<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

કારખાનેદારે ૬૦ લાખ સામે વ્‍યાજ-મુદ્દલ સહિત રૂા. ૭૦.૮૦ લાખ ચુકવ્‍યા છતાં ધમકીઃ પ્રવિણસિંહ વિરૂધ્‍ધ વ્‍યાજખોરીની ફરિયાદ

મુદ્દલની રકમ રાતના બાર સુધી નહિ મળે તો તારી અને યશપાલની જિંદગી બગાડી નાખીશ, ગામ મુકાવી દઇશ... કાલાવડ રોડ સૂર્યોદય સોસાયટીના સુરેશભાઇ પરમારે ગત ફેબ્રુઆરીમાં ૬૦ લાખ ધંધાના કામે મિત્ર યશપાલ પટગીરને વચ્‍ચે રાખીને લીધા હતાં: સિકયુરીટી પેટે મકાનનું સાટાખત, પાવરનામુ, ૭ ચેક, અસલ દસ્‍તાવેજ પ્રવિણસિંહે પોતાની પાસે રાખ્‍યા હતાં: મુદ્દલ ચુકવવામાં મોડુ થયું છે કહી વધુ ૧૦ ટકા વ્‍યાજ માંગી દસ્‍તાવેજ-કાગળો પાછા ન દેતાં અંતે ફરિયાદ નોંધાવીઃ માલવીયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૩૦: શહેરના કાલાવડ રોડ પર રહેતાં કારખાનેદારે મિત્ર મારફત આશાપુરા ફાયનાન્‍સવાળા પ્રવિણસિંહ જાડેજા પાસેથી ધંધાના કામે રૂા. ૬૦ લાખ વ્‍યાજે લઇ તેની સામે ૧૦,૮૦,૦૦૦ વ્‍યાજના અને મુદ્દલના મળી કુલ ૭૦,૮૦,૦૦૦ ચુકવી દીધા હોવા છતાં વધુ વ્‍યાજ માંગી મકાનના દસ્‍તાવેજની અસલ ફાઇલ સહિતના કાગળો પાછા ન આપી ગામ મુકાવી દેવાની ધમકી અપાતી હોઇ આ મામલે કારખાનેદારે ફરિયાદ દાખલ કરાવી છે.

આ બનાવમાં માલવીયાનગર પોલીસે  કાલાવડ રોડ સૂર્યોદય સોસાયટી ગંગા એપાર્ટમેન્‍ટમાં રહેતાં અને જુના માર્કેટ યાર્ડ રોડ પર ગજાનન રી-પાવરીંગ નામે કારખાનામાં વાહનનું મજૂરી કામ કરતાં સુરેશભાઇ અમરસિંહભાઇ પરમાર (ઉ.વ.૬૦)ની ફરિયાદ પરથી પ્રવિણસિંહ  જાડેજા તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૩૮૪, ૫૦૪, ૫૦૬, મીનલેન્‍ડર્સ એક્‍ટની કલમ ૪૦, ૪૨ મુજબ ગુનો નોંધ્‍યો છે.

સુરેશભાઇ પરમારે ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું કારખાનામાં કામ કરુ છું અને આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં મારે ધંધાના કામે ૬૦ લાખ રૂપિયાની જરૂર પડતાં મારા જુના મિત્ર યશપાલભાઇ પટગીર જે સાઇનગર ચોકમાં મને ભેગા થતાં હોઇ મેં તેને વાત કરતાં તેણે પોતે એક બે જગ્‍યાએ વાત કરીને મને કહશે તેમ કહેલું. બાદમાં યશપાલભાઇએ કહેલુ કે પ્રવિણસિંહ જાડેજાને ઓળખુ છું અને તે વ્‍યાજે પૈસા આપે છે. જેમની ઓફિસ બીગ બજારમાં છે, આપણે તેને રૂબરૂ મળી આવશું તેમ વાત કરી હતી. આ પછી બીજા દિવસે સવારે હું અને યશપાલભાઇ પ્રવિણસિંહને રૂબરૂ મળવા ગયા હતાં અને મેં તેને મારે ધંધા માટે ૬૦ લાખની જરૂર છે તેમ કહેતાં તેણે પહેલી તારીખ પછી આપશે તેમ કહી હું મકાનના દસ્‍તાવેજ વગર પૈસા આપતો નથી તેમ કહ્યું હતું.

