<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

ઇન્‍કમટેક્‍સ ઇન્‍સ્‍પેક્‍ટર સાથે એસીબી ઓફિસ નજીક મારકુટ, ધમકીઃ પત્‍નિ, સાળા, સસરા સહિતના વિરૂધ્‍ધ ગુનો દાખલ

હાલ બિહાર રહેતી પત્‍નિ સાથે ડિવોર્સનો કેસ ચાલે છેઃ ગયા મહિને પત્‍નિ સહિતના રાજકોટ આવ્‍યા ત્‍યારે માથાકુટ થતાં અરજી કરી હતીઃ હવે એફઆઇઆર દાખલ કરાવાઇ

 

 

રાજકોટ તા. ૩૦: શહેરના રેસકોર્ષ રીંગ રોડ પર રહેતાં મુળ બિહારના વતની ઇન્‍કમટેક્‍સ ઓફિસરને તેમના પત્‍નિ સાથે ડિવોર્સનો કેસ ચાલુ હોઇ ગત ઓક્‍ટોબર મહિનામાં પત્‍નિ, સાળા અને સાળાના મિત્રએ રાજકોટ આવી માથાકુટ કરી મારકુટ કરી ધમકી આપી હોઇ જે તે વખતે અરજી કરવામાં આવી હતી. હવે આ મામલે પત્‍નિ, સાળો, સાળાના મિત્ર અને ફોનમાં ધમકી આપનારા બિહાર સ્‍થિત સસરા વિરૂધ્‍ધ તેમણે ફરિયાદ દાખલ કરાવી છે.

આ બનાવ અંગે એ-ડિવીઝન પોલીસે  રેસકોર્ષ રીંગ રોડ પર આયકર ગૃહ વાટીકા બ્‍લોક નં. ૭૮માં રહેતાં મુળ બિહાર ભાગલપુરના મીરજાન હાટ ગામના ઇન્‍કમટેક્‍સ ઇન્‍સ્‍પેક્‍ટર કુમારઅભીનવ પ્રભુનાથ ભગત (ઉ.વ.૪૩)ની ફરિયાદ પરથી બિહાર ભગતટોલા માતાસ્‍થાન જી. અરારીયા ખાતે રહેતાં સાક્ષીકુમારી કિશુનપ્રસાદ ભગત, અમીત કિશુનપ્રસાદ ભગત, શ્રવણ ભગત અને કિશુનપ્રસાદ ભગત વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

કુમારઅભીનવ ભગતે પોતાની ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું અહિ દિકરી સાથે રહુ છુ, મારો દિકરો મારા પત્‍નિ સાક્ષીકુમારી સાથે બિહારમાં રહે છે. પત્‍નિ સાથે મારે છ વર્ષથી ડાયવોર્સીનો કેસ રાજકોટ ફેમિલી કોર્ટમાં ચાલુ છે. ગત ૧૭/૧૦/૨૪ના સાંજે સાડા સાતેક વાગ્‍યે હું અને દિકરી ઘરે હતાં ત્‍યારે મારા પત્‍નિનો ફોન આવેલો અને દિકરી સાથે વાત કરીને કહેલુ કે મારે દિકરાના કપડા અને બીજો સામાન લેવાનો છે જેથી તું અને તારા પપ્‍પી ત્રિકોણબાગ પાસે જુડીયોના શો રૂમ પાસે આવો. આથી હું અને મારી દિકરી ત્રિકોણબાગ પાસે જતાં ત્‍યાં મારા પત્‍નિ તેમજ મારા સાળા અમિત ભગતના મિત્ર શ્રવણકુમાર પણ હતાં. મેં શ્રવણને મારો સાળો અમિત ક્‍યાં છે? તેમ પુછતાં શ્રવણે તે અહિ નથી તેમ કહ્યું હતું. એ પછી અમે ઘરેથી લાવેલો સામાન મારી પત્‍નિને આપ્‍યો હતો. તે વખતે મને જોઇને મારો દિકરો રડવા લાગ્‍યો હતો. એ પછી મેં તેને મારા બાઇકમાં બેસાડી તેને ચક્કર મરાવ્‍યું હતું.

