News of Monday, 2nd December 2024
હત્યા કરી ભાગેલો દોલતસિંહ ઉર્ફ દોલુ કચ્છથી ગોંડલ ચોકડીએ આવ્યો, ફરી ભાગે એ પહેલા દબોચી લેવાયો
કોઠારીયા રોડ પર હત્યા કરનારો દોલુ અગાઉ પણ હત્યાની કોશિષના ૩, મારામારી, દારૂ, મનીલેન્ડ સહિત ૧૫ ગુનામાં સામેલઃ હવે હત્યાના ગુનાનો પોતાની ક્રાઇમ કુંડળીમાં ઉમેરો કર્યોઃ ૧૦ દિ'ના રિમાન્ડ મંગાશે ભક્તિનગર પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા, પીએસઆઇ વસાવા, ગોહિલ, એએસઆઇ નિલેષભાઇ મકવાણાની ટીમે દબોચ્યોઃ નરેન્દ્રભાઇ ગઢવી, નીખીલભાઇ પીરોજીયાની બાતમી

હત્યા કરનાર દોલતસિંહ ઉર્ફ દોલુ ભાવસિંહ સોલંકી (ઉ.વ.૩૬) : કારખાનેદાર યુવાન હાર્મિશ હંસરાજભાઇ ગજેરા (ઉ.વ.૨૮)ની હત્યાથી બે વર્ષની પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવી
રાજકોટ તા. ૨: શહેરમાં કોઠારીયા રોડ દેવપરા નજીક ખોડિયાર ટી સ્ટોલ પાસેના કોમ્પલેક્ષ નજીક શનિવારે રાતે ફાયનાન્સનો ધંધો કરતાં નામચીન શખ્સે આનંદનગર કોલોની પાછળ ગીતાંજલી પાર્ક-૨ શેરી નં. ૭માં રહેતાં અને કોઠારીયા ચોકડી રામનગરમાં હાર્ડવેરના કારખાનામાં પિતા-ભાઇ સાથે કામ કરતાં હાર્મિશ હંસરાજભાઇ ગજેરા (ઉ.વ.૨૮)ની મોટા ભાઇ રાધીક ગજેરાની નજર સામે જ નામચીનની છાપ ધરાવતા અને ફાયનાન્સનુ કામ કરતાં દોલતસિંહ ઉર્ફ દોલુ ભાવસિંહ સોલંકી (ઉ.વ.૩૬-રહે. રણુજાનગર-૯, વિપુલ નિવાસ, કોઠારીયા રોડ)એ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી અને ભાગી ગયો હતો. તે કચ્છ તરફ ભાગી ફરી રાજકોટ આવી બીજા શહેરમાં ભાગે એ પહેલા ભક્તિનગર પોલીસની ટીમે પકડી લીધો છે. વિશેષ પુછતાછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ થશે. આ શખ્સ અગાઉ પણ હત્યાની કોશિષના ૩, મારામારી, દહેજધારા, દારૂ, મનીલેન્ડ સહિતના ૧૫ જેટલા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હતો.
હત્યા કરનારા ફાયનાન્સર દોલતસિંહ ઉર્ફ દોલુ સોલંકીની જે કોમ્પલેક્ષમાં ઓફિસ છે ત્યાંના પાર્કિંગમાં તેણે ડેલો બનાવ્યો છે. આ ડેલા પાસે ઘટનાના પાંચેક દિવસ પહેલા હત્યાનો ભોગ બનનાર કારખાનેદાર યુવાન હાર્મિશ, તેનો ભાઇ રાધીક અને મિત્રો ઉભા હતા ત્યારે દોલતસિંહ ઉર્ફ દોલુએ અહિ શું કામ ઉભા રહો છો કે બેસો છો? કહી ગાળો દીધી હતી. તે વખતે બોલાચાલી બાદ બધા છુટા પડી ગયા હતાં. શનિવારે રાતે રાધીક ખોડિયાર હોટલ પાસે દોલતસિહની ઓફિસના પાર્કિંગ પાસે જતાં તેણે રાધીક સાથે ગાળાગાળી ચાલુ કરી હતી. એ વખતે નાનો ભાઇ હાર્મિશ પણ આવ્યો હતો અને તેની સાથે પણ દોલતસિંહે ગાળાગાળી કરી હતી. બાદમાં તે ઓફિસમાં ગયો હતો અને છરી લાવી દોટ મુકતાં બંને ભાઇ બચવા માટે દોટ મુકી ભાગતાં દોલતસિંહે હાર્મિશને પકડીલઇ આજે તને જીવતો રહેવા દેવો નથી કહી છરીના ઘા છાતી, પડખાના ભાગે, પેટમાં આડેધડ મારી દીધા હતાં અને ભાગી ગયો હતો.
