News of Thursday, 28th November 2024
અગ્નિકાંડ કેસના બે આરોપી અશોકસિંહ અને કિરીટસિંહે વચગાળાના જામીન માંગ્યા
કૌટુંબિક ભત્રીજાના લગ્નમાં હાજરી આપવા માટે ૧પ દિવસના જામીન પર છોડવા અરજી

રાજકોટઃ ગેમ ઝોનના અગ્નિ કાંડ દુર્ઘટના પ્રકરણમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદાર જમીન હેતુફેર ભાડે આપનારા અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાએ કૌટુંબિક ભત્રીજાના લગ્નપ્રસંગમાં હાજરી આપવા કરેલી ૧૫ દિવસના વચગાળાના જમીન મેળવવા કરેલી અરજીની આજે સેશન્સ કોર્ટમાં બંને પક્ષની સુનાવણી થતાં કોર્ટ દ્વારા અરજી નિર્ણય માટે અનામત રાખવામાં આવી છે.
રાજકોટમાં છ માસ પહેલા એક સાથે ૨૭ જેટલા માનવીઓ વિનાશક આગમાં જીવતા ભડથું થવાના આખા ગુજરાતને હચમચાવી દેનારા ટીઆરપી ગેમ ઝોન અગ્નિ કાંડમાં અગાઉ ૧૫ આરોપીઓ સામેના કેસમાં પ્રોસિકયુશન તરફથી ચાર્જશીટ, તેમજ ચાર્જ ફ્રેમ અને ૫૦૦૦ પેજનો કુલ-૪૬૭ દસ્તાવેજી પુરાવાઓ આરોપીઓના બચાવની તક માટે ખુલ્લા મૂકી દેવાયા બાદ પણ આરોપીઓ તરફથી વકીલ રાખવામાં નહીં આવતા કેસ વિલંબમાં મુકાયો છે, ત્યારે આ કેસના બે આરોપીઓ ખેડૂત જમીન માલિક ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા અને કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાએ તેમના કૌટુંબિક ભત્રીજાના લગ્નની કંકોત્રી રજૂ કરીને લગ્ન પ્રસંગ નિમિત્તે ૧૫ દિવસની વચગાળાના જામીનની અરજી કરી હતી, જે સંદર્ભે આજે એડિશનલ સેશન્સ જજ ડી.એસ.સીંઘની કોર્ટમાં સ્પેશિયલ પી.પી. તુષાર ગોકાણી, એડિશનલ સ્પેશિયલ પી.પી. નિતેશ કથીરિયા, હતભાગી પરિવારના એડવોકેટ બાર એસોસિએશનના ઉપપ્રમુખ સુરેશ ફળદુ, એન. આર. જાડેજાએ મૌખિક અને લેખિત રીતે ૧૫ દિવસની વચગાળાને જામીન અરજીનો જોરદાર વિરોધ કર્યો હતો. આજે સવારે બંને પક્ષોની દલીલોના અંતે સુનાવણી પૂરી થઈ હતી અને અદાલત દ્વારા નિર્ણય માટે જામીન અરજી અનામત રાખવામાં આવી હતી.
(4:10 PM IST)










