News of Thursday, 28th November 2024
સંજય પાદરીયાની વળતી ફરિયાદઃ ખોડલધામ મંદિર, પોલીસ વિશે જયંતિભાઇએ જેમતેમ બોલી ઉશ્કેરણી કરી મને માર માર્યો હતો
સરદારધામ સોૈરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતિ સરધારાની હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયા બાદ તુરંત સસ્પેન્ડ કરી દેવાયેલા પીઆઇએ પોતાનો પક્ષ રજૂ કર્યો : પડોશીના નાતે મને લગ્નનું આમંત્રણ હોઇ હું શ્યામ પાર્ટી પ્લોટમાં જતાં જયંતિ સરધારા સામેથી મળવા આવેલા અને બોલાચાલી કરી કાઠલો પકડી પાટુ માર્યુ હતું: પાર્કિંગમાં વાતચીત કરવા મેં ઉભા રાખેલા ત્યારે ફરી ન બોલવાનું બોલી ઝપાઝપી કરતાં તેણે પહેરેલી રૂદ્રાક્ષની માળા લાગી જતાં તેની નશકોરી ફુટી હતીઃ મેં કોઇપણ પ્રકારની ગંભીર ઇજા પહોંચાડી નથી : પાદરીયાએ તાલુકા પોલીસમાં લેખિત ફરિયાદ આપી કહયું-મારી પાસે સર્વિસ રિવોલ્વર કે હથીયારવાળુ લાયસન્સ હતાં જ નહિ, સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે, મેં સીડી રજૂ કરી છે : જયંતિ સરધારા ઝનુની સ્વભાવવાળા માણસ અને તોફાની પ્રવળત્તિ વાળા છે, દાદાગીરીનો સ્વભાવ ધરાવે છે, પોલીસ ખાતાની તથા અમોની સામાજીક સંસ્થાની આબરૂને હાની પહોંચાડવાના ઇરાદાથી અને ભય ફેલાય તે કારણે ખોટી ફરિયાદ નોંધાવી છેઃ પાદરીયા :પાદરીયાએ કહ્યું-તેને ઇજા થઇ ત્યારે મેં પોતે દવાખાને લઇ જવા આગ્રહ કરેલો, પરંતુ તે સ્વસ્થ હતાં અને જાતે રવાના થઇ ગયેલાઃ કોઇપણ જાતની ગંભીર ઇજા પહોંચી નથી છતાં મારા વિરૂધ્ધ હત્યાની કોશિષનો ખોટો ગુનો દાખલ કરાવ્યો : મારી ચોૈદ વર્ષની નોકરીના સમયગાળામાં મારી ફરજ કે મારા વ્યવહાર બાબતે મારા વિરૂધ્ધ કદી પણ કોઇ કોઇ ફરીયાદ કયારેય થઇ નથીઃ સંજય પાદરીયા

રાજકોટ તા. ૨૮: શહેરના હરિ ધવા માર્ગ પર શ્રીરામ પાર્ક-૧ નવનીત હોલ સામે રહેતાં સરદારધામ સોૈરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતિભાઇ કરસનભાઇ સરધારાએ પોતે મવડી કણકોટ રોડ પર શ્યામ પાર્ટી પ્લોટ ખાતે હતાં ત્યારે પોતાના પર જુનાગઢ એસઆરપીના રિજીયન પીઆઇ સંજય વશરામભાઇ પાદરીયાએ તું સમાજનો ગદ્દાર છો કહી ઝઘડો કર્યા બાદ પાર્ટી પ્લોટના પાર્કિંગમાં પણ માથાકુટ કરી માથામાં પિસ્તોલ જેવા હથીયારથી ઘા ફટકારી આજે તો મારી જ નાખવો છે તેમ કહી ધમકી દઇ વધુ મારકુટ કર્યાની ફરિયાદ નોંધાવતાં આ મામલે તાલુકા પોલીસે પીઆઇ સંજય પાદરીયા વિરૂધ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધી તેને ઝડપી લેવા રાજકોટ, જુનાગઢ દરોડો પાડયા હતાં. બીજી તરફ ગઇકાલે પીઆઇ સંજય પાદરીયાને સસ્પેન્ડ પણ કરી દેવાયેલ છે. તો સોશિયલ મિડીયામાં પાદરીયાની તરફેણમાં મેસેજ પણ વહેતા થાય છે. આ વચ્ચે પીઆઇ સંજય પાદરીયા દ્વારા પણ જયંતિભાઇ સરધારા વિરૂધ્ધ તાલુકા પોલીસને લેખિત ફરિયાદ આપવામાં આવી છે.