ત્‍યારે યશપાલભાઇએ પ્રવિણસિંહને કહેલુ કે આ મારા જુના મિત્ર છે, તેઓને સાટાખત પર પૈસા આપો, તેઓ ચુકવણી કરી દેશે, વળી દસ્‍તાવેજનો ખર્ચ તેઓને ન થાય એ માટે સાટાખતનું રાખો તેમ કહેતાં પ્રવિણસિંહે હું આવી રીતે આપતો નથી પણ યશપાલભાઇ તમારા લીધે હું આપીશ. બે દિવસ પછી મકાનની ફાઇલ લઇને ગોંડલ મારા વકિલ પાસે જજો અને ચેક કરાવી લેજો તેમ કહેતાં અમે નીકળી ગયા હતાં. બાદમાં અમે મારા મકાનની ફાઇલ લઇ વકિલને બતાવવા ગયા હતાં. તેમણે ફાઇલ ક્‍લીયર કરી હતી. અસલ દસ્‍તાવેજની ફાઇલ વકિલે પોતાની પાસે રાખી લીધી હતી. પછી વકિલે ફોન કરી ફાઇલ ક્‍લીયર થઇ ગઇ છે તમે લઇ જજો તેમ કહેતાં હું અને યશપાલભાઇ વીસ દિવસ પછી ફાઇલ લેવા ગોંડલ ગયા હતાં. ત્‍યાંથી વકિલે પ્રવિણસિંહના બીજા વકિલની ઓફિસ રાજકોટ દોઢસો ફુટ રીંગ રોડ ગિરીરાજ હોસ્‍પિટલ પાસે છે ત્‍યાં આપી હોવાનું કહ્યું હતું.

ત્‍યારબાદ બે દિવસ પછી વકિલે બોલાવતાં હું અને યશપાલભાઇ તેની ઓફિસે ગયા હતાં. ત્‍યારે સાટાખત અને પાવરનામામાં મારી સહી લીધી હતી. પછી સાટાખત, પાવરનામુ અને મકાનની અસલ દસ્‍તાવેજની ફાઇલ વકિલે પોતાની પાસે રાખી લઇ અમને હવે તમે પી. ટી. જાડેજાને મળી લેજો, હું તેમની સહી લઇ બધા કાગળો તેમને આપી દઇશ તેમ કહ્યું હતું. ત્‍યારબાદ તા. ૨૨/૩/૨૪ના રોજ હું અને યશપાલભાઇ પ્રવિણસિંહની ઓફિસે ગયા હતાં. જ્‍યાં તેઓ હાજર હતાં અને મને કહેલુ કે દર મહિને ૩ ટકા લેખે એડવાન્‍સ વ્‍યાજ પેટે રૂા. ૫,૪૦,૦૦૦ આપવાના થશે. આ પછી ૬૦ લાખમાંથી ૩ ટકા લેખે તેમણે રૂા. ૫,૪૦,૦૦૦ કાપી લઇ મને ૨૯,૬૦,૦૦૦ રોકડા આશાપુરા ફાયનાન્‍સ બીગ બાઝારની ઓફિસે આપેલા અને બાકીના ૨૫ લાખ આરટીજીએસથી આપી કુલ રૂા. ૫૪,૬૦,૦૦૦ આપ્‍યા હતાં.

આ રકમની સિક્‍યુરીટી પેટે તેમણે મારી પાસેથી નાગરિક બેંકના ૫-૫ લાખના ૭ ચેક લખાવી લીધા હતાં. દર મહિનાની પહેલી તારીખે હું સાઇનગર ચોકમાં યશપાલભાઇને ૩ ટકા માસિક વ્‍યાજ લેખે રૂા. ૧,૮૦,૦૦૦ આપી દેતો હતો. તે પ્રવિણસિંહને પહોંચાડી દેતાં હતાં. આ રીતે મેં ઓગષ્‍ટ મહિના સુધીમાં નિયમીત રીતે વ્‍યાજના કુલ રૂા. ૧૦,૮૦,૦૦૦ ચુકવ્‍યા હતાં. એ પછી ૨૧/૮/૨૪ના રોજ પ્રવિણસિંહની ઓફિસમાં કામ કરતાં હસુભાઇએ મને ફોન કરી કહેલુ કે તમે મુદ્દલની રકમ ૧૧ તારીખે આપી જજો. જેથી મેં-મારાથી હાલમાં પહોંચાય તેમ નથી તમને વ્‍યાજ આપી જઇશ તેમ કહેતાં હસુભાઇએ હા પાડી હતી.

એ પછી એ જ દિવસે થોડીવાર બાદ યશપાલભાઇનો ફોન આવેલો અને કહેલુ કે હસુભાઇનો ફોન હતો તમારે મુદ્દલ રકમ પાછી આપવાની છે. તેમને પણ મેં કહેલુ કે પ્રવિણસિંહ તમારુ માનશે, તમે તેમને કહો હું વ્‍યાજની રકમ આપી જાઉ છું. જેથી યશપાલભાઇએ વાંધો નહિ હું તેમની સાથે વાત કરી લઇશ તેમ કહેલું. બાદમાં ૩૦/૮ના રોજ હું સાઇનગર ચોકમાં યશપાલભાઇને મળ્‍યો હતો અને સપ્‍ટેમ્‍બર મહિનાના વ્‍યાજના ૧,૮૦,૦૦૦ આપ્‍યા હતાં.

યશપાલભાઇ પ્રવિણસિંહને રૂબરૂ આ રકમ આપવા ગયા હતાં પણ તેણે રૂપિયા લીધા નહોતાં અને કહેલુ કે સુરેશભાઇને કહેજો મુદ્દલ આપી દે. એ પછી હું કેકેવી ચોકમાં યશપાલભાઇને મળતાં તેણે કહેલુ કે પી.ટી. જાડજા માનતા નથી, તેઓ મુદ્દલની વાત કરે છે. એ પછી તા. ૨/૯/૨૪ના પ્રવિણસિંહના માણસ હસુભાઇએ ફોન કરવાનું ચાલુ કર્યુ હતું. તેણે એક કલાકમાં મુદ્દલના પૈસા ભરી જાવ નહિતર માથાકુટ થશે, સારાવટ નહિ રહે તેવું સતત ફોન કરીને કહ્યું હતું.

