News of Monday, 2nd December 2024
રાજકોટ બાર એસો.ની ચૂંટણીનો સત્તાવાર પ્રોગ્રામ જાહેરઃ ર૦ ડીસેમ્બરે ચૂંટણી યોજાશે
પ્રમુખપદ માટે બકુલભાઇ રાજાણી, પરેશભાઇ મારૂ અને દિલીપભાઇ જોષી વચ્ચે ત્રિપાંખીયો જંગના એંધાણઃ પરેશભાઇ મારૂએ હોદ્દેદારોના નામો જાહેર કર્યાઃ દિલીપભાઇ જોષીની કાર્યદક્ષ ટીમના પેનલના હોદ્દેદારોઅને કારોબારી સભ્યોની યાદી બહાર પાડીઃ આજથી ફોર્મ વિતરણ ચાલુ થતાં ઠંડીમાં વકીલોની ચૂંટણીમાં ગરમાવોઃબાર એસો.ની ચૂંટણીમાં કારોબારી પદ માટે રમેશભાઇ આદ્રોજાએ આજે ફોર્મ ભર્યાનું જાણવા મળે છે

રાજકોટ તા. ર :.. રાજકોટ બાર એસો. ની ચૂંટણીનો પ્રોગ્રામ આજે જાહેર કરવામાં આવ્યો છે. બાર એસો.ની યાદી મુજબ પ્રમુખ - ઉપપ્રમુખ, સેક્રેટરી, જો. સેક્રેટરી, ટ્રેઝરર, લાયબ્રેરી સેક્રેટરી અને મહિલા અનામતની એક-એક જગ્યા ઉપર તેમજ કારોબારી સભ્યોની નવ જગ્યા માટે આગામી તા. ર૦ ડીસેમ્બરે ચૂંટણી યોજવાની આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
આજે તા. ર ડીસેમ્બરથી ફોર્મ આપવાનું શરૂ કરાયું છે. ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોએ તા. ૬-૧ર-ર૪ ના સાંજના પાંચ વાગ્યાના સુધીમાં ફોર્મ ભરી શકશે ત્યારબાદ તા. ૯ ના ફોર્મ ચકાસણીની કામગીરી પુરી થયા બાદ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે.
અને તા. ૧૦ ના સાંજ સુધીમાં જો કોઇ ઉમેદવારો ફોર્મ ભર્યા બાદ ચૂંટણી લડવા માંગતા ન હોય તો સાંજના પાંચ વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચી શકશે.
ફોર્મ પરત ખેંચાયા બાદ ઉમેદવારોની આખરી યાદી જાહેર કરવામાં આવશે. તા. ૧૧ ના રોજ આખરી યાદી પ્રસિધ્ધ થયા બાદ તા. ર૦ ડીસેમ્બરના શુક્રવારે સવારના ૯ થી ૩ દરમ્યાન મતદાન યોજાશે. અને મોડી સાંજના તે જ દિવસે પરિણામ જાહેર થશે.આ વર્ષે બાર એસો.ની ચૂંટણીમાં પ્રમુખપદ માટે ત્રિપાંખીયા જંગ જામશે તેમ ત્રણ ઉમેદવારોએ પ્રમુખપદ માટે પોતાની પેનલો બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે.
જેઓ એ પ્રમુખપદ માટે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે તેમાં પરેશભાઇ મારૂ વર્તમાન પ્રમુખ બકુલભાઇ રાજાણી બીજી ટર્મ માટે પણ ચૂંટણી લડવા ઉત્સુક છે. તેમજ દિલીપભાઇ જોષીને પણ પ્રમુખપદે ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે.
એડવોકેટ પરેશભાઇ મારૂની ટીમના હોદેદારોના નામો પણ બહાર પાડવામાં આવતા જેમાં પ્રમુખપદે પોતે તેમજ ઉપપ્રમુખ માટે સુમિત વોરાએ સેક્રેટરી માટે અતુલ જોષી ને સેક્રેટરી માટે ગીરીરાજસિંહ જાડેજા અને ટ્રેઝરર માટે નેમિષ પટેલ, લાયબ્રેરી સેક્રેટરી માટે કેતનભાઇની કારોબારી માટે ૯ જગ્યા પૈકીના એક ઉમેદવારી પરેશભાઇ પાદરીયાનું નામ જાહેર કરેલું છે.
બીજી બાજુ ઉપરોકત ટીમની દિલીપભાઇ જોષીની પ્રમુખપદ વાળી કાર્યકર ટીમ જાહેર કરવામાં આવી છે. જેમાં પ્રમુખ પદ માટે દિલીપભાઇ જોષી પોતે તેમજ ઉપપ્રમુખ માટે મયંક પંડયા, સેક્રેટરી માટે સંદિપ વેકરીયા, જો. સેક્રેટરી માટે જીતેન્દ્ર પારેખ, ટ્રેઝરર માટે કૈલાષ જાની, લાયબ્રેરી સેક્રેટરી માટે રવિ ધ્રુવ, અને કારોબારી માટે ચિત્રાંક વ્યાસ, મહેશ પુંધેરા, હુસેન હેરજા, અનિલ ડાડા, હિરેન ડોબરીયા, નીલ શુકલા, કિસન રાજાણી, સંજય કથાડ, ભાવીક આંબલીયાનો આ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ત્રીજી પેનલમાં બકુલભાઇ રાજાણી દ્વારા પણ પોતાની પેનલ ઉભી કરવામાં આવશે તેમ જાણવા મળે છે.
(4:23 PM IST)










