તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
રાજકોટના હંસરાજ નગરના કટલેરીના ધંધાર્થી સુનિલભાઈ સિંધવડ સાથે ૫૧ હજારમાં કન્યા શોધી લગ્ન કરી અપાવવાના બહાને છેતરપીંડી
કહેવાતા મેરેજ બ્યુરો સંચાલક મનીષ વસાણીએ ૩૧ હજાર લઈ લગ્ન ન કરાવી આપતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ

રાજકોટ: શહેરમાં લગ્ન માટે કન્યા શોધી આપવાના બહાને વધુ એક છેતરપીંડી થઈ છે. જેમાં હંસરાજ નગરમાં રહેતા અને કટલેરીની રેંકડી કાઢી ગુજરાન ચલાવતા આધેડને છેતરીને એકત્રીસ હજારનો ચૂનો લગાવી દેવાયો છે.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના હંસરાજનગરમાં રહેતાં સુનીલભાઈ ચત્રભુજભાઈ સીંધવડ ઉ.વ.૪૮ની ફરિયાદ પરથી પોલીસે મનીષ વસાણી વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે. સુનિલભાઈએ જણાવ્યું છે કે હું કટલેરીની રેકડી કાઢી રાજકોટ શહેરમા જુદી જુદી જગ્યાએ ફરીને વેપાર કરૂ છુ અને મને ગઈ તા.૧૮-૦૩-૨૦૨૩ના સાંજના છએક વાગ્યે મારા મિત્ર ગિરીશભાઇ જાની મળેલ હતા અને તેઓને મેં મારા લગ્ન બાબતે વાતચિત કરીને કહેલ કે મારે લગ્ન કરવા છે તમને કોઈ મેરેજ બ્યુરો વાળુ જાણીતુ હોય તો કહેજો. જેથી ગિરીશભાઈએ મને તેમના જાણીતા મનીષ વસાણીના મોબાઇલ નંબર આપેલ હતા અને મને વાત કરેલ કે તે મેરેજ બ્યુરો ચલાવે છે. તેમની સાથે વાત કરી લેજો જો તમારા લાયક કન્યા મળી જાય તો તમારુ ઘર બંધાય જાય.
બાદ આશરે દશેક દિવસ બાદ મે ફોનથી મારા લગ્ન બાબ તે મનીશ સાથે વાતચિત કરેલ તો તેણે મને જણાવેલ કે આપણે આજે આ બાબતે રુબરુ મળવુ પડશે. પછી મનીષભાઇ મને મળવા માટે તે જ દિવસે સાંજે આઠેક વાગ્યે રુબરુ પરબજાર ખાતે આવેલ અને કહેલ કે આ બાબતે મારે તમારુ ઘર પણ જોવુ પડશે ત્યાર બાદ જ તમને હુ કન્યાની માહીતી આપીશ. જેથી હુ મનીષભાઇને મારા ઘરે લઈ ગયેલ અને મારુ ઘર બતાવેલ બાદ મનીષભાઇએ મને મારા લગ્ન માટે કન્યાના અલગ અલગ બે ફોટાઓ તેમના મોબાઈલ માથી બતાવેલ.
જેમાથી મને એક પસંદ આવેલ જેથી મે ફોટામાથી પસંદ આવેલ કન્યા સાથે લગ્ન કરવાની હા કહેલ. મનીષભાઇએ તે કન્યા સાથે મારા લગ્ન કરવા માટે રૂપિયા ૫૧,૦૦૦ આપવા પડશે તેવુ કહેલ જેથી મે તેઓને હા પાડેલ હતી, અને તેઓએ અત્યારે રૂ..૧૦,૦૦૦ રોકડા આપવા પડશે તેમ વાત કરતા મે તેમને રોકડા . ૧૦,૦૦૦ આપેલ હતા.
બાદ થોડાક દીવસ પછી મને મનીષભાઈનો ફોન આવેલ અને કહેલ કે, તમે મને રૂ.૪૧, ૦૦૦ ઓનલાઈન મોકલાવી આપો.નપન મને એન્ડ્રોઇડ મોબાઇલ વાપરતા ન આવડતો હોય અને મારી પાસે સાદો મોબાઇલ હોય જેથી મે મારી ભત્રીજી કાજલબેન ચેતનભાઈ રાણપરીયાને આ બાબતે વાત કરતા કાજલબેને તેના મોબાઇલથી મનીષભાઇના મોબાઈલ નંબર ઉપર ફોન પે કરી મનીષભાઇ વસાણીને ત્રણ કટકે રૂપિયા.૨૧,૦૦૦ ટ્રાન્સફર કરી રૂપીયા આપેલ હતા. બાદ મનીષભાઈએ મને લગ્ન માટે વાડી બુક કરવાનુ કહેતા મે પેડકરોડ ઉપર આવેલ ખત્રી સમાજની વાડી પણ રોકડા રૂ.૭૦૦૦ ભરી બુક કરાવેલ હતી. બાદ મેં મનીષ વસાણીને જણાવેલ કે મે તમને પૈસા તો આપીયા છે તમે મને લગ્ન માટે કન્યા શોધી દયો. પણ અવાર નવાર કહેવા છતાં આજદિન સુધી કોઇ કન્યા સાથે મેરેજ કરાવેલ નથી અને પૈસા પરત કરવા અંગે તેમેને વાત કરતા વારંવાર બહાના કાઢતા હોઇ મને લગ્ન કરાવી દઇશ તેવી લાલચ આપી મને છેતરી મારી પાસેથી કુલ રૂ.૩૧,૦૦૦ લઇ છેતરપીંડી કરેલ હતી. એ ડિવિઝન પોલીસ ઇન્સપેક્ટર આર.જી. બારોટની રાહબરીમાં પીએસઆઇ એમ.એસ. રાણાએ ફરિયાદ દાખલ કરી આરોપીને પકડી લેવા તપાસ આગળ વધારી છે.
(8:56 PM IST)










