News of Monday, 2nd December 2024
પૂ. આ. હેમવલ્લભસુરીજી મ.સા.ને ‘તપો ગગન ચંદ્રમાં' બિરૂદ એનાયત
આજીવન આયંબીલના તપસ્વી પૂ. ગુરૂદેવની ૧૦ હજાર આયંબીલ પૂર્ણઃ પૂ.શ્રીની આયંબીલ તપ અનુમોદના અર્થે વિશ્વભરમાં બે લાખ શ્રાવક-શ્રાવીકાઓ દ્વારા આયંબીલ કરી

રાજકોટ તા. ર :.. જૈન સમાજમાં એક ઇતિહાસ રચાયો છે. યુગપ્રધાન આચાર્યસમ પંન્યાસપ્રવર ચંદ્રશેખરવિજયજી મ.સાના શિષ્ય ગિરનાર તીર્થોપદેશક આચાર્ય ધર્મરક્ષીતસુરીશ્વરજી મ.સાના શિષ્ય આયંબીલ તપના ભીષ્મ તપસ્વી આચાર્ય હેમવલ્લભસુરીજી મ.સાને તા.૨૯ નવેમ્બર ૨૦૨૪ના પાવન દિવસે અખંડ ૯૯૯૯ આયંબીલ પુર્ણ થયા છે. જેને લઇને જૈન સમાજમાં આચાર્ય હેમવલ્લભસુરીજી મ.સાનો ચારેકોર જય જયકાર થઇ રહ્યો છે. આજીવન આયંબીલના તપસ્વી આચાર્ય હેમવલ્લભસુરીજી મ.સાને અખંડ ૯૯૯૯ આયંબીલ પુર્ણ થતા પ્રેમ ભુવનભાનુસુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત રાજેન્દ્રસુરીશ્વરજી મ.સાએ પુજ્ય આચાર્ય ભગવંત હેમવલ્લભસુરીજી મ.સાને ‘તપો ગગન ચંદ્રમા'નું વિશેષ બિરૂદ એનાયત કર્યું છે. હવેથી તેઓ તપો ગગન ચંદ્રમાં પુજ્ય આચાર્ય ભગવંત હેમવલ્લભસુરીજી મ.સા તરીકે ઓળખાશે.
પુજ્યશ્રીને અખંડ ૯૯૯૯ આયંબીલ પુર્ણ થતા દેશભરના સમસ્ત જૈન સંઘોમાં સામુહીક ૯૯૯૯૯ આયંબીલ કરવાનું આહ્વન કરાયું હતું. જેમાં દેશ-વિદેશમાંથી શ્રાવક-શ્રાવિકાએ આયંબીલ કરી હતી. કોઈએ સળંગ નવ આયંબીલ તો કોઇએ એક, બે, ત્રણ કે છુટક આયંબીલ કરી હતી. તેમાં ૨૯ નવેમ્બરે બહોળી સંખ્યામાં શ્રાવક-શ્રાવીકાઓએ આયંબીલ કરી હતી. વઢવાણનગરમાં પુજ્યશ્રીને ૯૯૯૯ આયંબીલ પુર્ણ થતા ત્યાં ભવ્ય કાર્યક્રમ ઉજવાયો હતો. (આયંબીલ એટલે બપોરે એક સમયે ઘી, તેલ, ખાંડ, દૂધ, ફળ- ફળાદી, શાકભાજી, સુકામેવા વગરનું સુકુ ભોજન લેવાનું હોય છે. તમામ રસ સ્વાદનો ત્યાગ કરવાનો હોય છે.)
ઉલ્લેખનીય છે કે આચાર્ય હેમવલ્લભસુરીજી મ.સાની નિશ્રામાં શંખેશ્વરથી ગિરનાર સુધીનો છ'રી પાલીત સંઘ નીકળ્યો છે. જે ખોડલીયાદ અને રામપુરથી અનુક્રમે ત્યાંથી સાયલા, ઓવનગઢ, ઘાંઘલપુર, મોટા હરણીયા, ખરેડા, ચિત્રાવાવ, ગઢડીયા, ભાડલા, ચોબારી, ગોંડલ ચોરડી, કાગવડ પાટીયા, જેતપુર ચોકી, બામણગામ, જૂનાગઢ ગિરનારમાં પ્રવેશ, ગિરનારની યાત્રા અને ૧૭ ડિસેમ્બરે ગિરનારની છત્રછાયા સંઘમાળા થશે. પુજ્ય આચાર્ય હેમવલ્લભસુરીજી મ.સાને અખંડ દસ હજાર આયંબીલ પુર્ણ થતા જૈન સમાજમાં એક અનોખો રેકોર્ડ સર્જાયો છે. જેને લઇને શ્રાવક-શ્રાવિકાઓમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આચાર્ય હેમવલ્લભસુરીજી મ.સાએ અત્યાર સુધીમાં ૧૭૦૦થી વધુ ઉપવાસ ૧૧૫૦૦થી વધુ આયંબીલ તેમાં ૯૯૯૯ અખંડ આયંબીલ અને ૩૫૭૦થી વધુ ગિરનારની યાત્રા કરી છે.
(4:47 PM IST)