રાધીક અને તેના મિત્રોએ હાર્મિશને હોસ્પિટલે ખસેડયો હતો. પરંતુ તેને ખાનગી હોસ્પિટલ સુધી લઇ ગયા હતાં. પરંતુ ડોક્ટરે જીવ રહ્યો નથી સિવિલમાં લઇ જવાનું કહેતાં ત્યાં લઇ જવાતાં તબિબે મૃત જાહેર કર્યો હતો. હત્યાની આ ઘટનામાં ભક્તિનગર પોલીસે રાધીક ગજેરાની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો. મૃતકના બનેવી સહિતના સ્વજનોએ રવિવારે સવારે આરોપીને તત્કાળ પકડી લેવાની માંગણી કરી હતી. આરોપીને શોધવા ભક્તિનગર, એલસીબી, ડીસીબીની ૯ ટીમો કામે લાગી હતી. દરમિયાન ડી. સ્ટાફના હેડકોન્સ. નરેન્દ્રભાઇ અર્જુનદેવ ગઢવી અને કોન્સ. નિખીલભાઇ છગનભાઇ પીરોજીયાને મળેલી બાતમી પરથી ગોંડલ રોડ ચોકડીએથી દોલતસિંહ ઉર્ફ દોલુને દબોચી લીધો હતો. તે કચ્છ તરફ ભાગી ગયો હતો અને ગોંડલ ચોકડીએથી કોઇ વાહન પકડી ફરી ભાગવાની વેતરણમાં હતો.
દોલતસિંહે પ્રાથમિક પુછતાછમાં રટણ કર્યુ હતું કે ઘટના પાંચ દિવસ પહેલા હાર્મિશ ગાળો બોલતો હોઇ તેને મેં મારી પાર્કિંગની જગ્યામાં ફોનમાં મોટે મોટેથી અપશબ્દો ન બોલવા કહેતાં બોલાચાલી થઇ હતી. શનિવારે પણ ફરી આવુ થતાં ઝઘડો થયો હતો અને મને મા સમી ગાળ દેતાં ઝઘડો વકરી ગયો હતો. જો કે તે કેટલુ સાચુ બોલે છે? એ સહિતની વિગતો ઓકાવવાની હોઇ દસ દિવસના રિમાન્ડની તજવીજ થઇ રહી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા, પીએસઆઇ એમ. એન. વસાવા, જે. જે. ગોહિલ, એએસઆઇ નિલેષભાઇ મકવાણા, હેડકોન્સ. નરેન્દ્રભાઇ ગઢવી, હિતેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. નિખીલભાઇ પીરોજીયા, અરવિંદતભાઇ ફતેપરા, કરણભાઇ કોઠીવાર, રાજદિપસિંહ જાડેજા, રાહુલભાઇ ઠાકુર, હરવિજયસિંહ ગોહિલ, અરજણભાઇ પરમાર, મયુરધ્વજસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ ગોહિલ, દેવાણંદભાઇ રામ, રાજશેભાઇ સાકરીયા, હોમગાર્ડ દિપભાઇ ટાંક, હાર્દિકભાઇ પીપળીયાની ટીમે આ કામગીરી કરી હતી.
હત્યાના આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ મા સમી ગાળ દેવાતાં ગુસ્સો ચડયાનું દોલતસિંહનું રટણ
ઞ્જદોલતસિંહ ઉર્ફ દોલુ સોલંકી અગાઉ પણ ૧૫ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. ભક્તિનગરમાં મારામારી, દારૂ, તાલુકાં એમવીએક્ટ, ભક્તિનગરમાં જ હત્યાની કોશિષના ૩ ગુના, દારૂનો વધુ એક ગુનો, મનીલેન્ડ એક્ટનો ગુનો, સુરત મહિલા પોલીસમાં દહેજધારાનો ગુનો તેમજ રાજકોટ એ-ડિવીઝનમાં દારૂનો મળી કુલ ૧૫ ગુના તેના નામે હતાં. હવે ભક્તિનગરમાં હત્યાનો એક ગુનો પણ પોતાના નામે કર્યો છે. તેણે રટણ કર્યુ હતું કે પાંચેક દિવસ પહેલા મારી ઓફિસના પાર્કિંગ પાસે હાર્મિશ ફોનમાં મોટે મોટેથી ગાળો બોલતો હોઇ દૂર જવાનું કહેતાં બોલાચાલી થઇ હતી. શનિવારે પણ ફરી તેના ભાઇ સાથે બોલાચાલી બાદ હાર્મિશ આવ્યો હતો અને મને મા સમી ગાળ દેતાં ગુસ્સો આવતાં છરી ઝીંકી દીધી હતી. હત્યા બાદ કચ્છ તરફ ભાગી ગયાનું રટણ કર્યુ હતું. જો કે સાચી હકિકતો જાણવા, છરી કબ્જે લેવા રિમાન્ડની તજવીજ કરવામાં આવી છે.
(2:52 PM IST)










