<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

રાજકોટના વેપારીએ લીંબડીમાં આપઘાત કરી લીધાના પ્રકરણમાં નાર્કો ટેસ્‍ટની માંગણી કરાઇ

જેનું આરોપી તરીકે નામ ઉછળ્‍યું તે ધર્મેશ પારેખે પત્રકારો સમક્ષ ખુલાસો કરતાં કહ્યું-મેં તો મૃતકને મદદ કરી હતી, ફરિયાદીએ જ સોનુ સગેવગે કર્યુ હતું, બીટકોઇનમાં રૂપિયા હારી જતાં આખુ કારસ્‍તાન આચર્યુ હતું?!

રાજકોટ તા. ૨૮: શહેરમાં રહેતા સોની વેપારી અશ્વિનભાઇ આડેસરાએ લીંબડી ખાતે કેટલાક વેપારીઓના ત્રાસથી આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર પ્રકરણમાં  ધર્મેશ પારેખનું નામ લેવામાં આવી રહ્યું છે. ત્‍યારે આ અંગે ધર્મેશ પારેખે આજે પત્રકાર પરિષદ યોજી ખુલાસો કરતા઼ જણાવ્‍યું હતું કે આ સમગ્ર પ્રકરણમાં નાર્કો ટેસ્‍ટ કરવાની મારી માંગણી છે. આ કેસમાં મારું નામ તદ્દન પાયા અને પુરાવા વિહોણું છે.

શ્રમજીવી સોસાયટીમાં રહેતા તેજસભાઈ વિનોદરાય આડેસરા (ઉ.વ.૪૧)એ એ-ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધર્મેશ ભરત પારેખ, સુજલ ધર્મેશ પારેખ, આર્યન ધર્મેશ પારેખ, ધર્મેશનો ભાણેજ, ધર્મેશના બહેન અને ધર્મેશના બનેવીના નામ આપ્‍યા હતા. જેમાં ધર્મેશ ભરત પારેખનું નામ ખોટું લેવામાં આવી રહ્યું છે તેવો ખુલાસો આજે કરાયો છે. ધર્મેશ પારેખે આ અંગે ખુલાસો કરી કહ્યું હતું કે મને અને મારા લાગતાવળગતાને ખોટી રીતે ફસાવી બદનામ કરવામાં આવી રહ્યા છે. હું નિર્દોષ છું તેના અનેક પુરાવાઓ છે, સમગ્ર સોની સમાજ મારી સાથે છે. આ કિસ્‍સામાં સત્‍યની જીત થશે. વધુમાં ધર્મેશ પારેખે જણાવ્‍યું હતું કે, તેઓ સમગ્ર મામલે નિર્દોષ છે. આખાય પ્રકરણમાં કોઈ જ કારણ વગર તેમનું નામ લઈ તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે. મેં હંમેશા અશ્વિનભાઈને દેવાના ડુંગરમાંથી બહાર કાઢવા પ્રયત્‍ન કર્યા છે.

તેમને દરેક  પ્રકારનીબ આર્થિક સામાજિક મદદ કરી હિંમત આપી છે. આ ઘટનામાં મળતકના પરિવારજનો અને આરોપીઓનું નાર્કો ટેસ્‍ટ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. ફક્‍ત તેમને જ નહીં પોલીસને પણ આખાય પ્રકરણમાં ખોટી રીતે ફિટ કરવામાં આવી તદ્દન ખોટું ચિત્ર ઊભું કરવામાં આવ્‍યું છે. મળતકના હેન્‍ડ રાઇટિંગનું ટેસ્‍ટ થઈ અક્ષર-હસ્‍તાક્ષરની ખાતરી થવી જોઈએ.

રાજકોટની શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને સોનીકામ કરતા અશ્વિનભાઇએ લીંબડીમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધાની ઘટનામાં લીંબડી પોલીસમાં ચાર વેપારી સામે ફરિયાદ નોંધાયા બાદ મળતકના પરિવારજનોએ એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનના બે કર્મચારી સામે ૩૦ લાખનું સોનું પડાવી લીધાના ગંભીર આક્ષેપો કર્યા બાદ આ આક્ષેપને પગલે ખાતાકીય તપાસનો હુકમ કરવામાં આવ્‍યો હતો અને બંને પોલીસમેનને સસ્‍પેન્‍ડ કરી જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવી હતી. જે મામલે નવો વળાંક ત્‍યારે આવ્‍યો હતો જ્‍યારે ખુદ ફરિયાદીએ જ સોની વેપારીઓ પાસેથી લીધેલુ સોનુ બીટકોઇનમાં હારી જતા આ કારસ્‍તાન કર્યુ હોવાના આક્ષેપો પણ થયા છે.

 જે મામલે ફરિયાદીનો એક વીડિયો પણ વાયરલ પણ થયેલ છે. હવે આ વીડિયો અંગે પણ ખીટી વાતો ઉભી કરવામાં આવી છે જે ગેરવાજબી છે. હું નિર્દોષ છું એવું ધર્મેશ પારેખે જણાવ્‍યું હતું.

(4:10 PM IST)