મીનયાનામાં રૂા. ૬ લાખ, (૯) ધવલભાઇ વિનોદરાય વૈષ્ણવે આશુતોષમાં રૂા. ૬ લાખ, (૧૦) રોહિત હેમંતભાઇ ચંદ્રાલાએ લક્ષ્મીનયનામાં ૬,૪૦,૦૦૦ (૧૧) પિયુષભાઇ ઘનશ્યામભાઇ રાજ્યગુરૂએ આશુતોષ ફાયનાન્સ તથા રામા જ્વેલર્સમાં રૂા. ૧,૩૧,૦૦,૦૦૦ એમ કુલ રૂા. ૨,૯૦,૩૯,૦૦૦ નું રોકાણ કર્યુ હતું.
આ બધાએ શ્રી લક્ષ્મીનયના મંડળી, આશુતોષ ફાયનાન્સ, રામા જ્વેલર્સમાં પ્રવિણભાઇ ભગદાણી, ભાવીન મગદાણી અને દર્શિત મગદાણી તથા રાકેશ વાયા મારફતે અલગ અલગ રકમનું રોકાણ કરાવ્યું હતું. આ રકમ ચારેય જણાએ વાયદાઓ કર્યે રાખી પાછી ન આપતાં અને ઓફિસો બંધ કરી દઇ તેમજ હવે ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધુ હોઇ ચારેયએ પુર્વયોજીત કાવત્રુ રચી અમારા તમામ રોકાણકારોની રકમ ઓળવી ગયા હોઇ હવે અમે ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં ગુણવંતભાઇ લુણાગરીયાએ જણાવતાં પીઆઇ એમ. જી. વસાવાની રાહબરીમાં પીએસઆઇ ડી. બી. કારેથાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:59 PM IST)