ત્‍યારબાદ દિકરો બાઇકમાંથી નીચે ઉતરતો ન હોઇ અને મારી સાથે જ તેને આવવું હતું. પણ મારી પત્‍નિ દિકરાને પોતાની સાથે લઇ જવા ઇચ્‍છતી હતી. મેં મારી પત્‍નિને અત્‍યારે હું દિકરાને ઘરે લઇ જાવ છુ બે ત્રણ કલાક પછી તમે ક્‍હો ત્‍યાં મુકી જઇશ તેમ કહી હું દિકરા-દિકરીને લઇને  ઘરે ગયો હતો. બાદમાં રાતે દસેક વાગ્‍યે મેં શ્રવણને ફોન કરી મારા દિકરાને તમે કહો ત્‍યાં મુકી જાવ તેમ કહેતાં તેના ફોનમાં મારી પત્‍નિએ વાત કરી હવે આજની રાત તમે દિકરાને તમારી પાસે જ રાખો તેમ કહ્યું હતું અને ફોન મુકી દીધો હતો. પણ દિકરો રડતો હોઇ હું તેને કમ્‍પાઉન્‍ડમાં આટો મરાવવા લઇ ગયો હતો. એ દરમિયાન ૧૮/૧૦ની રાતે અઢી વાગ્‍યે મારા ફોનમાં શ્રવણનો ફોન આવતાં મેં રિસીવ કર્યો નહોતો. બાદમાં મારા પત્‍નિ સાક્ષીનો ફોન આવતાં તે પણ રિસીવ કર્યો નહોતો.

એ પછી થોડી જવારમાં મારા પત્‍નિ અને શ્રવણ મારા રહેણાક ખાતે આવેલ અને ડોર બેલ વગાડતાં હતાં. તે વખતે બંનેએ મને અને મારા દિકરાને નીચે કમ્‍પાઉન્‍ડમાં જોયા હતાં. એ પછી બંને નીચે આવતાં મેં મારા પત્‍નિને તું અત્‍યારે મોડી રાતે શ્રવણ સાથે એકલી કેમ આવી? અત્‍યારે કયાં જઇ રહ્યા છો? તારો ભાઇ અમિત ભગત ક્‍યાં છે? તેમ પુછતાં મારા પત્‍નિએ મને માર ખાવો હોય તો અમારી સાથે ચાલ તેમ કહેલું.

જેથી હું તેની સાથે રિક્ષામાં બેસી ગયો હતો. રિક્ષામાં પણ પત્‍નિ મારી સાથે જેમતેમ બોલતી હતી. શ્રવણે પણ મને જેમતેમ કહ્યું હતું. રિક્ષા રાજકોટ બસ સ્‍ટેશન પાસે પહોંચી હતી. જ્‍યાં મારો સાળો અમિત પણ હતો. બાદમાં મારા પત્‍નિએ ૧૦૦ નંબરમાં ફોન કરતાં હું, મારો સાળો, પત્‍નિ અને શ્રવણ એમ ચારેય એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશને ગયા હતાં. જ્‍યાં મારા પત્‍નિએ એવુ નિવેદન આપેલુ કે કોઇ પોલીસ ફરિયાદ કરવી નથી.

બાદમાં હું ત્‍યાંથી સવારે ચારેક વાગ્‍યે નીકળી મારા ઘરે જવા નીકળ્‍યો હતો.

એ પછી ભાવનગરના ઉતારાવાળી ગલીમાં એસીબી કચેરી નજીક મારા પત્‍નિ સાક્ષી, સાળો અમિત, તેની સાથેના શ્રવણે આવી ઝઘડો કરી મને મારકુટ કરી હતી અને સાળાએ મારી નાખવાની તથા ડિવોર્સનો કેસ પાછો ખેંચી લેવાનું કહી તેમજ મારી પત્‍નિએ રાતે હું તારી ઘરે આવી હતી તેનું પ્રુફ જો કોર્ટમાં આપીશ તો ખરાબ પરિણામ આશવે તેવી ધમકી આપી હતી. બાદમાં મારા સાળાએ તેના ફોનમાંથી મારા સસરા કિશુનપ્રસાદને ફોન જોડતાં સસરાએ પણ મને ધમકી આપી કહેલુ કે-અત્‍યારે તારા વિરૂધ્‍ધ કોઇ ફરિયાદ કરી નથી, તું સુધરી જા નહિતર ફરિયાદ કરી તારુ જીવન બરબાદ કરી નાખીશ. એ પછી આ ત્રણેય જતાં રહ્યા હતાં.

આ બનાવ બાદ મેં અરજી કરી હતી. દિવાળીની રજા હોઇ હું વતન બિહાર ગયો હતો. પરત આવી હવે ફરિયાદ નોંધાવી છે. તેમ વધુમાં કુમારઅભિનવ ભગતે જણાવતાં પીઆઇ આર. જે. બારોટની રાહબરીમાં પીએઅસાઇ એમ. એસ. રાણાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:23 PM IST)