News of Thursday, 28th November 2024
કાન્તિભાઇ વાડોલીયાનો અનોખો શોખ : મોરારીબાપુના ૨૦૦થી વધુ લેખ અને ફોટાઓ સાથેનું સાહિત્ય સાચવ્યુ છે

રાજકોટ તા. ૨૮ : જેમ અભિનેતા-અભિનેત્રી અને નેતાઓના ચાહક હોય છે. તેમ સંતોનો પણ એક ચાહક વર્ગ હોય છે. રાજકોટમાં આવા એક ચાહક છે કાન્તીભાઇ વાડોલીયા. જેઓ કથાકાર પૂ. મોરારીબાપુ વિષેના લેખો અને ફોટાઓ ધરાવતા છાપાની પૂર્તીઓ, મેગેઝીનોનો અનોખો સંગ્રહ કર્યો છે. વળી આ તમામ સાહિત્ય પર મોરારીબાપુના હસ્તાક્ષર પણ કરાવ્યા છે.
શ્રમિક વર્ગમાંથી આવતા કાન્તીભાઇ મેટોડા જીઆઇડીસી ખાતે કામ કરે છે. બહું ઓછુ ભણેલા છે. છતા વાંચન અને પુસ્તક-મેગેઝીનનો સંગ્રહ કરવાનો અનોખો શોખ ધરાવે છે. આ શોખ કઇ રીતે વિસ્તર્યો તે અંગે તેઓ ફોડ પાડતા કહે છે કે ૨૦૦૭ માં મોરારીબાપુ રાષ્ટ્રીય શાળા ખાતે આવેલા ત્યારે તેમના ફોટા અને તેમના વિષેના લેખો મે સાચવી રાખ્યા. બાદમાં ધીરે ધીરે આવું સાહિત્ય સંગ્રહ કરતો ગયો અને હાલ મારી પાસે મોરારી બાપુ વિષેના લેખો અને સાહિત્યના ૨૦૦ થી વધુ પુસ્તકો અને ફોટાઓ છે.
એટલુ જ નહીં પણ મોરારીબાપુની રાજકોટ નજીકમાં કયાંય કથા હોય ત્યારે નોકરીમાં રજા રાખીને કથા સાંભળવા અચુક પહોંચી જાય છે. તલગાજરડા પણ અવારનવાર જાય છે. હનુમંત એવોર્ડ સમારોહમાં પણ ત્રણેક વખત જઇ આવ્યા છે. બાપુ પણ તેમના આ શોખને અનુમતિ આપી તેમના સાહિત્ય પર ખુશીથી હસ્તાક્ષર કરી આપે છે
(3:17 PM IST)










