<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

જયંતી સરધારા સામે વકીલ તરીકે નહિ રોકાવાનો ઠરાવ અને સરધારાની સનદ રદ કરો : પુરૂષોતમ પીપળીયા

જયંતી સરધારા અનેક કંપનીઓમાં ડાયરેકટર હોવાના પુરાવાને ધ્‍યાને લ્‍યોઃ વકીલ તરીકે પ્રેકટીસ કરતા હોવાની માહિતી ગેરમાર્ગે દોરનારી હોવાથી બાર દ્વારા કાયદાના મુળભુત સિધ્‍ધાંતોને ધ્‍યાને રાખી નિર્ણય કરવો જોઇએઃ ભવિષ્‍યમાં સક્ષમ વ્‍યકિતના પ્રભાવ કે લાગણી હેઠળ ઠરાવ ન થાય તે જોવુ જોઇએઃ આવા સંજોગોમાં બાર એસોસીએશનની શાખને વિપરીત અસર થવાની દહેશત હોવાથી ઠરાવ સંદર્ભે નવી ગાઇડલાઇન બનાવવી જરૂરી : કાયદેઆઝમની પુરાવા સાથે મુદ્દાસરની રજુઆત

રાજકોટ, તા., રઃ  તાજેતરમાં ખોડલધામ અને સરદાર ધામ જેવી પ્રતિષ્‍ઠીત સંસ્‍થાઓનો વિવાદ સપાટી પર લાવનાર હુમલાની ઘટનામાં તથ્‍યથી વેગળી ફરીયાદ નોંધાવનાર  જયંતીભાઇ સરધારાની ફરીયાદ ઉપરથી  નોંધાયેલ ગુન્‍હામાં હત્‍યાની કોશીષની કલમ રદ કરવા પોલીસે કોર્ટ સમક્ષ રીપોર્ટ કર્યો છે. આ વચ્‍ચે આરસીસી બેંકના સીઇઓ અને કાયદેઆઝમનું બિરૂદ મેળવનાર પુરૂષોતમભાઇ બી.પીપળીયાએ જયંતીભાઇ સરધારાની વકીલાતની સનદ રદ કરવા અને રાજકોટ બાર એસોસીએશન દ્વારા તેમની વિરૂધ્‍ધ કોઇ વકીલ નહિ રોકાય તે સંદર્ભે જે ઠરાવ કરવામાં આવ્‍યો છે તે પરત ખેંચવાની માંગણી રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ અને સેક્રેટરી સમક્ષ કરી છે.

લેખીત રજુઆતમાં જણાવ્‍યું છે કે, હું એલ.એલ.બી. ની ડીગ્રી ધરાવું છું અને મને એડવોકેટ તરીકે પ્રેકટીસ કરવાની સનદ મળેલ છે. પરંતુ રાજકોટ કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લી. માં સી.ઈ.ઓ. તરીકે ફરજ બજાવતાં હોવાથી સનદ બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતને સરેન્‍ડર કરેલ છે.રાજકોટ બાર એસોસીએશન દ્વારા શ્રી જે.જી. સરધારાના બનાવ અંગે કોઇ વકીલે નૈતીક ફરજ સમજી બચાવ પક્ષે રોકાવુ નહી તેવો ઠરાવ / સરકયુલર ઠરાવ તા. ૨૮/૧૧/૨૦૨૪ થી કરવામાં આવેલ છે તે  રદ કરવા મારી રજુઆત છે.

શ્રી જયંતીભાઈ.જી. સરધારા ઉદ્યોગપતી છે તેવું તા. ૨૮/૧૧/૨૦૨૪ ના ઠરાવ માં જ લખેલ છે. જેથી તેઓ વકીલાતની પ્રેકટીસ કરતા નથી તેવું ઠરાવ ઉપરથી જ જણાય આવે છે. તદ્‌ઉપરાંત શ્રી  સરધારા અલગ અલગ કંપનીઓમાં ડાયરેકટર છે. જે અંગેની વિગતો આ અરજી સાથે જોડેલ છે.

આથી જયંતીભાઈ સરધારા પોતે વકીલાતની પ્રેકટીસ કરતા હોય તેવું જણાવતા હોય તો તે ગેરકાયદેસર છે અને રાજકોટ બાર એસોસીએશન દ્વારા તેમની સનદ રદ્દ કરવાની કાર્યવાહી કરવી જોઇએ. મારી વિનંતી છે કે તા. ૨૮/૧૧/૨૦૨૪ નો ઠરાવ જયંતીભાઈ સરધારા દ્વારા ગેરરજુઆતના કારણે થયેલ હોવાનું જણાતું હોય તે ઠરાવને રદ કરવા/પરત ખેંચવા વિનંતી છે. તેમજ  જયંતીભાઈ  સરધારા સામે વેપારમાં સક્રીય રીતે સંકળાયેલ હોવા છતાં વકીલ તરીકે પ્રેકટીસ કરતાં હોવાની વિગત જણાવેલ છે તે સબંધે બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતમાં યોગ્‍ય રજુઆત કરી તેમની સનદ રદ્દ કરાવવા કાર્યવાહી રાજકોટ બાર એસોસીએશન કરશે તેવી હું અપેક્ષા રાખુ છું.

વધુમા રાજકોટ બાર એસોસીએશન દ્વારા કોઇ પણ એક પક્ષવતી વકીલોએ ઈફ્‌ રોકાવવા વિનંતી કરતા જે ઠરાવ થાય છે તે બાબતે યોગ્‍ય ગાઇડલાઇન્‍સ/પોલિસી/એસ.ઓ.પી. આ ઘટના જોતા બનાવવી જરુરી જણાય છે.

અન્‍યથા કોઈપણ સક્ષમ વ્‍યકિતના પ્રભાવ હેઠળ કે લાગણી અન્‍વયે જો આ પ્રકારના ઠરાવ થાય તો તે બંધારણ અને કાયદાના મૂળભુત સિધ્‍ધાંતોથી વિરૂધ્‍ધ ગણી શકાય. તેવા સંજોગોમાં રાજકોટ બાર એસોસીએશનની શાખ ઉપર વિપરીત અસર થવાની દહેશત છે. આથી મારી વિનંતી લક્ષમા લેશો તેમ  પુરૂષોતમભાઇ પીપળીયાએ રજુઆતમાં જણાવ્‍યું છે.

તેઓએ અરજીના અંતમાં જણાવ્‍યું છે કે,  હું હાલમાં પ્રેકટીશનર  એડવોકેટ તરીકે ન હોવા છતા એટલા માટે કરી રહ્યો છું કે હું કાનુની ડિગ્રી ધરાવુ છુ અને મને મળેલ પ્રોફેશ્નલ પ્રેકટીસની સનદ મે સરન્‍ડર કરાવેલ છે ત્‍યારે મારો બાર એસોસીએશનના હિતમાં ધ્‍યાન દોરવાનો માત્ર નમ્ર પ્રયાસ છે તે ધ્‍યાને લઇ મારી અરજી ગ્રાહ્ય રાખવાપાત્ર હોય તે બાબતો ગ્રાહ્ય રાખવા મારી માંગણી છે.

(3:36 PM IST)