News of Thursday, 28th November 2024
સર્વેશ્વર ચોકમાં વોંકળાનું કામ શરૂ થયા બાદ યાજ્ઞિક રોડનું ડાયવર્ઝન કેવી રીતે આપવું ? મનપા દ્વારા પ્લાનીંગ
આવતા વર્ષે જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં યાજ્ઞિક રોડ એક મહિનો બંધ કરવો પડશે : પોલીસ સાથે પણ ચર્ચા કરાશે

રાજકોટ, તા. ર૮ : શહેરના સર્વેશ્વર ચોકના વોંકળાના પ્રોજેકટનો ધમધમાટ મનપા દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.
તા.૧૩ ના રોજ વોર્ડ નં.૭માં યાજ્ઞિક રોડ ઉપર આવેલ સર્વેશ્વર ચોકના વોંકળા ઉપર રૂ.૪.૯૧ કરોડના ખર્ચે સ્લેબ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હવે નવો સ્લેબ ભરવાની સાથે સર્વેશ્વર ચોકના વોંકળાનું વ્હેણ ડાયવર્ટ કરવામાં આવનાર છે, હવે આ વોંકળો શિવમ-૧ અને શિવમ-૨ કોમ્પ્લેક્સ નીચેથી નહીં પરંતુ બિલ્ડીંગની બાજુમાંથી નીકળશે જેથી ભવિષ્યમાં પણ કોઇ દુર્ઘટના કે જોખમને સ્થાન રહેશે નહીં.
સર્વેશ્વર ચોકના વોંકળા ઉપર નિર્માણ પામનાર ૯૯૦ ચો.મી.ક્ષેત્રફળના સ્લેબ કલ્વર્ટની લંબાઇ ૧૧૦ રનિંગ મીટર, પહોળાઇ ૯ રનિંગ મીટર તેમજ ચાઇ ૩ રનિંગ મીટર રહેશે. આ કામની સમય મર્યાદા એક વર્ષ છે પરંતુ વહેલું કામ પૂર્ણ થાય તે માટે એજન્સી અને તંત્રના પ્રયાસો રહેશે મ્યુનિ.સૂત્રોએ ઉમેર્યું હતું.
સર્વેશ્વર ચોકથી ડૉ.યાજ્ઞિક રોડને જોડતો હયાત વોંકળો શિવમ કોમ્પલેક્ષ-૧ તથા ૨ બિલ્ડીંગ નીચેથી પસાર થતો હોઈ, આ વોંકળાની સાફ સફાઈ કરવામાં મુશ્કેલી થતી હોઈ, આ વોકળો હયાત રસ્તા પર ડાયવર્ટ કરવાથી વોંકળાની સફાઈ વ્યવસ્થિત રીતે થઈ શકશે સાથો સાથ વરસાદી પાણીનો નિકાલ પણ ઝડપથી થશે જેને લીધે આ વિસ્તારના ૧૫૦૦૦ રહીશોને સુવિધા મળશે.
આ કામ અંગે મનપા દ્વારા ડાયવઝૈન અંગે વિચારણા કરવામાં આવીર હી છે. જે માટે પોલીસ ખાતા સાથે પણ ચર્ચા કરાશે. વોંકળાના કામમાં યાજ્ઞિક રોડ ખોદવો પડે તેમ હોય લગભગ એક મહિના સુધી વાહન વ્યવહાર બંધ રખાશે. જેથી જાન્યુઆરી કે ફેબ્રુઆરીથી રોડ બંધ થાય તે પહેલા મનપા દ્વારા બે મહિના અગાઉથી પ્લાનીંગ કરવામાં આવી રહ્યું છે.
(4:06 PM IST)










