News of Monday, 2nd December 2024
જેલમાં ફરી તમાકુ અને મોબાઈલ સાથેના દડાનો ઘા થયો
જેલના જડતી સ્કવોડે યાર્ડની અગાશી પરથી કબ્જે કર્યોઃ પ્રનગર પોલીસમાં ફરિયાદ

રાજકોટ, તા.૨: મધ્યસ્થ જેલમાં અગાશી પરથી પ્રતિબંધીત વસ્તુ બેટરી વગરનો મોબાઈલ અને તમાકુ સેલોટેપમાં દડા સાથે વીંટાયેલ મળી આવતા જેલરે પ્રનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગત મુજબ મધ્યસ્થ જેલના જેલર હરપાલસિંહ સોલંકીએ પ્રનગર પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પરમ દિવસે સાંજે પોતે જેલમાં પોતાની ફરજ ઉપર હતા. ત્યારે જેલમાં જડતી સ્કવોર્ડ દ્વારા જડતી દરમ્યાન નવી જેલ-૧૧ના યાર્ડ નં.૨૨ની અગાશી પર તલાશી લેતા પાણીના ટાંકા પાસે એક પ્લાસ્ટીકની સેલોટેપ વીંટાયેલો દડો મળી આવ્યો હતો. આ દડો ખોલી, ચકાસણી કરતા દડામાંથી સીમકાર્ડ વગરનો એક મોબાઈલ તથા તમાકુની ૧૨ પડીકી મળી આવ્યા હતા.
પોલીસે તમાકુની પડીકી તથા મોબાઈલ ફોન કબજે કર્યા હતા. અને પ્રનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઈ. જે.બી.રાણીગાએ મોબાઈલના આઈ.એમ.ઈ.આઈ. નંબરના આધારે તપાસ હાથ ધરી છે.
(4:56 PM IST)










