તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
પીઆઇ પાદરીયા સામેની હત્યાની કોશિષની કલમ રદ્દ થશેઃ જયંતિ સરધારાની ફરિયાદ તથ્યથી વેગળી
ખોડલધામ અને સરદારધામ જેવી પ્રતિષ્ડીત સંસ્થાઓનો વિવાદ સપાટી પર લાવનાર હુમલાની ઘટનામાં મહત્વનો વળાંક : ડીસીપી જગદીશ બાંગરવાએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપીઃ તબિબી રિપોર્ટમાં ઇજા જીવલેણ નહિ હોવાનું બહાર આવ્યું: પીઆઇ સંજય પાદરીયાને સર્વિસ રિવોલ્વર ઇશ્યુ નહિ થયાનું અને સીસીટીવીમાં ક્યાંય હથીયાર નહિ દેખાતાં લેવાયેલો નિર્ણયઃ પાદરીયા ફરિયાદ ઇચ્છશે તો જયંતિ સરધારા સામે ગુનો નોંધશું

રાજકોટ તા. ૩૦: ખોડલધામ અને સરદારધામ જેવી પ્રતિષ્ડીત સંસ્થાઓનો વિવાદ જે ઘટનાથી સપાટી પર આવ્યો હતો તે ઘટનાએ નવો વળાંક લીધો છે. સરદારધામના સોૈરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતિ સરધારાએ જુનાગઢ એસઆરપીના પીઆઇ સંજય પાદરીયા વિરૂધ્ધ નોંધાવેલી હત્યાની કોશિષની ફરિયાદમાં તપાસના અંતે પોલીસને તથ્ય ઓછુ જણાતાં હત્યાની કોશિષની કલમ આ ફરિયાદમાંથી રદ્દ કરવા કોર્ટમાં રીપોર્ટ કરવા તજવીજ હાથ ધરી છે.
આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવાએ ઉપરોક્ત માહિતી આપતાં કહેલું કે-સરધારાની સારવાર કરનાર ડોક્ટરના તબિબી રિપોર્ટના આધારે ઇજા જીવલેણ નહિ હોવાનું બહાર આવ્યું છે સાથો સાથ ઘટના સ્થળના સીસીટીવી ફુટેજ, સાહેદોના નિવેદનો અને પોલીસની સ્વતંત્ર તપાસમાં હુમલાની ઘટનામાં પીઆઇ પાદરીયા દ્વારા કોઇ હથીયારનો ઉપયોગ થયાનું ફલિત ન થતાં કલમ હત્યાની કોશિષની કલમ રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે.
ડીસીપી જગદીશ બાંગરવાએ વધુમાં જણાવ્યું હતું કે સંજય પાદરીયા તરફથી વળતી ફરિયાદ રૂપે અરજી આપવામાં આવી છે. આ અરજી સંદર્ભે જો તેઓ ઇચ્છતા હશે તો જયંતિ સરધારા વિરૂધ્ધ પણ ગુનો નોંધવામાં આવશે. કારણ કે પીઆઇને પણ આ હુમલામાં મુંઢ ઇજાઓ થઇ હતી. પીઆઇ વિરૂધ્ધની હત્યાની કોશિષની કલમ હટાવી મહાવ્યથા મુજબની કલમ રાખવા કોર્ટમાં રિપોર્ટ કરાશે.
સરદારધામના ઉપ-મુખ અને ભાજપના પૂર્વ કોર્પોરેટર જયંતી સરધારા પર થયેલા હુમલાની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકમાં જ પીઆઇ સંજય પાદરિયા સામે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો, પોલીસની આ ત્વરિત કાર્યવાહી સામે અનેક સવાલો ઉઠ્યા હતા ત્યારે તબીબી અભિ-ાય મળતા જ પોલીસ હવે ખૂનની કોશિશની કલમને બદલે મહાવ્યથા મુજબની કલમ રાખવા કોર્ટમાં રિપોર્ટ કરશે તેમજ સરધારાએ કરેલા હુમલામાં પણ પીઆઇ પાદરિયાની ફરિયાદ નોંધાશે.
ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવા સાથે આ મામલે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે, ઘટના બાદ હોસ્પિટલના બિછાને પડેલા જયંતી સરધારાએ જે મુજબ તેમના પર હુમલો થયો અને હથિયારના ઘા ઝીંકાયાની વાત કરી હતી જેમના પરથી હુમલાખોર પીઆઇ સંજય પાદરિયા સામે હત્યાની કોશિશનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે આ મામલે તબીબી અભિપ્રાય મળ્યે કલમ હળવી કરવાના સંકેત પણ સાથોસાથ આપવામાં આવ્યા હતા, શુક્રવારે ડોક્ટરનો રિપોર્ટ મળ્યો છે અને તે મુજબ સરધારાને મહાવ્યથા મુજબની ઇજા થઇ છે તેમજ સીસીટીવી ફૂટેજમાં હાલના તબક્કે પણ હથિયાર દેખાતું ન હોવાથી હવે ખૂનની કોશિશની કલમ હટાવી મહાવ્યથાની કલમ હેઠળ ગુનો રાખવા કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે.
ઘટના બાદ ફરાર થઇ ગયેલા પીઆઇ સંજય પાદરિયાને સસ્પેન્ડ કરી દેવાયા છે અને હજુ સુધી તે પોલીસને હાથ આવ્યા નથી, ઘટના બાદ અન્ય સીસીટીવી ફૂટેજ ફરતા થયા હતા અને તેમાં સરધારાએ પીઆઇ પાદરિયાનો કાંઠલો પકડ્યાનું અને તેમને લાત મારી હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. પીઆઇ પાદરિયા વતી તાલુકા પોલીસ સ્ટેશનમાં તેમના કોઇ સંબંધીએ સરધારા સામે ગુનો નોંધવાની અરજી કરી છે, પોલીસે હજુ સુધી આ મામલે કોઇ કાર્યવાહી કરી નથી. ડીસીપી જગદીશ બાંગરવાએ કહ્યુંહતું કે પીઆઇ સંજય પાદરિયા રૂબરૂ આવીને ફરિયાદ કરી શકે છે અથવા તેમના વકીલ ફરિયાદ રજૂ કરશે તો જયંતિ સરધારા સામે પણ ગુનો નોંધવામાં આવશે.
(4:11 PM IST)










