તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
વિરાણી હાઈસ્કૂલ જમીન મામલોઃ બપોર બાદ સાંજે ૪ાાથી સુનાવણીઃ દલિલોનો જંગ થશે
આજની સુનાવણી બાદ મુદત પડશે કે આગળના અઠવાડીયે ચુકાદો તેના પર મીટ...

રાજકોટ, તા. ૩૦: શહેરની વિરાણી હાઈસ્કૂલની જમીનના શરત ભંગના મામલે આજે બપોરના ૪:૩૦ વાગ્યાથી સીટી પ્રાંત-૧ ચાંદની પરમાર દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૫૧માં જિલ્લા કલેકટર દ્વારા રાજકોટના રેવન્યુ સર્વે નં. ૪૨૭ ની ૪૯૭૨૦ ચો.વાર જમીન વિરાણી હાઈસ્કૂલને ફાળવી હતી. જેમાં શરત મૂકવામાં આવી હતી કે આ જમીનનો કોઈપણ ભાગ ભાડે આપી શકાશે નહીં, વહેંચી શકાશે નહીં કે કોઈ નફો કરી શકાશે નહીં. આ ઉપરાંત અદલા-બદલાના દસ્તાવેજ કે અદલા બદલામાં વેચાણ કે બીજી રીતે આપી શકાય નહીં તેવા પ્રકારની મર્યાદા સાથે આ જમીન દુર્લભજી શામજી વિરાણીને ખેતી સિવાયના કામ માટે આપી હતી.
વર્ષ ૨૦૧૯માં શામજી વેલજી વિરાણી ટ્રસ્ટ દ્વારા ૫૦૦૦ ચો.મી. જગ્યા વેચાણ કરવા ચેરીટી કમિશ્નરમાં મંજુરી માંગી હતી. પરંતુ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેનો વિરોધ કરી આ અંગે કલેકટરને ફરીયાદ કરતા આખો કેસ હાઈકોર્ટમાં ગયો હતો.
જેમાં હાઈકોર્ટે ફેર સુનાવણી કરી યોગ્ય નિર્ણય લેવા ફરમાન કર્યુ હતું. આ દરમિયાન કલેકટર તંત્ર દ્વારા એવું જણાવેલ કે કલેકટરની લેખિત પરવાનગી મેળવ્યા વગર આ જમીન વિરાણી હાઈસ્કૂલના ઉપયોગ સિવાય બીજા કામ માટે ઉપયોગ કરવા મનાઈ ફરમાવવામાં આવે છે.આ હુકમ સામે નારાજ થયેલા ટ્રસ્ટીઓએ હાઈકોર્ટમાં દલીલ કરતા હાઈકોર્ટે ટ્રસ્ટીઓને આ પ્રકરણમાં ફેર સાંભળવા માટે હુકમ કર્યો હતો. જેમાં પ્રાંત-૧ અધિકારી ચાંદની પરમાર દ્વારા આજે બપોર બાદ સુનાવણી રાખવામાં આવી છે. વિરાણી સ્કૂલના પૂર્વ વિદ્યાર્થી અને કાયદેઆઝમ પરષોત્તમભાઇ પીપળીયા નો કેસ પૂર્ણ થયો છે અને આજે સરકાર પક્ષને સાંભળ્યા બાદ કદાચ આજે અથવા તો આવતા મહિને નિર્ણય પણ આવે તેવી સંભાવના છે, આજે બપોર બાદ સરકાર પક્ષના વકિલો અને વિરાણી હાઇસ્કુલના ટ્રસ્ટીઓના વકિલો વચ્ચે દલીલો જામશે.
(3:28 PM IST)