એ પછી હું અને યશપાલભાઇ મુદ્દલના પૈસા એકઠા કરવા દોડાદોડી કરતાં હતાં. બાદમાં તા. ૫/૯/૨૪ના યશપાલભાઇ વડોદરા ગયેલા ત્‍યારે તેના કહેવાથી મેં પ્રવિણસિંહને ફોન કરી કહેલુ કે રાતના ૨૫-૩૦ લાખ આવી જશે, બાકીના આવતીકાલે ચેકથી આપી દઇશ. એમ કહેતાં પ્રવિણસિંહે આજ રાતના ૧૨ વાગ્‍યા સુધીમાં પૈસા નહિ આપ તો તારી અને યશપાલની જિંદગી બગાડી નાખીશ, તમને બેયને ક્‍યાંયના રહેવા નહિ દઉ, રાજકોટમાં રહેવા નહિ દઉ તેમ કહી મને બેફામ ગાળો દીધી હતી.

એ પછી એ દિવસે જ પ્રવિણસિંહ સાથે મારે ફોનમાં ચારથી પાંચ વખત વાત થઇ હતી. ૬/૯/૨૪ના રોજ હસુભાઇએ અડધા અડધા કલાકે ફોન ચાલુ કરી પૈસા તાત્‍કાલીક આપી જાવ નહિતર તમને અને યશપાલભાઇને  બાપુ ચોકમાં લાવી મારશે. આ પછી મેં કંટાળીને મારો ફોન સ્‍વીચઓફ કરી દીધો હતો અને મારા મોટા ભાઇ પ્રવિણભાઇ પરમારને વાત કરી હતી.

એ પછી તેમણે તા. ૧૦/૯/૨૪ના રોજ યશપાલભાઇ અને હસુભાઇ સોનીને રૂબરૂ બોલાવી મુદ્દલના ૬૦ લાખ પૈકી ૩૦ લાખ આરટીજીએસની પ્રવિણસિંહના ખાતામાં ટ્રાનસફર કર્યા હતાં. તેમજ ૨૯,૬૦,૦૦૦ તેમને રોકડા આપ્‍યા હતાં. ત્‍યારે હસુભાઇએ મારા મોટા ભાઇ પ્રવિણભાઇને કહેલુ કે પ્રવિણસિંહ તેઓના ગામડે ગયા છે, રાતે આવે એટલે તેમની પાસેથી મકાનની ફાઇલ, ચેક, લખાણ આપી જઇશું. પરંતુ મકાનની ફાઇલ પાછી અપાઇ નહોતી.

 એ પછી બે દિવસ બાદ મારા પત્‍નિ સારવાર માટે દેવ હોસ્‍પિટલમાં દાખલ હતાં ત્‍યારે મારા મિત્ર ધર્મેન્‍દ્રભાઇનો ફોન આવેલો કે પ્રવિણભાઇ સોનીએ ફોન કરી કહ્યું છે કે મુદ્દલના ૬૦ લાખ તમે પ્રવિણસિંહને મોડા ચુકવ્‍યા છે એટલે હવે એક મહિનાનું ૧૦ ટકા લેખે વ્‍યાજ ચુકવવુ પડશે, નહિતર તેઓ મકાનની ફાઇલ આપવાની ના પાડે છે. આથી મેં કહેલુ કે પ્રવિણભાઇ સોનીનો હવે ફોન આવે તો કહેજો ફાઇલ તેની પાસે રાખે, ફાઇલ નથી જોઇતી.

ત્‍યારબાદથી આજ સુધી તેમણે મારી પાસે સિક્‍યુરીટી પેટે કરાવેલ  સાટાખત, પાવરનામુ, નાગરીક બેંકના ૭ ચેકો તથા મારા મકાનની અસલ દસ્‍તાવેજની ફાઇલ પોતાની પાસે જ રાખી લીધી છે. મેં ૬૦ લાખ વ્‍યાજે લઇ તેની સામે વ્‍યાજના ૧૦,૮૦,૦૦૦ તેમજ મુદ્દલના ૨૯,૬૦,૦૦૦ અને ૩૦,૦૦,૦૦૦ મળી કુલ ૭૦,૮૦,૦૦૦ ચુકવજી દીધા હોવા છતાં મકાનની ફાઇલ પાછી ન આપી વધુ વ્‍યાજની ઉઘરાણી કરી રાજકોટ મુકાવી દેવાની ધમકી આપતાં હોઇ અંતે મારે ફરિયાદ કરવી પડી હતી.

તેમ વધુમાં સુરેશભાઇ પરમારે જણાવતાં માલવીયાનગર પીઆઇ જીજ્ઞેશ આર. દેસાઇ, પીએસઆઇ ડી. એસ. ગજેરાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(3:06 PM IST)