તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 2nd December 2024
ઝાડા - ઉલ્ટી - તાવ - શરદી - ઉધરસના અઢી હજાર દર્દી
શહેરમાં રોગચાળાનો ફુંફાડો : ઘરે ઘરે માંદગીના ખાટલા : ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાના ૧૧ કેસ તંત્રના ચોપડે નોંધાયા : મનપા દ્વારા ૮૯,૨૦૨ ઘરોમાં પોરાનાશક કામગીરી : ૩૨૩૧ સ્થળોએ ફોગીંગ : મચ્છર ઉત્પતી સબબ ૭૪૭ને નોટીસ : સાડા છ હજારનો દંડ

તંત્ર ઉંધે માથેઃ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે. તે વખતની તસ્વીરમાં નજરે પડે છે.
રાજકોટ તા. ૨ : શહેરમાં શિયાળાના પ્રારંભે ડેંગ્યુના કેસમાં ધીમો ઘટાડો તો થઇ રહ્યો છે, પરંતુ શરદી-ઉધરસ અને તાવ સહિતના સીઝનલ રોગચાળાના કેસમાં વધારો ચાલુ છે. છેલ્લા અઠવાડિયામાં તો સીઝનલ રોગચાળાના કેસનો આંકડો અઢી હજારને આંબી જતા દવાખાનાઓમાં હવે આ દર્દીઓનો આંકડો મોટો થઇ રહ્યાનું દેખાઇ રહ્યું છે.
શહેરમાં છેલ્લા અઠવાડીયામાં મચ્છરજન્ય રોગ સાથો સાથ પાણીજન્ય રોગે માથુ ઉંચકયું છે. ઉપરાંત ટાઇફોઇડના પણ દર્દી નોંધાયા છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૨૫ નવેમ્બર થી ૧ ડિસેમ્બર સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય
રોગચાળાના ૧૧ કેસ
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના ૮, મેલેરીયાના ૧, તથા ચિકનગુનીયાના-ર કેસ નોંધાયા છે. સીઝનનાં મેલેરીયાના ૪૦, ડેન્ગ્યુના ૩૭૮ તથા ચિકનગુનિયાના ૩૮ કેસ નોંધાયા છે. ડેન્ગ્યુ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વધુ લોકોને કરડતા હોવાથી વધુ લોકો હોય તેવા સ્થળોએ આવા રોગ ફેલાવવાનું જોખમ વધુ રહે છે.
શરદી-તાવના
૨૪૦૫થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૧૨૬૭ તેમજ સામાન્ય તાવના ૯૪૨ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૧૯૬ કુલ ૨૪૦૫ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૪૭,૭૬૫ તેમજ સામાન્ય તાવના ૨૧,૪૪૩ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૧૧,૯૮૯ તથા ટાઇફોડનાં ૯૧ તથા કમળાના ૭, મરડાનાં ૧ તથા કોલેરાના ૬ કેસ નોંધાયા છે. ં
મચ્છર ઉત્પતિ સબબ ૭૪૭ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૮૯,૨૦૨ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૫૬૦૪ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૪૯૬ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૪૭૪ લોકોને નોટીસ પાઠવી હતી.(૨૧.૯)
ખાસ કરીને ડેન્ગ્યુ-મેલેરિયા અટકાયતી માટે આટલું કરીએ
પાણીની સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષાની ટાંકી, બેરલ, કેરબા તથા અન્ય પાણી ભરેલ તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખીએ. હવાચૂસ્ત ઢાંકણ ન હોય તો કપડાથી હવાચુસ્ત ઢાંકીને રાખીએ. પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરીએ. ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ધસીને સાફ કરીએ. બિનજરૂરી ડબ્બાડુબ્લી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરીએ. અગાશી, છજજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરીએ. છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણીનો નિકાલ કરીએ. ડેન્ગ્યુના મચ્છર દિવસે કરડતા હોવાથી દિવસ દરમ્યાન પુરૂ શરીર ઢંકાય તેવા ક૫ડાં ૫હેરવા.
(2:57 PM IST)










