News of Monday, 2nd December 2024
અટલ સરોવર સ્ટાફ ક્વાર્ટરમાં ઇમરાનને અન્ય કર્મચારીએ સળીયાથી ફટકાર્યો
સહેલાણીઓ પાસેથી મળેલા બીડી, સિગારેટ, લાઇટર જેમાં રાખ્યા'તા એ ડોલમાં ઇમરાને પાણી નાંખી દેતાં સિક્યુરીટી ચેકીંગનું કામ સંભાળતા ઇમ્તિયાઝે ઉશ્કેરાઇ હુમલો કર્યો

રાજકોટ તા. ૨: અટલ સરોવરમાં નોકરી કરતાં અને ત્યાં સ્ટાફ ક્વાર્ટરમાં રહેતાં મુળ આસામના ઇમરાન અખ્તરઅલી (ઉ.વ.૨૪)ને રાતે સાડા નવેક વાગ્યે અહિ જ નોકરી કરતાં ઇમ્તિયાઝ નામના કર્મચારી અને અન્ય શખ્સે મળી મારકુટ કરી લોખંડના સળીયાથી ફટકારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇ મકવાણાએ યુનિવર્સિટી પોલીસને કરી હતી. ઇમરાનના કહેવા મુજબ પોતે આસામનો વતની છે અને છએક મહિનાથી અટલ સરોવરમાં હાઉસ કીપીંગ તથા અન્ય દેખરેખનું કામ સંભાળે છે. જ્યારે ઇમ્યિતાઝ અટલ સરોવરના મુખ્ય ગેઇટ પર એન્ટ્રી કરતાં સહેલાણીઓની તલાસી લેવાનું અને તેમની પાસેથી બીડી, સિગારેટ, લાઇટર વગેરે મળે તો તે જપ્ત કરી ગેઇટ પાસે રાખેલી ડોલમાં ફેંકી દે છે. ગત રાતે ઇમ્તિયાઝે આવી કેટલીક વસ્તુ જપ્ત કરી જે ડોલમાં રાખી હતી તેનો ફરી ઉપયોગ ન થાય એ માટે ઇમરાને એ ડોલમાં પાણી નાંખી દેતાં આ બાબતને લઇને બંને વચ્ચે ચડભડ થયા બાદ ઇમ્તિયાઝ સહિતે ઢીકાપાટુ અને સળીયાથી માર માર્યાનું જણાવાયું હતું.
(4:36 PM IST)










