News of Tuesday, 3rd December 2024
બેડીના સુરેશ વડેચા પર બેડી ચોકડીએ ૪ શખ્સોએ પાઇપના ઘા કર્યા, બેફામ મારકુટ કરી ભાગી ગયા
એક મહિના પહેલા મિત્ર સુરેશ અગણેચણીયાને વિજય બોરીચા સાથે માથાકુટ થઇ ત્યારે પોતે સમાધાન કરવા જતાં બોલાચાલી થતાં ખાર રાખી વિજય, વિરાજ, બાબુ અને અજાણ્યો તૂટી પડયાઃ બી-ડિવીઝનમાં ફરિયાદ

રાજકોટ તા. ૩: બેડીમાં રહેતાં અને ઇમિટેશનનું કામ કરતાં યુવાનને તે સાંજે ટુવ્હીલરમાં ઇમિટેશનનો માલ આપવા જતો હતો ત્યારે બેડી ચોકડીએ ટ્રાફિકમાં વાહન ઉભુ રાખતાં જ ચાર શખ્સોએ આવી માથામાં પાઇપ મારી પછાડી બાદમાં પગમાં પણ ઘા ફટકારી ઢીકાપાટુ મારતાં સારવાર માટે દાખલ થવું પડયું હતું. એક મહિના પહેલા મિત્રને સામેના શખ્સ સામે માથાકુટ થઇ હતી તેમાં પોતે સમાધાન કરવા ગયો હોઇ બોલાચાલી થઇ હોઇ ખાર રાખી હુમલો કરાયો હતો.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે બેડી ગામમાં વિશાલ રેસ્ટોરન્ટ પાસે રહેતાં અને ઇમિટેશનનું કામ કરવા સાથે ન્યુઝ પોર્ટલમાં રિપોર્ટીંગનું કામ પણ કરતાં સુરેશ જેન્તીભાઇ વડેચા (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી મોરબી રોડ વેલનાથપરાના વિરાજ બોરીચા, વિજય બોરીચા, બાબુ બોરીચા અને અજાણ્યા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
સુરેશ વડેચાએ જણાવ્યું હતું કે હું મારા માતા, પત્નિ અને એક દિકરા તથા દિકરી અને નાના ભાઇ સાથે રહુ છું. મારા પિતાજી હયાત નથી. સમોવારે સાંજે સવા પાંચેક વાગ્યે હું મારુ એક્ટીવા જીજે૦૩-૯૫૭૩ લઇને સંત કબીર રોડ પર ઇમિટેશનના કામનો માલ આપવા જતો હતો ત્યારે રસ્તામાં બેડી ચોકડી નજીક બૂટ ભવાની હોટેલ સામે બેડી ગામથી રાજકોટ તરફ આવતાં રોડની સાઇડમાં ટ્રાફિકમાં મારુ વાહન રાખીને ઉભો હતો ત્યારે અચાનજક જ મારા માથા પાછળ કોઇએ પાઇપનો ઘા મારતાં હું નીચે પડી ગયો હતો.
મેં જોતાં વિરાજ બોરીચા, વિજય બોરીચા અને બાબુ બોરીચા તથા એક અજાણ્યો શખ્સ હતાં. જેના હાથમાં પાઇપ હતો તે અજાણ્યાએ મને ઘા ફટકાર્યો હતો. એ પછી મને પગમાં પણ ઘા ફટકાર્યા હતાં અને ચારેયએ બેફામ ઢીકાપાટુનો માર પણ માર્યો હતો. તેમજ વિજયએ મારા શર્ટના ખિસ્સામાંથી મારો મોબાઇલ ફોન કાઢી રોડ પર ફેંકી ભાંગી નાખ્યો હતો. મેં બૂમાબૂમ કરતાં રસ્તા પર માણસો ભેગા થઇ જતાં સફેદ રંગની એક ઇકોમાં બેસીને ચારે માધાપર ચોકડીવાળા રોડ તર ભાગી ગયા હતાં. બાદમાં મેં મારા નાના ભાઇને બીજા ફોનથી જાણ કરતાં તે આવી ગયેલ અને ૧૦૮ મારફત મને હોસ્પિટલે ખસેડયો હતો.
સુરશે જણાવ્યું હતું કે ઝપાઝપીમાં મારી ડોકમાંથી બે તોલાનો સોનાનો ચેઇન અને પેન્ડલ પણ તૂટીને પડી ગયા હતાં. એકાદ મહિના પહેલા વિજય બોરીચા તથા મારા મિત્ર સુરેશ અગેચણીયા વચ્ચે કોઇ બાબતે ઝઘડો થયો હતો. તેનું સમાધાન કરાવવા વિજય બોરીચા સાથે અમે અગાઉ બેડી ચોકડીએ ભેગા થયા હતાં. ત્યારે મારે વિજય સાથે બોલાચાલી થઇ હતી. તે વાતનો ખાર રાખી વિજય સહિતના ચારે મારા પર પાઇપથી હુમલો કરી ઢીકાપાટુ માર્યા હતાં અને ફોનમાં નુકસાન પહોંચાડયું હતું. બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં પીએસઆઇ ડી. બી. ગાધેએ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
(1:05 PM IST)