લેખિત ફરિયાદમાં પીઆઇએ જયંતિભાઇ સરધારા સામે ભારતીય ન્યાયસંહિતાની કલમ - ૧૧૫ (૧), ૩૫૨, ૩૫૧(૧) વિગેરે હેઠળની ફરીયાદ દાખલ કરવા માંગણી કરી છે. તેણે જણાવ્યું છે કે અમો ફરીયાદી પોલીસ ખાતામાં સને ૨૦૧૦થી ફરજ બજાવીએ છીએ. હાલમાં અમો પોલીસ ઇન્સપેકટર તરીકે જુનાગઢ જીલ્લાના ચોકી/ સોરઠ ગામના પોલીસ ટ્રેનીંગ સેન્ટરમા ફરજ બજાવીએ છીએ. ચૌદ વર્ષના નોકરીના સમયગાળા દરમ્યાન મારી ફરજ કે વ્યવહાર બાબતે કોઇ ફરીયાદ કયારેય થયેલ નથી.
અમોની સામે ગુના રજીસ્ટર નં. ૧૧૨૦૮૦૫૩૨૪૧૨૨૨ તા. ૨૬.૧૧.૨૦૨૪ થી જયંતીભાઇ કરશનભાઇ સરધારાએ તાલુકા પોલીસ સ્ટેશન રાજકોટમાં ફરીયાદ નોંધાવેલ છે. જે ફરીયાદ ખોટી છે. તા. ૨૬.૧૧.૨૦૨૪ના રાજકોટ શહેરમા મારા પડોશમા રહેતા સ્વ. શ્રી રમેશભાઇ ખુટના પુત્ર શુભમના લગ્ન/માંડવાનું જમણવાર શ્યામ પાર્ટી પ્લોટ, કણકોટ રોડ ઉપર રાખવામા આવેલ હતું. પડોશી તરીકે અમોને આ પ્રસંગમા આમંત્રીત કરવામા આવેલ. જેથી તા. ૨૬.૧૧.૨૦૨૪એ નોકરીમાંથી રજા મુકી આ પ્રસંગમા હાજરી આપવા રાજકોટ આવેલ. ત્યાં શ્યામ પાર્ટી પ્લોટમાં અમો ગયા ત્યારે લગભગ રાત્રીના ૮:૧૫ના અરસામાં અમો જમણવારમાં હતા ત્યારે સામેથી જયંતીભાઇ સરધારા મળવા આવેલા. જયંતીભાઇ એક વખતે ખોડલધામમાં સામાજીક કાર્યમાં સક્રીય હતા. અમો પણ ખોડલધામમાં સામાજીક કાર્યમાં સક્રીય હતા અને છીએ. જેથી અમે બન્ને એક બીજાને ઓળખીએ છીએ.
પાર્ટી પ્લોટમાં રાત્રીના ૮:૧૫ના અરસામાં જ્યારે જયંતીભાઇ સરધારા અમોને સામેથી મળવા આવેલા ત્યારે સારી ભાવનાથી અમો મળેલ. પરંતુ જયંતીભાઇ સરધારાનું વર્તન તદ્દન ગુસ્સાથી ભરેલું અને ઉશ્કેરણીજનક હતુ. તેઓ ઉચ્ચા અવાજે મારી સામે ખોડલધામ મંદીર વીશે જેમ ફાવે તેમજ ખરાબ બોલવા લાગેલા. આ મંદિર અને સંસ્થા અમારા સમાજનું પવીત્ર સ્થળ છે જેથી અમોએ જયંતીભાઇ સરધારાને આ સંસ્થા વિશે ખરાબ ન બોલવા સમજાવવા પ્રયત્ન કરેલ. જ્યંતીભાઇ સરધારા ઉચા અવાજે વાત કરતા હતા એટલે પાર્ટીમાં હાજર લોકો પૈકી ચાર વ્યક્તિઓ અમે ઉભા હતા ત્યાં આવેલા. આ ચાર વ્યક્તીઓની સામે પણ પોલીસ ખાતાને ભ્રષ્ટ છે અને પૈસા આપો તો બધુ થાય તેવુ કહેતા હતા. આમ, જયંતીભાઇ ઉશ્કેરણી કરતા હતા. આ જયંતીભાઇ સરધારા હાલ સરદારધામ સાથે પણ સંકળાયેલ છે અને સક્રીય છે અને પૂર્વ કોર્પોરેટર હોય, રાજકીય છાપ પણ છે.
