<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st December 2024

કોઠારિયા રોડ દેવપરા પાસે હાર્ડવેરના ધંધાર્થી યુવાન હારમિશ ગજેરાની મોટાભાઈની નજર સામે જ ફાયનાન્સના ધંધાર્થી દોલતસિંહ સોલંકીએ છરીના ઘા ઝીંકી હત્યા કરી: માસૂમ પુત્રીએ પિતાનું છત્ર ગુમાવ્યું

ખોડિયાર હોટેલ પાસે કોમ્પ્લેક્ષના પાર્કિંગના ગેઇટ પાસે ઉભવા પ્રશ્ને ચારેક દિવસ પહેલા થયેલી બોલાચાલીનો ડખ્ખો કારણભૂત: ભક્તિનગર પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ: શહેરમાં શનિવારે રાત્રે હત્યાની વધુ એક ઘટના બની છે. જેમાં કોઠારીયા રોડ ખોડિયાર ટી સ્ટોલ અને ડોકટર મેઘાણીનાં દવાખાના પાસે આવેલા કોમ્પ્લેક્ષના ગેઇટ નજીક ઉભા રહેવા પ્રશ્ને થયેલી બોલાચાલીને લીધે ફાયનાન્સની ઓફીસ ધરાવતા શખ્સે ૨૮ વર્ષના યુવાનની તેના મોટાભાઈની નજર સામે જ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.

જાણવા મળેલી વિગતો મુજબ કોઠારીયા રોડ દેવપરામાં ખોડિયાર હોટલ પાસે હાર્મિશ હસુભાઈ ગજેરા (ઉ.વ.૨૮-રહે.ગીતાંજલી સોસાયટી આનંદ નગર કોલોની પાછળ)ને ત્યાં નજીકમાં ઓફિસ ધરાવતા દોલતસિંહ ઉર્ફે દોલુ સોલંકીએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મર્ચી જવા પામી હતી. પોલીસે હત્યાનો ભોગ બનનારના મોટા ભાઈ રાધિક હંસરાજભાઈ ગજેરા ઉ.વ.૩૦ની ફરિયાદ પરથી દોલતસિંહ ભાવસિંહ સોલંકી રજપૂત વિરૂધ્ધ મોડી રાત્રે ગુનો દાખલ કરવા ઉપરાંત તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

વધુ માહિતી મુજબ કોઠારીયા રોડ નજીક આનંદનગર પાસે ગીતાંજલી સોસાયટીમાં રહેતો અને કોઠારીયા ચોકડી પાસે રામનગર નજીક અક્ષર હાર્ડવેર નામે પિતા અને ભાઈ સાથે કારખાનુ ચલાવતો હાર્મિશ ગજેરા. (ઉ.વ. ૨૮) અને તેનો ભાઈ રાધિક ગજેરા (ઉ.વ.૩૦) પાંચેક દિવસ પહેલા દેવપરામાં આવેલી ખોડિયાર ચાની હોટલે ચા-પાણી પીવા ગયા હતાં. તે હોટલ ઉપર દોલતસિંહ ઉર્ફે દોલુની ફાયનાન્સની ઓફિસ હોઈ અને તેણે પાર્કિંગમાં ડેલો બનાવ્યો હોઈ અહીં રાધિક અને હાર્મિશ હોટલ અને દોલતસિંહની ફાયનાન્સની ઓફિસ ત્યાં વચ્ચેના રસ્તે ઉભો હતા ત્યારે રસ્તા પર ઉભવું નહિ કહી દોલતસિંહ ઉર્ફે દોલુએ માથાકૂટ કરી હતી.

દરમિયાન શનિવારે રાત્રે હાર્મિશ અને તેનો મોટોભાઈ  રાધિક તે હોટલે ચા પાણી અને સીગારેટ પીવા ગયા હતાં ત્યારે દોલતસિંહ ઉર્ફે દોલુએ ફરી બોલાચાલી કરી હતી. બાદમાં તેને ઉભો રહે કહીને તેની ઓફિસે છરી લેવા ગયો હતો આ દરમ્યાન હાર્મિશ પણ ત્યાં આવતા ઓફિસમાંથી છરી લઈને ધસી આવેલા દોલતસિંહએ બંને ભાઈઓ સાથે ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી. આથી બંને ભાઈઓ જીવ બચાવવા ત્યાંથી દોડયા હતા પરંતુ થોડે દૂર પાછળ દોડી રહેલા દોલતસિંહના હાથમાં હાર્મિશ પકડાઈ જતાં તેને છરીના ત્રણેક ઘા ઝીંકી દેતા તે લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડયો હતો. હુમલા બાદ દોલતસિંહ ત્યાંથી ભાગી ગયો હતો જ્યારે ગંભીર રીતે ઘવાયેલા હાર્મિશને ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જાણ થતાં ભકિતનગર પોલીસે હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કર્યા બાદ મૃતકના ભાઈ રાધિકની ફરિયાદ પરથી ગુનો દાખલ કરવા અને હુમલાખોર દોલતસિંહને પકડવા કવાયત શરૂ કરી હતી.

હત્યાનો ભોગ બન્નેને હાર્મિશ બે ભાઈ અને એક બહેનમાં નાનો હતો. તેને સંતાનમાં બે વર્ષની પુત્રી છે. બનાવથી મૃતકના પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ હતી. ભક્તિનગર પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા, નિલેશભાઈ મકવાણા સહિતની ટીમે ગુનો નોંધી આરોપીને પકડી લેવા તજવીજ આદરી હતી. ડીસીબી, એલસીબીની ટીમો પણ તપાસમાં સામેલ થઈ હતી.

(10:23 AM IST)