<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

પૂરવઠાની ઝોનલ કચેરીમાં બઘડાટી યથાવતઃ કલેકટરે પ્રાંતને દોડાવ્‍યા

સીટી પ્રાંત-૧ ડો. ચાંદની તાબડતોબ પગલા લઇ લાઇન સિસ્‍ટમ ગોઠવીઃ અમૂક ટ્રાફીક પૂર્વ મામલતદાર કચેરીના એટીવીટીમાં ટ્રાન્‍સફર કરાયો...: અરજદારો રડવા માંડયાઃ કેટલા ધકકા ખાવાઃ અમારી પાસે એજન્‍ટોને આપવાના નાણા નથીઃ કલેકટરે પણ જાણ્‍યું વધુ પડતું પેનીક છે

રાજકોટ તા. રઃ રાજકોટની જૂની કલેકટર કચેરી ખાતે પૂરવઠાની ઝોનલ કચેરીનો બે દિવસ પહેલા એક વિડીયો વાયરલ થયો હતો જેમાં E-KYC માટે લાંબી લાઈનો જોવા મળી હતી. અને એક કલાકમાં જ બારી બંધ કરી દેતા હોવાનો આક્ષેપો પણ લાગ્‍યા હતા. સાથે જ એજન્‍ટો ૬૦૦ રૂપિયા લઈને તાત્‍કાલિક E-KYC કામગીરી પૂર્ણ કરી આપે છે. સહિતના આક્ષેપો બાદ કલેક્‍ટર દ્વારા તપાસના આદેશો પણ આપવામાં આવ્‍યા હતા. પરંતુ આજે એક બાજુ જુની કલેકટર કચેરીમાં પુરવઠા વિભાગનો સર્વર ડાઉન અને બીજી બાજુ આજે વીજળી ગુલ થઈ જતા E-KYC  સહિતની બધી જ કામગીરી ઠપ થઈ ગઈ હતી. તેમજ સામાન્‍ય લોકોમાં ભારે રોષ જોવા મળ્‍યો હતો. ઝોન કચેરીમાં વીજળી ગુલ થઈ જતા તાત્‍કાલિક E-KYC કામગીરી પૂર્વ મામલતદારમાં શરૂ કરવામાં આવી હતી. અરજદારો મીડિયા સમક્ષ રડી પડ્‍યા હતા અને જણાવ્‍યું હતું કે અમે છેલ્લા એક અઠવાડિયા નોકરીમાં રજા રાખી ધક્કા ખાઈ રહ્યા છે. છતાં પણ અમારું કામ થતું નથી આજે સવારે કચેરી આવ્‍યા ત્‍યાં વીજળી ના હોવાનું જણાવવામાં આવ્‍યું છે અને સાંજે ૪-૦૦ વાગ્‍યે આવવાનું કહ્યું છે ત્‍યારે અમે આખો દિવસ ધંધા રોજગાર બંધ રાખી અને કચેરી ખાતે આવ્‍યા છે. અમારી પાસે રોજ રોજ ૧૦૦ રૂપિયાથી રીક્ષા ભડાવવાના રૂપિયા પણ નથી.અમુક અધિકારીઓને માત્ર રૂપિયામાં જ રસ છે. હમણાં એજન્‍ટ મારફત ૬૦૦ આપ્‍યા તો અમારું કામ સાંજ સુધીમાં થઈ જાય છે. પરંતુ અમારી પાસે આપવાના રૂપિયા નથી અમારી મજબૂરી છે. અને રીતસરના અરજદારો રડી પડ્‍યા હતા. પોતાની વ્‍યથા ઠાલવી હતી, કલેકટર પાસે પણ આ બધી વિગતો પહોંચી હતી, તેમણે તાબડતોબ સીટી પ્રાંત-૧ને દોડાવ્‍યા હતા, ડો. ચાંદની પરમારે ઝડપી પગલા લઇ લાઇટો ચાલુ કરાવી લાઇન સિસ્‍ટમ ગોઠવી હતી અને અમૂક ટ્રાફીક-પૂર્વ મામલતદાર કચેરીના એટીવીટી સેન્‍ટરમાં વાળ્‍યો હતો.

ઝોન કચેરીના નાયક મામલતદાર અરવિંદ રૈયાણી જણાવ્‍યું હતું કે એક અઠવાડિયાથી સર્વર ડાઉન છે. અને તેમની જાણ અમે સરકારને પણ કરી છે. આજે વીજળી ન આવવાના કારણે E-KYC સહિતની કામગીરી ખોરવાય છે સર્વર ધીમી ચાલી રહી છે. અમે પુરવઠા વિભાગને ઘણો સમય પહેલા રજૂઆત કરી દીધી છે.અને આજથી અરજદારોને ૧૫૦ જેટલા ટોકનો આપવાની શરૂઆત કરી દીધી છે.

શનિવારના રોજ પણ એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં લોકોએ રોજ અને જણાવ્‍યું હતું કે કચેરીમાં એજન્‍ટો રાજ છે એને જે લોકો ૬૦૦ રૂપિયા આપે છે. તેમનું કામ તાત્‍કાલિક થઈ જાય છે. એક કલાકમાં જ બારી બંધ કરી દેવામાં આવે છે. ત્‍યારબાદ કલેક્‍ટર પ્રભવ જોશી દ્વારા વિડિયો વાયરલ અંગે પુરવઠા અધિકારીને તપાસના આદેશો આપવામાં આવ્‍યા હતા. ને તાત્‍કાલિક રિપોર્ટ સોંપવા સૂચના પણ આપવામાં આવી હતી.અને ઉચ્‍ચ અધિકારીને ફરજિયાત દિવસમાં એકવાર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

(2:36 PM IST)