જયંતિભાઇ સરધારા જ્યારથી સરદારધામમાં સક્રીય થયેલ છે ત્યારથી ખોડલધામ વીશે જાહેરમાં ખરાબ બોલે છે. જેથી આવુ ન કરવા એમને સમજાવટ ઉપરોક્ત વિગતે કરેલ ત્યારબાદ ઉપરોક્ત ચાર વ્યક્તિઓની હાજરીમાં પોલીસખાતા વિશે ઉપર જણાવ્યુ તેમ જેમ તેમ બોલેલ અને આક્ષેપો કરેલ અને મારો કાઠલો પકડેલ અને પાટુ મારેલ, પછી ધક્કો મારેલ. કોઇનો પ્રસંગ ન બગડે તે હેતુથી તેમજ આ બાબતમાં વધુ કોઇ ઉશકેરાટ ન થાય તે માટે અમો છુટા પડી ગયેલ અને ત્યાથી જતા રહેલ. આ તમામ બાબત પોલીસ તા. ૨૬/૧૧/૨૦૨૪ના સીસીટીવી ફુટેજમાંથી જોઇ શકે છે અને ઉપરોક્ત ચાર વ્યક્તિઓની તપાસ પણ કરી શકે છે. આ તા. ૨૬/૧૧/૨૦૨૪ના ઉપરોક્ત બનાવની સીસીટીવી ફુટેજની સીડી આ અરજી સાથે બિડેલ છે. જેથી આ સીડીનો પુરાવો તેમજ ઉપરોક્ત ચાર વ્યક્તિઓના નીવેદનો તપાસના કામમાં આવશ્યક છે. જેથી સત્ય બહાર આવી શકે અને અમો ખોટી ફરીયાદનો ભોગ ન બનીએ.
પીઆઇ સંજય પાદરીયાએ લેખિત ફરિયાદ રજૂઆતમાં આગળ જણાવ્યું છે કે પાર્ટી પ્લોટમાંથી પ્રસંગ પુરો કરીને અમો રાત્રે ૮:૩૦ ના અરસામાં પાર્ટી પ્લોટના પાર્કીગની ખુલ્લી જગ્યામા આવેલ. અમો પાર્કીંગમાં જતા હતા ત્યારે આ જયંતીભાઇ સરધારા તેની કારમાં ત્યાથી પસાર થતા અમોએ સમજાવટ માટે ઉભા રહેવા વિનંતી કરેલ. જયંતીભાઇ સરધારા ઉભા રહેલ અને કારમાથી બહાર આવી ફરીથી ઉશ્કેરાટથી ખોડલધામ સામે ગાળાગાળી કરવા લાગેલ અને અમોએ કહેલ કે આ બધુ રહેવા દ્યો. પરંતુ માનેલ નહી અને અમોને ઉશકેરવા માટે પોલીસ ખાતુ ભ્રષ્ટ છે અને પૈસા આપી બધુ થઇ જાય તેવા ખાતા વિરૂધ્ધ આક્ષેપ ફરીથી કરેલ. આમ, જયંતીભાઇ સરધારા ખુબ ઉશકેરાટમાં હતા અને મારી સાથે ઝપાઝપી કરેલ અને મારૂ શર્ટ ખેચતા શર્ટના બટન તુટી ગયેલ. મારી સાથે ઝપાઝપી કરતા હતાં ત્યારે જયંતીભાઇ સરધારાને તેના હાથમાં પહેરેલ રૂદ્રાક્ષ માળા નાકમાં લાગેલ અને નશકોરી ફુટેલ. જયંતીભાઇને કપાળમાં કોઇ ઇજા થયેલ હોય તેવુ બનેલ જ નથી. આવી ઇજા ઉભી કરેલ છે. મારી પાસે કોઇ હથીયાર ન હતુ.
