<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

સતત ત્રીજા દિ'એ પણ જન્‍મ-મરણની કામગીરી ઠપ્‍પ

રાજય સરકારના ઇ-પોર્ટલમાં મંગળવારથી ખોટકો સર્જાતા લોકો હેરાન-પરેશાન : એક જ સવાલ, નિવેડો કયારે આવશે

રાજકોટ, તા. ૨૮: મનપામાં ઘણા દિવસોથી જન્‍મ-મરણના દાખલા કાઢવા અને નવી નોંધણી સહિતની કામગીરી મંદ પડયા બાદ મંગળવારથી સદંતર બંધ થતા નાગરિકોમાં કકળાટ શરૂ થયો છે. બે દિ'માં એક પણ દાખલો ન નીકળ્‍યા બાદ આજે પણ ઇ-ઓળખ પોર્ટલ બંધ રહેતા ે સિવિક સેન્‍ટર બહાર કામગીરી બંધ હોવાના બોર્ડ પણ મારવા પડયા હતા.

આધાર કાર્ડ અને હવે જન્‍મ-મરણની તમામ કામગીરી પણ કેન્‍દ્ર અને રાજય સરકારના પોર્ટલ તથા વેબસાઇટ પર થાય છે. આ કારણે મનપાની સિસ્‍ટમ લાચાર બની જતા ત્રણ દિવસથી નગરજનો કલાકો સુધી લાઇનમાં ઉભા રહે છે. આજે પણ  નોંધણી ન થવાથી સીવીક સેન્‍ટરની જાળી બંધ કરીને લોકોને પ્રવેશ બંધ કરવો પડયો હતો.

જન્‍મ-મરણના દાખલાની તમામ પ્રકારની કામગીરી હવે રાજય સરકારના ઇ-પોર્ટલ પર કરવામા ંઆવે છે. ત્‍યારે હવે મહાપાલિકાના નહીં પરંતુ રાજય સરકારના જન્‍મ-મરણના દાખલા નીકળે છે. પૂરા રાજયમાં આ માટે ઇ-પોર્ટલ પર ડેટા અપલોડ કરવામાં આવે છે. હવે દિવાળી બાદથી આ સિસ્‍ટમ ઘણી ધીમી પડી ગઇ છે. તો બે દિવસથી સર્વર સંપૂર્ણ ડાઉન હોય, દાખલા નીકળી શકયા ન હતા.

આ કારણે આજે પણ  અરજદારોનો વધુ ધસારો હતો. પરંતુ સવારથી અરજદારો પહોંચી જવા છતાં દાખલાનું કામ શરૂ થતું ન હતું. લોકો સતત પુછપરછ કરતા હતા. આ કામ શરૂ જ ન થતા અને આજે શરૂ થશે કે નહીં તેવી કોઇ ખાતરી ન મળતા અંતે અધિકારીઓની સૂચનાથી કેન્‍દ્ર બહાર બોર્ડ મૂકાયું હતું.

ઇ-ઓળખ પોર્ટલ બંધ હોવાના કારણે આજે જન્‍મ-મરણના દાખલાનું કામ બંધ રહેશે અને આગળની સૂચના મળ્‍યા બાદ કામ શરૂ કરવામાં આવશે તેવી નોટીસ મૂકવામાં આવી હતી. આથી બે દિવસથી ધકકા ખાતા અનેક નાગરિકો હેરાન થવા સાથે રોષે પણ ભરાયા હતા. હાલ વિદ્યાર્થીઓની જુદી જુદી યોજનાઓ, ફી સહાય, રેશનકાર્ડ, ઇ-કેવાયસી સહિતની કામગીરી ચાલુ હોય, જન્‍મ-મરણ અને આધાર કેન્‍દ્રમાં રોજે રોજ ભીડ રહે છે. આવા સમયે જ બંને સેવા ખોરવાઇ છે. ગ્રાઉન્‍ડ ફલોર પર બંને બિલ્‍ડીંગ બહાર સેંકડો લોકો હેરાન થઇ રહ્યા છે. આથી હવે સરકાર કક્ષાના આ પ્રશ્ર્‌નોનો ઉકેલ કયારે આવશે અને કોણ લાવશે તે ચર્ચા મનપાની લોબીમાં થવા માંડી છે

(4:13 PM IST)