તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
TRP ગેમઝોન અગ્નિકાંડનો કેસ રોજેરોજ ચલાવવાની સરકારની અરજી સામે બે આરોપીની વાંધા અરજી
તમામ આરોપીઓ વતી વકીલો રોકાઇ ગયાઃ ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર ભીખાલાલ ઠેબાની જામીન અરજીઃ અગ્નિકાંડ કેસ ટ્રાયલની ૧૯મીએ સુનાવણી થશે

રાજકોટ તા. ૩: રાજ્યભર ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના કેસમાં ચાલતી ટ્રાયલમાં અંતે આજે સેશન્સ અદાલતમાં ૧૦મી મુદતમાં તમામ આરોપીઓએ તેમના વકીલ રોકી લીધા હોવાનું જાહેર કરતા કેસ આગળ ચાલવાની આશા જાગી છે, પરંતુ સ્પેશિયલ પબ્લિક પ્રોસિકયુટરે આ કેસ ડે-ટુ-ડે (રોજેરોજ) ચલાવવાની આપેલી અરજી સામે બે આરોપીઓ અશોક સિંહ અને કિરીટસિંહે વાંધા રજુ કર્યા છે, અદાલત દ્વારા હવે ૧૯ ડિસેમ્બરની મુદત આપવામાં આવી છે.
દરમિયાન આ કેસમાં આરોપી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખાલાલ ઠેબાએ રેગ્યુલર જામીન અરજી આજે રજુ કરી છે.
શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્તારમાં મોકાજી સર્કલ પાસે આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગઇ તારીખ ૨૮/ ૫/૨૦૨૪ના રોજ આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત ૨૭ લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવની ગંભીરતાથી લઇ રાજ્ય સરકાર દ્વારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી હતી. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમની તપાસમાં આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી, બાંધકામ સહિતની બાબતોમાં વિવિધ તંત્રોના અધિકારીઓ અને ગેમ ઝોનના ભાગીદારો વચ્ચે સાંઠગાંઠ હોવાના કારણે આ દુઃખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું, જે તપાસમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા સહિતના જવાબદાર ધવલ ભરતભાઈ ઠક્કર, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિતભાઈ રાઠોડ, નીતિન મહાવીરપ્રસાદ લોઢા, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, મહેશ અમળતભાઈ રાઠોડ, મનસુખ ધનજીભાઈ સાગઠીયા, ગૌતમ દેવશંકર જોષી, મુકેશ રામજીભાઈ મકવાણા, જયદિપ બાલુભાઈ ચૌધરી, રાજેશ નરશીભાઈ મકવાણા, રોહિત અસમલભાઈ વિગોરા, ભીખાભાઈ જીવાભાઈ ઠેબા, ઈલેશ વલભભાઈ ખેર શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરાયેલા આ તમામ જેલ હવાલે છે. દરમિયાન આ કેસ ચાર્જશીટ મુકાયા બાદ ટ્રાયલના તબક્કે આવ્યા બાદ કેટલાક આરોપીઓએ નવમી મુદત સુધી તેમના વકીલ રોકયા ન હતા, અદાલત દ્વારા તમામને વકીલ રોકવા તાકીદો કરાતી હતી, આજે દસમી મુદ્દતે ટ્રાયલ દરમિયાન તમામ આરોપીઓને ઉપસ્થિત રખાયા હતા અને તમામ આરોપીઓએ વકીલ રોકી દીધા હોવાનું અદાલતમાં જાહેર કર્યું હતું તેથી કેસ ઝડપથી આગળ ચાલવાની આશા બંધાણી હતી, પરંતુ ત્યારબાદ સ્પેશિયલ પબ્લિક પ્રોસિકયુટર તુષાર ગોકાણીની તાજેતરની ડે ટુ ડે ટ્રાયલ ચલાવવાની અરજી સંદર્ભે આરોપીઓ જમીન માલિકો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા અને કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાએ આ કેસ ડે ટૂ ડે ચલાવવા સામે વાંધા રજુ કર્યા હતા. ત્યારબાદ એડિશનલ સેશન્સ જજ ડી. એસ. સીંઘે આ કેસમાં તારીખ ૧૯ ડિસેમ્બરની મુદત જાહેર કરી હતી. બીજી તરફ આજે આરોપી ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ જીવાભાઈ ઠબાએ તેમના વકીલ વિજયસિંહ જાડેજા મારફત આગોતરા જામીન અરજી રજૂ કરી છે, કોર્ટ આ બાબતે હવે પછી નિર્ણય લેશે.
આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ અને ડિસ્ટ્રીકટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા છે. (૭.૩ર)
તુષાર ગોકાણી
સ્પે. પી.પી.
નિતેષ કથીરીયા
એડી. સ્પે. પી.પી.
સુરેશ ફળદુ
બાર એસો.ના વકીલ
(2:54 PM IST)