મારી સર્વીસ રીવોલ્વર હું રજા ઉપર હોઉ જેથી સબંધીત પોલીસ સ્ટેશનમાં જમા હતુ અને લાયસન્સ વાળું મારા ઘરે જુનાગઢ મુકામે હતુ. જેની ખરાઇ પણ તપાસમાં આપ કરી શકશો. અમોએ કાંડા ઘડીયાળ કે રૂદ્રાક્ષની માળા કે કાંઇપણ હાથનાં કાંડા પર પહેરેલ ન હતુ કે હથિયાર ન હતુ. જયંતીભાઇને ઉપરોક્ત વીગતે નાકની નશકોરી ફુટતા થોડૂક લોહી નિકળતુ હતુ. જેથી મે દવાખાને સારવાર માટે પણ સાથે આવવા કહેલ. ઉલટાનુ જયંતીભાઇએ અમોને જમણા હાથીની આગળીમા અને કોણીની નિચે મુંઢમાર મારેલ છે અને સોજી ગયેલ છે. જયંતીભાઇ સમ્પુર્ણ સ્વસ્થ હતા તેઓએ દવાખાને સાથે આવવા ના પાડેલ અને જાતે કાર ચલાવી ગયેલ. જયંતીભાઇને કોઇ ગંભીર ઇજા થયેલ નથી તે આ સીસીટીવી ફુટેજ પરથી જણાવી શકાય છે. કેમકે ત્યાથી મોટર સાઇકલ પર પસાર થતા વ્યક્તીઓ સાથે સ્વસ્થ ચીતે વાત કરતા હતા. આ સામાન્ય બાબતને મોટુ સ્વરૂપ આપી મારી સામે ખૂનની કોશીશ કરવા તેમજ સ્વેચ્છા પૂર્વક વ્યથા કરવા તેમજ ગુનાહીત ધમકી તથા સુલેહશાંતી ભંગ કરવા બદલ ખોટી ફરીયાદ નોંધાયેલ છે. પાર્ટી પ્લોટનાં બહાર -પાર્કીંગમાં સીસીટીવી ફુટેજની સીડી અમે રજુ રાખીએ છીએ. તેમાથી સ્પષ્ટ જોઇ શકાય છે કે અમોના હાથમાં કોઇ હથીયાર નથી કે જેનાથી કોઇ વ્યથા કે ઇજા પહોચાડી શકાય કે અમોએ તેવું કોઇ કળત્ય કરેલ નથી કે અમોએ કોઇ ઇજા પહોંચાડેલ નથી.
લેખિત ફરિયાદમાં સંજય પાદરીયાએ આગળ જણાવ્યું છે કે આરોપીએ ઉપરોકત ફરીયાદ અમો સામે અમો પોલીસ ખાતામા હોવાથી અમોને દબાવવા અને અમારી છાપ ખરાબ કરવાના ઇરાદાથી/બદહેતુથી કરવામા આવેલ છે. અમો ફરીયાદી જણાવીએ છીએ કે આરોપી ઝનુની સ્વભાવવાળા માણસ છે અને તોફાની પ્રવળત્તિ વાળા છે અને દાદાગીરીનો સ્વભાવ ધરાવે છે. આરોપીએ ઉપર જણાવેલ વિગતે અમોની તથા અમોના પોલીસ ખાતાની તથા અમોની સામાજીક સંસ્થાની આબરૂને હાની પહોંચાડવાના ઇરાદાથી અને ભયભીત કરવાના ઇરાદાથી અમોને ઇજાઓ પહોંચાડેલ છે અને મૂંઢ મારેલ છે. આરોપી સુલે શાંતીનો ભંગ કરેલ છે. આરોપીએ અમોને મૂંઢ માર વ્યથા કરવાના ઇરાદાથી અને માર મારવાથી વ્યથા થશે તેવું જાણકારી સાથે અમોને વ્યથા પહોંચાડતુ કળત્ય કરેલ છે.
અમો ફરીયાદી જણાવીએ છીએ કે અમોને જમણા હાથની આંગળી અને કોણી નીચે આરોપીએ મૂંઢ મારેલ છે અને અમોની જમણા હાથની આંગણી તથા કોણી સોજી ગયેલ છે તેમજ આરોપીએ અમોને ધમકીઓ અને અમો સાથે ઝઘડો કરવાના ઇરાદાથી અમોના પવિત્ર મંદિર ખોડલધામ વિશે તેમજ અમોના પોલીસ ખાતા વિશે ઉશ્કેરણી જનક ખોટી વાતો કરી ધમકીઓ ઉચારેલ છે અને આમ કરી આરોપીએ ભારતીય ન્યાયસંહિતાની કલમ ૧૧૫ (૧), ૩૫૨, ૩૫૧ (૧) વિગેરે હેઠળ ગુનો કરેલ છે. જેથી આરોપી સામે ગુનો નોંધવા અને યોગ્ય તપાસ કરવા વિનંતી છે. તેમ અંતમાં સંજય વશરામભાઇ પાદરીયાએ જણાવ્યું છે.
(2:33 PM IST)










