News of Thursday, 28th November 2024
રાશનકાર્ડમાં E-KYC: રાજયભરમાં હોબાળોઃ ઠેર-ઠેર લાંબી લાઇનો
કામગીરી સાવ ધીમીઃ રાજકોટ-અમદાવાદ-વડોદરા તમામ સ્થળે વિરોધ વંટોળઃ સરકાર કંઇક પગલા ભરે અથવા તારીખો વધારે તે જરૂરી... : દરેક ઝોનલ કચેરીમાં સર્વરના ધાંધીયાઃ લોકોમાં પ્રચંડ રોષઃ કલાકો સુધી લાઇનમાં ઉભવા છતાં વારો આવતો નથી...

રાજકોટ તા. ર૮: રાજકોટ સહિત હાલ સમગ્ર રાજયમાં રાશન કાર્ડની E-KYC ની મગજમારી ચાલી રહી છે. સરકારે KYC ફરજિયાત કરતાં હવે રોજે રોજ સેન્ટરો પર લાંબી લાઇનો લાગે છે. KYC કરાવવાની અંતિમ તારીખ આવી જતાં હવે લાઇનો વધવા લાગી છે....કયાંક આધાર કાર્ડ અપડેટ માટે પણ લોકો લાઇનોમાં છે. લાઇનો ઓછી થઇ રહી નથી, મુશ્કેલી ઓછી થવાની જગ્યાએ વધી રહી છે. પણ સરકાર કે સરકારી તંત્ર એવું કોઇ કામ નથી કરતું કે જેનાથી લોકોને રાહત મળે.
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં KYC નો એવો કકળાટ ચાલી રહ્યો છે કે લોકો કંટાળી ગયા છે. કોઇનું થાય છે, તો કોઇનું KYC થતું નથી...જેના કારણે લોકોમાં રોષ છે...કલાકો નહીં એક-બે દિવસ સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ પણ સમસ્યાનું સમાધાન નથી આવતું...જો સમાધાન નજીક હોય ત્યારે સરકારનું સર્વર ડાઉન થઇ જાય છે. એટલે કે ફરી લાઇનમાં ઉભું રહેવું પડે છે. તેમાં પણ પાછો નંબર આવ્યો તો આવ્યો નહીં તો હરી હરી...
રાજકોટ સહિત રાજયભરમાં લોકો રાશનકાર્ડમાં KYC અને આધાર કાર્ડમાં અપડેટ માટે લોકો જીવનું જોખમ ખેડી રહ્યા છે....કારણ કે લાઇનમાં ઉભા રહેલા લોકો જે બિલ્ડીંગમાં ઉભા છે તે જર્જરિત છે. ખખડી ગયેલા બિલ્ડીંગમાં લોકો રાશન મળે તે માટે KYC ની માથાકૂટમાં લાગેલા છે.
વડોદરાની જૂની જિલ્લા કલેકટર કચેરી બિસ્માર સ્થિતિમાં છે. બિલ્ડીંગ તુટેલી ફુટેલી હોવા છતાં પુરવઠા વિભાગ લોકોને બોલાવી KYC ની કામગીરી કરી રહ્યું છે.
રાજકોટમાં તો આધાર કાર્ડ કઢાવવું જાણે માથાનો દુઃખાવો બની ગયું છે...આધારમાં અપડેટ કરાવવું હોય કે પછી જન્મ-મરણનો દાખલો...શહેરના લોકોને હાલાકી, મુશ્કેલી અને સમસ્યા સિવાય બીજું કંઇ જ નથી મળી રહ્યું...આધાર કેન્દ્રો પર વહેલી સવારથી ૩૦૦ થી વધુ લોકો લાઇનમાં લાગે છે. પણ નંબર માંડ ગણ્યાગાંઠયા લોકોને આવે છે...કારણ કે અહીં પણ સરકારી સર્વર વારંવાર ડાઉન થઇ જાય છે....લાંબી લાઇનો પણ સરકારી તંત્રને કોઇની પડી જન નથી...સરકારી વિભાગે લોકો માટે નતો પાણીની પણ વ્યવસ્થા કરી છે...અરજદારોને બેથી ત્રણ ધકકા ખાવાનું જાણે નક્કી જ છે....
મહાનગરોની સાથે ગ્રામ્ય વિસ્તાર અને નાના જિલ્લામાં તો સ્થિતિ વધારે ખરાબ છે...બોટાદ જિલ્લામાં KYC કરાવવામાં લોકોને. ભારે મુસિબત વેઠવી પડી રહી છે....KYC માટે આધાર કાર્ડ અપડેટ હોવું જરૂરી છે...તેથી પહેલા લોકોને આધાર માટે લાઇનમાં લાગવું પડે છે...ત્યારબાદ રાશન કાર્ડમાં KYC માટે લાંબી લાઇન લગાવવી પડે છે. ૩૧ ડીસેમ્બર KYC ની અંતિમ તારીખ હોવાથી લોકોના ધાડેધાડા ઉમટયા છે...પણ સરકારી તંત્ર પાસે કોઇ ઉકેલ નથી.
હોશિયાર અધિકારીઓને એ ખબર નથી હોતી કે ઝડપથી લાગુ કરતાં નિર્ણયને પહોંચી કેવી રીતે વળાશે?....કારણ કે કયાંય પુરતી કીટ નથી તો કયાંય પુરતો સ્ટાફ ન હોવાને કારણે લોકો હેરાન થઇ રહ્યા છે. જોવું રહ્યું કે લોકોને આ મોટી હાડમારીમાંથી કયારે મુકિત મળે છે? રાજકોટમાં તો પુરવઠાની ચારેય ઝોનલ કચેરીમાં બેફામ લાઇનો હોય છે, દરરોજ ધમાલ-બબાલ-માથાકૂટ-અરાજકતા સર્જાય છે.
(2:56 PM IST)










