<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

જવાહર રોડના વેપારી અબ્‍બબાસઅલી પુનાવાલા સાથે જામનગરના શૈલેન્‍દ્રસિંઘની ૮૫ હજારની ઠગાઇ

નાણા ટ્રાન્‍સફરનું કામ કરાવી ઓળખાણ કેળવી ૧ લાખ લઇ સામે ૧૫૦૦૦ જ પાછા દઇ બાકીની રકમનો ધૂંબો મારી દીધોઃ એ-ડિવીઝન પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૩૦: જવાહર રોડ પર મોબાઇલ સીમ કાર્ડની દૂકાન ધરાવતાં અને મની ટ્રાન્‍સફરનું કામ કરતાં વેપારી સાથે જામનગરના શખ્‍સે વિશ્વાસ કેળવી અવાર-નવાર રૂપિયા ટ્રાન્‍સફરનું કામ કરાવી સમયસર નાણા ચુકવી દીધા બાદ છેલ્લે ૧ લાખ મેળવી તેમાંથી માત્ર ૧૫ હજાર પાછા આપી બાકીના ૮૫ હજાર વારંવાર ઉઘરાણી કરવા છતાં ન આપતાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવાઇ છે. આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે તાર ઓફિસ પાછળ મોહમદી રેસીડેન્‍સી ડી-૫૦૩માં રહેતાં અને જવાહર રોડ ગેલેક્‍સી હોટેલ સામે મારૂતિનંદન કોમ્‍પલેક્ષમાં મોબાઇલના સીમ કાર્ડ વેંચવાનું અને મની ટ્રાન્‍સફરનું કામ કરતાં અબ્‍બાસઅલી અકબરઅલી પુનાવાલા (ઉ.વ.૪૧)ની ફરિયાદ પરથી જામનગર ડાંગરવાડા ગોૈશાળા રોડ પર પંચવટી કોલોની ૮-બી ખાતે રહેતાં શૈલેન્‍દ્રસિંઘ નીરબાણ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

અબ્‍બાસઅલી પુનાવાલાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું સાતેક વર્ષથી અલગ અલગ સીમ કાર્ડ વેંચુ છુ અને મની ટ્રાન્‍સફરનું કામ કરુ છું, એકાદ વર્ષથી મારી દૂકાને જામનગરનો શૈલેન્‍દ્રસિંઘ મની ટ્રાન્‍સફરના કામે આવતો હોઇ જેથી ઓળખાણ થઇ હતી અને એક બીજાના ફોન નંબર લીધા હતાં. શૈલેન્‍દ્રસિંઘને ગમે ત્‍યારે રૂપિયા ટ્રાન્‍સફર કરવા હોઇ તે મને ફોન કરે ત્‍યારે  હું તેનું કામ કરી દીધો હતો અને બીજા દિવસે તે દુકાને આવી રૂપિયા આપી જતો હતો. આ રીતે તેણે વિશ્વાસ કેળવ્‍યો હતો. બાદમાં તા. ૨૬/૯/૨૪ના રોજ તેણે મને રાતે દસેક વાગ્‍યે ફોન કરી મને એક લાખ ટ્રાન્‍સફર કરી આપો હું તમને કાલે પાછા આપી દઇશ તેમ કહેતાં મેં તેને જુના ચાર્જના રૂા. ૬૮૦૦ લેવાના હતાં તે કાપીને ૯૩૨૦૦ ટ્રાન્‍સફર કરી દીધા હતાં.

બાદમાં શૈલેન્‍દ્રસિંઘે મને તમારા રૂપિયા પાછા આપી દીધા છે તેમ કહી વ્‍હોટ્‍સએપમાં મને સ્‍ક્રીનશોટ મોકલ્‍યો હતો. મેં વિશ્વાસ રાખી મારુ એકાઉન્‍ટ બેલેન્‍સ ચેક કર્યુ નહોતું. પણ ૨૭/૯/૨૪ના રોજ મેં એકાઉન્‍ટ ચેક કરતાં મારા એકાઉન્‍ટમાં રૂપિયા જમા થયા ન હોઇ મેં શૈલેન્‍દ્રસિંઘને ફોન કરી મારા રૂપિયાની ઉઘરાણી કરતાં તેણે થોડા દિવસમાં આપી દઇશ તેમ કહી છેલ્લે ૨૭/૧૦ના રોજ મને માત્ર ૧૫ હજાર ચુકવી બાકીના ૮૫ હજાર આજ સુધી ચુકવ્‍યા નથી. અંતે ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં અબ્‍બાસઅલીએ કહેતાં પીઆઇ આર. જે. બારોટના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. આર. મકવાણાએ તપાસ હાથ ધરી છે.

(4:25 PM IST)